‘કોંગ્રેસમુક્ત ભારત’ની દિશામાં બે કદમ આગેકૂચ: અમિત શાહ

Friday 20th May 2016 08:12 EDT
 
 

નવી દિલ્હીઃ ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગુરવારે પાંચેય રાજ્યોના પરિણામ જાહેર થયા બાદ કહ્યું હતું કે આજે દેશ કોંગ્રેસમુક્ત ભારત અભિયાનની દિશામાં બે ડગલાં આગળ વધ્યો છે. તમામ રાજ્યોમાં ભાજપનું પ્રદર્શન સારું રહ્યું છે એવો સંતોષ વ્યક્ત કરતા તેમણે રાજ્યોના નાગરિકોનો આભાર પણ માન્યો હતો.
પત્રકારોને સંબોધતા શાહે વધુમાં જણાવ્યું કે, આ ચૂંટણીઓના પરિણામો જોઈને કોઈ પણ પક્ષ કોંગ્રેસ સાથે જોડાણ કરવાનું નહીં વિચારે. જેટલા અત્યાર સુધી ગયા છે તેમનો પરાજય થયો છે. આસામમાં મળેલા ઐતિહાસિક વિજય બદલ અમિત શાહે જણાવ્યું કે, ભાજપ આસામના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ભાજપ શક્ય એટલા તમામ પ્રયાસો કરશે અને આગામી સમયમાં આસામને વિકસિત રાજ્યોની હરોળમાં લાવી દેશે. કેરળમાં હિંસાનું રાજકારણ પ્રવર્તેલું હતું. ભાજપે આ રાજકારણ સામે ટક્કર લીધી અને તેમાં પક્ષને સફળતા પણ મળી છે.

કેરળમાં ભાજપનો મતહિસ્સો વધ્યો

અમિત શાહે જણાવ્યું હતું કે, કેરળમાં ભાજપનો મતહિસ્સો ૬થી ૧૫ ટકા વધ્યો છે. તામિલનાડુ અને પોંડિચેરીમાં અમે અમારો વોટશેર જાળવી રાખ્યો છે. આ તમામ રાજ્યોમાં ચૂંટણી પહેલાં ભાજપનું પ્રદર્શન નબળું હતું. આ પરિણામોએ ભાજપના પ્રદર્શનને ઘણા અંશે સુધારી દીધું છે. આ પરિણામો ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ખૂબ મદદગાર સાબિત થશે.

જીતે ગમે તે, પણ હારે છે કોંગ્રેસ

કોંગ્રેસના પરાજય અંગે શાહે જણાવ્યું કે, સંસદમાં વિખવાદ અને અવરોધો ઊભા કરીને વિકાસમાં અવરોધરૂપ બનનાર કોંગ્રેસને જનતાએ રસ્તો બતાવી દીધો છે. જયલલિતા અને મમતા બેનરજીએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. પશ્ચિમ બંગાળમાં મમતાનો વિજય થયો છે, પણ ભાજપને સારો વોટશેર મળ્યો છે. મૂળ વાત એટલી જ છે કે વિજય ગમે તેનો થયો હોય, પણ પરાજય તો કોંગ્રેસનો જ થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter