‘ચીન આતંકવાદ અંગે રાજકીય દાનતથી નિર્ણય લેવાનું ટાળે’

Wednesday 07th September 2016 06:33 EDT
 
 

હાંગઝોઉ (ચીન)ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત દરમિયાન પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) પ્રદેશમાંથી પસાર થતા ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર અને પીઓકે દ્વારા ફેલાઈ રહેલા આતંકવાદ અંગે ભારતની ચિંતાથી તેમને વાકેફ કર્યા હતા.
ત્રણ મહિનામાં મોદી-જિનપિંગ વચ્ચે આ બીજી બેઠક હતી. બેઠકમાં જી-૨૦ના એજન્ડા અને આવતા મહિને ગોવામાં યોજાઇ રહેલા ‘બ્રિક્સ’ સંમેલન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિનપિંગે જણાવ્યું કે ભારતની સાથે મહેનતથી સારા સંબંધ વિકસાવાયા છે અને ચીન બન્ને દેશોના આ સંબંધોને આગળ ધપાવવા માગે છે.
જી-૨૦ શિખર મંત્રણાથી અલગ વડા પ્રધાન મોદીએ પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. ૩૫ મિનિટની મુલાકાતમાં મોદી દ્વારા એનએસજી, પીઓકેમાં ચીન દ્વારા બનાવાઈ રહેલા ઇકોનોમિક કોરિડોર અને આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો.
બન્ને નેતાઓ વચ્ચે ગયા જૂન મહિનામાં રશિયાના તાશ્કંદમાં શાંઘાઈ સહયોગ પરિષદની બેઠકથી અલગ મુલાકાત યોજાઇ હતી.

અમે સરહદ પર શાંતિ જાળવવામાં સફળઃ મોદી

મોદીએ પ્રમુખ જિનપિંગ સાથેની ચર્ચા દરમિયાન વિશેષરૂપે એ બાબત પર ભાર મૂક્યો કે ‘અમે સરહદ પર શાંતિ અને સદભાવ જાળવી રાખવામાં સફળ રહ્યા છીએ.’ મોદીએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે બન્ને દેશોએ એકબીજાના વ્યૂહાત્મક હિતો પ્રત્યે ‘સંવેદનશીલ’ બનવું જોઈએ. ત્રાસવાદ વિરુદ્ધની લડાઈ ‘રાજકીય હિતો’ પ્રેરિત ન હોવી જોઈએ. આપણે એકબીજાની મહત્ત્વાકાંક્ષાઓ, ચિંતાઓ અને વ્યૂહાત્મક હિતોનું સન્માન કરીએ તે જરૂરી છે. વડા પ્રધાને ઉમેર્યું હતું કે ભારત-ચીન ભાગીદારી એકબીજાની દૃષ્ટિએ જ મહત્ત્વપૂર્ણ નથી, પરંતુ તેનું મહત્ત્વ પ્રદેશ અને વિશ્વ માટે છે.

એકબીજાની ચિંતાનું સન્માન કરવું જોઈએઃ જિંનપિંગ

પ્રમુખ જિનપિંગે મોદી સાથે ચર્ચા દરમિયાન મત વ્યક્ત કર્યો હતો કે આપણે એકબીજાની ચિંતાઓનો વિચાર કરવો જોઇએ અને એકબીજાનું સન્માન કરવું જોઈએ. વિવાદાસ્પદ મુદ્દાઓનો ઉકેલ લાવવા સકારાત્મક પગલાં ઉઠાવવા જોઈએ. તેમણે કહ્યું હતું કે ચીન ભારત સાથે બહુ મુશ્કેલીથી બનાવેલા સારા સંબંધો જાળવી રાખવા અને આપસી સહયોગને આગળ વધારવા તૈયાર છે. બન્ને પક્ષકારોએ સંબંધોમાં સ્થિર-ત્વરિત વિકાસ જોયો છે એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે બન્ને દેશોએ ઉચ્ચ સ્તરીય આદાન-પ્રદાન જાળવવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter