કોલકતાઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીનાં વખાણ કરતાં તેમને અગ્નિકન્યા તરીકે બિરદાવ્યા હતા. બંગાળ વૈશ્વિક વ્યાપાર શિખર સંમેલનમાં બોલતાં મુકેશ અંબાણીએ આ વાત કહી હતી. સાથે જ તેમણે આગામી ત્રણ વર્ષમાં બંગાળમાં રૂ. 20 હજાર કરોડના રોકાણની જાહેરાત કરી હતી. અંબાણીએ કહ્યું કે તેમનું આ રોકાણ ડિજિટલ લાઇફ સોલ્યુશન, રિટેલ અને બાયો એનર્જી ક્ષેત્રમાં હશે. સંમેલનમાં સંબોધન કરતાં મુકેશ અંબાણીએ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, જે રીતે દિવંગત અટલ બિહારી વાજપેયીએ તમારું (મમતા બેનરજી) વર્ણન કર્યું હતું. આપ વાસ્તવમાં એક અગ્નિકન્યા છો. સંઘર્ષ અને બલિદાનના અગ્નિએ આપને અને આપના સ્વર્ણિમ ચરિત્રને વધારે ઉજ્જ્વળ બનાવી દીધાં છે.