શ્રીનગરઃ મુંબઇને હચમચાવી નાખનાર સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિત યાકુબ મેમણને નાગપુર જેલમાં ફાંસી અપાઈ એ દિવસે કાશ્મીરમાં કોંગ્રેસના સાંસદ ઉસ્માન માજિદે દાવો કર્યો છે કે આ સિરિયલ બોમ્બ ધડાકાના માસ્ટર માઈન્ડ ટાઈગર મેમણને હું પાકિસ્તાનમાં મળ્યો હતો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે યાકુબ મેમણની કથિત શરણાગતિ પછી ટાઇગર મેમણને એવો ડર હતો કે (પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા) આઇએસઆઇ તેની હત્યા કરાવી નાખશે.
ઉસ્માન માજિદના આ નિવેદને ખળભળાટ મચાવી દીધો છે. નોંધનીય છે કે આ પહેલાં માજિદ આતંકવાદી સંસ્થાઓ સાથે ગાઢ સંપર્કમાં હતા. માજિદે કહ્યું હતું કે, હું ટાઈગરને મળ્યો ત્યારે તે પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં હથિયારોની તાલીમ લઈ રહ્યો હતો.
કાશ્મીરની બાંદીપોર બેઠકના કોંગ્રેસી સાંસદ માજિદે ધડાકો કરતા કહ્યું છે કે, યાકુબે ભારત સરકાર સમક્ષ સમર્પણ કર્યા પછી ટાઈગર મેમણને ડર હતો કે હવે આઈએસઆઈ તેની હત્યા કરાવી નાંખશે. આ ડરથી જ તે પાકિસ્તાનથી ભાગીને દુબઈ જતો રહ્યો હતો. યાકુબની શરણાગતિ પછી ટાઈગર અપમાન અને ઘૃણાની ભાવનાથી પીડાતો હતો. જોકે, એ પછી આઈએસઆઈ તેને પરત લઈ આવી હતી કારણ કે, તેઓ નહોતા ઈચ્છતા કે ટાઈગર પણ ભારત સરકારની શરણે જાય. આઈએસઆઈને એવી આશંકા હતી કે યાકુબની શરણાગતિ ટાઈગરને પણ પ્રોત્સાહન આપશે.
માજિદે કહ્યું હતું કે, યાકુબની શરણાગતિ પહેલાં આઈએસઆઈએ ટાઈગરને તમામ સાધન-સગવડ આપ્યા હતા, પરંતુ ત્યાર પછી સમય બદલાયો હતો. તેને રહેવા માટે મકાન પણ અપાયું નહોતું. યાકુબની શરણાગતિ પહેલાં તેની પાસે ત્રણ લક્ઝુરિયસ કાર પણ હતી. જોકે, દુબઈથી પાછો આવ્યો ત્યારે તેને એક જૂની કાર અપાઈ હતી. ટાઇગરે તેને જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં મને શંકાની નજરે જોવાતો હતો. મને લાગતું હતું કે, આઈએસઆઈએ મારામાં વિશ્વાસ ગુમાવી દીધો છે.
ટાઈગર સાથે પરિચય કઇ રીતે?
ઉસ્માન માજિદની ટાઈગર મેમણ સાથે ઓળખાણ સ્ટુડન્ટ્સ લિબરેશન ફ્રન્ટના સ્થાપક હિલાલ બેગે કરાવી હતી. આ ઉપરાંત હિલાલ બેગ ઈખવાન-ઉલ-મુસલમિન નામના કટ્ટરવાદી જૂથનો વડા પણ છે. ઉસ્માન માજિદ બેથી ત્રણ વાર ટાઈગર મેમણને મળ્યા હતા. એ વખતે તે પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરના પાટનગર મુઝફ્ફરાબાદ પણ આવતો હતો. જોકે, માજિદનો દાવો છે કે, તેમને ટાઈગર સાથે મિત્રતા નહીં, પણ ઓળખાણ હતી.
ધડાકા કેમ કર્યા? ટાઈગરનો જવાબ
ટાઈગર મેમણને કેવી રીતે મળ્યા એ મુદ્દે માજિદ કહ્યું છે કે, હું ટાઈગરને મળ્યો ત્યારે એ આપણા દેશમાં મોસ્ટ વોન્ટેડ હતો. તે મુંબઈ બોમ્બ વિસ્ફોટનો આરોપી હતો. મેં ટાઈગરને પૂછ્યું હતું કે, આ કામ તેં કેમ અને કેવી રીતે કર્યું? વિસ્ફોટો કરવાનું કારણ શું હતું? આ અંગે ટાઈગરનો જવાબ હતો કે, આ વિસ્ફોટોનું મુખ્ય કારણ બાબરી મસ્જિદનો ધ્વંસ છે. આ કારણોસર જ કોમી તોફાનો થયા હતા. એ વખતે ઘણી સ્ત્રીઓએ મને આવીને કહ્યું હતું કે, એ લોકો અમને મારી નાંખશે. આ બધું જોઈને હું લાગણીશીલ થઈ ગયો હતો.
પાકિસ્તાનનું કામ ટાઈગરે કર્યું
ટાઈગર મેમણે માજિદને જણાવ્યા પ્રમાણે, મુંબઈમાં વિસ્ફોટો કરવા માટે આઈએસઆઈએ આયોજન કર્યું હતું અને મારા સહિત અનેકને મદદ કરી હતી. આ કામમાં પાકિસ્તાને આયોજનથી માંડીને શસ્ત્રો સહિતની તમામ પ્રકારે મદદ કરી હતી. પાકિસ્તાને એક જડબેસલાક યોજના બનાવી હતી જે ટાઈગર મેમણની ગેંગે આઈએસઆઈની સૂચના પ્રમાણે પાર પાડી હતી.
ઉસ્માન માજિદનો ભૂતકાળ
ઉસ્માન માજિદ બે વર્ષ પાકિસ્તાન રહ્યા પછી ભારત સરકારને શરણે આવી ગયો હતો. ભારત આવીને તેમણે આતંકવાદી સંસ્થાઓ છોડીને જાહેર જીવનમાં ઝંપલાવ્યું હતું. વર્ષ ૨૦૦૨ની વિધાનસભાની ચૂંટણીમાં તે બાંદીપોરમાં અપક્ષ તરીકે ઊભા રહીને જીત્યા હતા. બાદમાં પીડીપી અને કોંગ્રેસની સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન પણ બન્યા હતા. જોકે, વર્ષ ૨૦૦૮ની વિધાનસભાની ચૂંટણીમાં પીડીપીના ઉમેદવાર સામે હારી ગયા હતા. એ પછી વર્ષ ૨૦૧૪માં કોંગ્રેસની ટિકિટ પર જીતીને સાંસદ બન્યા હતા.