લંડનઃ બ્રિટિશ ઈન્ડિયામાં ૧૯૨૯માં જન્મેલા ૯૧ વર્ષના દાદીમા શ્રીમતી વસંતા રાવને હોમ ઓફિસ સાથે ૧૪ વર્ષની કાનૂની લડતના અંતે યુકેમાં રહેવાની કાયમી પરવાનગી અપાઈ છે. બ્રિટિશ મેડિકલ એસોસિયેશન (BMA), બ્રિટિશ ઈન્ડિયન નર્સીસ એસોસિયેશન (BINA) સહિત વિવિધ પ્રોફેશનલ મેડિકલ સંસ્થાઓ એડલ્ટ ડિપેન્ડન્ટ રિલેટીવ્ઝ સંબંધિત ઈમિગ્રેશન નિયમોની તત્કાલ સમીક્ષા કરવા સરકાર પર દબાણ કરી રહેલ છે.
શ્રીમતી વસંતા રાવે iNewsને જણાવ્યું હતું કે,‘ ૨૦૧૬માં મારાં પતિના અવસાન પછી હું એકલી હતી. મારાં બાળકો અને તેમનો પરિવાર યુકેમાં રહે છે અને હું ભારતમાં તીવ્ર એકલતા અનુભવતી હતી. આ એક પ્રકારનો આજીવન જેલવાસ હતો અને મને અહીં રહેવાની ઘણી ઈચ્છા હતી. હું બ્રિટિશ ભારતમાં જન્મી છું, ઈંગ્લિશ સાહિત્ય વાંચું છું, સારું અંગ્રેજી બોલું છું આથી, મારાં માટે અહીં કોઈ સમસ્યા ન હોવી જોઈએ.’
યુકેમાં અમર્યાદ સમય રહેવાની તેમની અરજી ૨૦૦૬માં ફગાવી દેવાયાં પછી NHSમાં સીનિયર ફીઝિશિયન તરીકે કાર્યરત તેમની બે દીકરીઓને માતાના સ્વાસ્થ્યની ભારે ચિંતા રહેતી હતી. છ મહિનાના વિઝિટર વિઝાની અરજીને મંજૂરીમાં ઘણો સમય લાગતો હતો. તેમના ૧૦ વર્ષના મલ્ટિ-એન્ટ્રી વિઝા કોઈ કારણ વિના રદ કરાયા હતા અને રિફન્ડ પણ અપાયું ન હતું. આના બદલે બે વર્ષના મલ્ટિ-એન્ટ્રી વિઝા મંજૂર કરાયા હતા. શ્રીમતી વસંતા રાવની મોટી પુત્રી ડો. પ્રતિભા બહલ કેટરિંગ જનરલ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ પીડિઆટ્રિશીયન અને નાની દીકરી માલા રાવ NHS Englandની વર્કફોર્સ રેસ ઈક્વલિટી સ્ટ્રેટેજીની મેડિકલ એડવાઈઝર છે.
મિસિસ રાવ યુકેની મુલાકાતે હતા ત્યારે અમર્યાદ વસવાટની વિઝા અરજી ૨૦૧૯માં ફગાવી દેવાઈ હતી. આથી, પરિવારે હોમ ઓફિસને કોર્ટમાં પડકારી હતી. ગયા વર્ષે બર્મિંગહામમાં ફર્સ્ટ ટિયર સુનાવણીમાં હોમ ઓફિસે દલીલ કરી હતી કે મિસિસ રાવ ટેકનોલોજીથી સારાં પરિચિત છે, બેંગલોરમાં તેમના મિત્રો છે અને ભૂતકાળમાં ઘરનોકરની સેવા પણ લીધેલી છે. મિસિસ રાવે કપટથી યુકેમાં પ્રવેશ મેળવ્યો છે કારણકે તેમની દીકરીએ જ તેમનો પાછાં જવાનો કોઈ ઈરાદો ન હોવાનું જણાવ્યું છે.