નવી દિલ્હી: દિલ્હી સરકારની વિવાદાસ્પદ લિકર પોલિસી હોય કે પક્ષના જ મહિલા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે અભદ્ર વર્તનનો કેસ હોય, આમ આદમી પાર્ટી (‘આપ’)ની મુસીબતો અટકવાનું નામ લઈ રહી નથી. હવે વિદેશી ફંડિંગના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મોટો પર્દાફાશ કર્યો છે. ઇડીનું કહેવું છે કે ‘આપ’ને 2014થી 2022 દરમિયાન રૂ. 7.02 કરોડનું વિદેશી ભંડોળ મળ્યું હતું. ઇડીએ આ કેસની તપાસનો રિપોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપી દીધો છે. ઇડીએ ‘આપ’ પર વિદેશી હુંડિયામણ ધારાના વિવિધ નિયમોના ભંગનો આરોપ મૂક્યો છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે ઇડીએ આ તપાસ અહેવાલમાં ‘આપ’ને વિદેશી ફંડિંગ આપનારાની ઓળખ અને રાષ્ટ્રીયતા સાથે અન્ય બધા દસ્તાવેજ જોડ્યા છે, જે પક્ષ માટે નવી મુશ્કેલીઓનો સંકેત આપે છે.
ઇડીનું કહેવું છે કે પક્ષને યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમિરાત, કુવૈત, ઓમાન અને બીજા કેટલાય દેશોમાંથી દાન મળ્યું છે. જોકે ફંડ ટ્રાન્સફર કરવા માટે આ લોકોએ એક જ પાસપોર્ટ નંબર, ક્રેડિટ કાર્ડ, ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબરનો ઉપયોગ કર્યો છે.
દરમિયાન ઇડીએ પોતાની તપાસમાં ‘આપ’ અને તેના નેતાઓએ વિદેશી ભંડોળ મેળવવામાં ઘણી ગેરરીતિ આચર્યાનો ઉલ્લેખ કર્યો છે. તેમાં પક્ષના વિધાનસભ્ય દુર્ગેશ પાઠક અને અન્ય નેતાઓ પર 2016માં કેનેડામાં ફંડ રેઇઝિંગ દ્વારા એકત્રિત કરાયેલા નાણાંનો ઉપયોગ વ્યક્તિગત ફાયદા માટે કરવાનો પણ આરોપ છે.
‘આપ’એ તેના ખાતાઓમાં દાન આપનારાની વિગત છૂપાવી છે. તેનું કારણ એ છે કે એફસીઆરએ હેઠળ વિદેશી નાગરિકો પાસેથી દાન લઈ શકાતું નથી. બીજા અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે નામ, દાન કરનારાઓના દેશ, પાસપોર્ટ નંબર, દાનમાં આપેલી રકમ, પેમેન્ટનું માધ્યમ, મેળવનારનું બેન્ક ખાતા નંબર, બિલિંગ નામ, બિલિંગ એડ્રેસ, ટેલિફોન નંબર, બિલિંગ ઇ-મેઇલ, સમય અને તારીખ, કયા ગેટવેનો ઉપયોગ કરાયો વગેરે જેવી જાણકારી શેર કરી છે તેને પીએમએલએ હેઠળ સામે લાવવી જોઈએ.