જાણીતા પંજાબી સિંગર, એક્ટર દિલજીત દોસાંજે નવા વર્ષના આરંભે બુધવારે - પહેલી જાન્યુઆરીએ રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ શુભેચ્છા મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા દિલજીતે જણાવ્યું હતું કે ‘2025ની ફેન્ટાસ્ટિક શરૂઆત... માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખૂબ યાદગાર મુલાકાત. અમે સંગીત સહિતના ઘણા વિષયો પર ચર્ચા કરી.’ વડાપ્રધાન મોદીએ પણ દિલજીતની પોસ્ટ શેર કરતા કહ્યું હતું કે, ‘દિલજીત દોસાંજ સાથે શાનદાર વાતચીત. તેઓ ખૂબ પ્રતિભાશાળી છે.’ ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે દિલજીતે વડાપ્રધાનને ગુરુ ગોવિંદસિંહનું એક ભજન ગાઇ સંભળાવ્યું હતું તો વડાપ્રધાને પણ ભજનને માણતાં માણતાં ટેબલ પર થાપ આપીને તાલ મિલાવ્યા હતા.