નવી દિલ્હીઃ ભારતના આમ આદમીને નીતિમત્તા, મૂલ્યો અને ભ્રષ્ટાચારથી મુક્ત સ્વચ્છ રાજકીય વિકલ્પ પૂરો પાડવાની નેમ સાથે સ્થપાયેલી આમ આદમી પાર્ટી (‘આપ’)માં સત્તા માટેની હુંસાતુંસી ચરમસીમાએ પહોંચી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ વિજય મેળવ્યાના થોડાક જ દિવસ બાદ પક્ષના વરિષ્ઠ નેતાઓ વચ્ચે શરૂ થયેલી યાદવાસ્થળીએ વરવું સ્વરૂપ ધારણ કર્યું છે.
શનિવારે યોજાયેલી પક્ષની રાષ્ટ્રીય કારોબારીની બેઠક ભારે તોફાની બની રહી હતી. જેમાં ગોકીરા અને ધાંધલધમાલ વચ્ચે બન્ને અસંતુષ્ટ નેતાઓ યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને રાષ્ટ્રીય કારોબારીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાના બીજા જ દિવસે પક્ષના આંતરિક લોકપાલ રામદાસને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. રામદાસ અસંતુષ્ટ નેતાઓ ભૂષણ અને યાદવના સમર્થક મનાતા હોવાથી તેમને દૂર કરાયા હોવાનું મનાય છે.
બેઠકમાં કેજરીવાલે એક કલાક સુધી ભાષણ આપ્યું હતું. કેજરીવાલે બેઠકમાં હાજર રહેલા ૩૦૦ સભ્યોને પોતાના અથવા ભૂષણ-યાદવમાંથી કોઇ એકની પસંદગી કરવા જણાવ્યું હતું. બેઠકમાં તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે દિલ્હીની પ્રજા પક્ષમાં ભરપૂર વિશ્વાસ વ્યક્ત કરી રહી હતી ત્યારે પક્ષના જ કેટલાક લોકો પીઠમાં ખંજર ભોંકી રહ્યા હતા. સ્પષ્ટપણે તેમનો ઇશારો પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવ સામે હતો. આ બન્ને નેતાઓ સામે તાજેતરમાં જ કેજરીવાલ સમર્થકોએ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવાના આક્ષેપ કર્યા હતા.
ભાષણ પૂર્ણ કરીને તરત જ કેજરીવાલ બેઠકમાંથી બહાર નીકળી ગયા હતાં. કેજરીવાલના ગયા પછી પક્ષના વરિષ્ઠ નેતા અને દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયાએ પક્ષની કારોબારીમાંથી પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવ તથા તેમના સમર્થકો આનંદ કુમાર અને અજિત ઝાને દૂર કરતો ઠરાવ રજૂ કર્યો હતો. આ ઠરાવ ૨૪૭ મતોથી પસાર કરવામાં આવ્યો હતો. ૧૦ સભ્યોએ આ ઠરાવનો વિરોધ કર્યો હતો જ્યારે ૫૪ સભ્યોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. ઉલ્લેખનીય છે કે આ બન્ને નેતાઓ પક્ષના સ્થાપક સભ્યોમાંના એક છે.
બેઠક ગેરબંધારણીયઃ યાદવ
બરતરફી બાદ ભૂષણ અને યાદવે રાષ્ટ્રીય કારોબારીની બેઠકને ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવી હતી. તેમણે કાયદાકીય કાર્યવાહી કરવાની શકયતા પણ નકારી કાઢી ન હતી.
ભૂષણે જણાવ્યું હતું કે એ વાત સાચી છે કે અમે કોર્ટ અને ચૂંટણી પંચનો સંપર્ક કરીશું અથવા તો રાષ્ટ્રીય કારોબારીની બીજી બેઠક બોલાવીશું. તમામ વિકલ્પો ખૂલ્લા છે. યાદવ અને ભૂષણે જણાવ્યું હતું કે 'આપ'ના લોકપાલ એડમિરલ એલ રામદાસ (નિવૃત્ત) પક્ષની કારોબારી બેઠકમાં હાજર રહેતા હોય છે, પરંતુ શનિવારે તેમને પણ જણાવી દેવાયું હતું કે તેઓ આ હાજર બેઠકમાં હાજર ન રહે કારણ કે તેમની હાજરીથી વિરોધ વધી શકે છે.
બેઠકસ્થળે ધરણાં-પ્રદર્શન
રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં કેજરીવાલ કેમ્પના વિરોધી ગણાતા કેટલાક સભ્યોને બેઠક રૂમમાં પ્રવેશ ન આપવા બદલ બેઠક અગાઉ યાદવે બેઠક સ્થળની બહાર ૨૦ મિનિટ સુધી ધરણા યોજ્યા હતાં. કેલિસ્ટા રિસોર્ટમાં યોજાયેલી બેઠકમાં જેમને એસએમએસ દ્વારા આમંત્રણ અપાયું હતું તેમને જ પ્રવેશ અપાયો હતો. રિસોર્ટની બહાર મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને રેપિડ એકશન ફોર્સના જવાનો તૈનાત હતાં.
‘કેજરીવાલ આપખુદ’
ભૂષણ અને યાદવે કેજરીવાલ પર આપખુદ હોવાનો આક્ષેપ મૂક્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઠરાવની વિરુદ્ધ મતદાન કરનારાઓ સાથે કેજરીવાલ કેમ્પના સભ્યોએ મારપીટ કરી હતી. રોષે ભરાયેલા યાદવે જણાવ્યું હતું કે બેઠકમાં લોકશાહીની હત્યા કરવામાં આવી હતી.
આક્ષેપ-પ્રતિઆક્ષેપ
યાદવે આક્ષેપ કર્યો હતો કે અરવિંદ કેજરીવાલ ભીડને અમારા સમર્થકો વિરુદ્ધ ઉશ્કેરી રહ્યા હતાં. બેઠક શરૂ થતાં પહેલા જ બહાર યોગેન્દ્ર યાદવને કેટલાક લોકોએ ધક્કે ચઢાવ્યા હતાં. યોગેન્દ્ર યાદવને જોઇને 'બહાર કાઢો, બહાર કાઢો'ના સૂત્રોચ્ચાર પણ થયા હતા. યાદવે આક્ષેપ કર્યો હતો કે બેઠકમાં ગુંડાગર્દી અને મારપીટ થવા છતાં કેજરીવાલ મૌન રહ્યા હતાં.
રાષ્ટ્રીય કારોબારીના સભ્ય રમજાન ચૌધરીએ જણાવ્યું હતું કે તેમણે ભૂષણ-યાદવ મુદ્દે મતદાન કરવાની વાત કહી તો બાઉન્સર બોલાવીને મારપીટ કરાઇ હતી. જોકે 'આપ'ના નેતા સંજય સિંહે ચૌધરીની મારપીટ કરાઇ હોવાના આક્ષેપોને ફગાવી દેતા કહ્યું હતું ચૌધરી કેજરીવાલના ભાષણની વચ્ચે જ બૂમો પાડવા લાગ્યા હતાં.