સમગ્ર દેશથી વિખુટા પડી ગયેલા કાશ્મીરમાં ભારતીય સેનાની ત્રણેય પાંખના જવાનો દિવસ-રાત યુદ્ધના ધોરણે રાહત-બચાવ કાર્ય કરી રહ્યા હોવા છતાં અનેક વિસ્તારો આજે પણ સંપર્કવિહોણા છે. નયનરમ્ય સૌંદર્ય માટે જગવિખ્યાત જમ્મુ અને કાશ્મીરના લોકો નર્કાગાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યાં છે.
સતત આઠ દિવસથી વરસતા મેઘરાજાએ મંગળવારે ખમૈયા કરતા રાહત-બચાવ કાર્યમાં વેગ આવ્યો હતો. એક અંદાજ પ્રમાણે, હજુ પણ ૪૦૦થી વધુ ગામ પાણીમાં ગરકાવ છે. કુદરતી આફતે હજારો લોકોને ઘરબારવિહોણા કરી નાખ્યા છે, અને અબજો રૂપિયાની માલમિલ્કતને નુકસાન થયું હોવાના પ્રાથમિક અહેવાલ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરીને રાજ્ય માટે ૧૦૦૦ કરોડ રૂપિયાની સહાય તત્કાળ મંજૂર કરી છે.
કુદરતના કેરમાંથી પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર પણ બચ્યું નથી. અહીં ભારે વરસાદ અને પૂરે સમગ્ર પ્રદેશમાં ભારે નુકસાન કર્યું છે. અહીં પણ ૨૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે તો હજારો બેઘર થયા છે. વડા પ્રધાન મોદીએ પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં રાહત-બચાવ કાર્ય માટે સહાયભૂત થવા તત્પરતા દાખવી હતી, પરંતુ પાકિસ્તાને ભારતની ઓફર નકારી છે.
સૌથી મોટું રાહત-બચાવ કાર્ય
ભયાનક પૂર-વિભીષીકાનો સામનો કરી રહેલા જમ્મુ-કાશ્મીરમાં સૈન્યે પોતાનું સૌથી મોટા રાહત-બચાવ અભિયાન હાથ ધર્યું છે. સૈન્ય અને વાયુસેના પછી સોમવારે નૌકાદળ પણ આ અભિયાનમાં જોડાયું હતું. સૈન્યે કહ્યું કે અત્યાર સુધીમાં ૨૨ હજાર લોકોને ઉગારી લેવામાં આવ્યા છે. શ્રીનગરના અનેક વિસ્તાર હજી પણ પાણીમાં ડૂબેલા છે. ચાર દિવસ બંધ રહેલી વૈષ્ણોદેવીની યાત્રા પુન: શરૂ થઇ ચૂકી છે, પરંતુ ખાસ કરીને શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં સ્થિતિ ખરાબ છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના વડા ઓ. પી. સિંહે જણાવ્યું હતું કે, 'કોમ્યુનિકેશન સિસ્ટમ ઠપ થવાથી બચાવ અને રાહત કાર્યમાં મુશ્કેલી પડે છે. પૂરગ્રસ્ત ક્ષેત્રોમાં તૈનાત અમારી ટીમો સાથે અમારો સંપર્ક થઈ શકતો નથી.'
મદદ માટે ચોમેર સૈન્યની માગ
કાશ્મીરમાં સૈન્ય માટે 'ગો બેક'ના સૂત્રોચ્ચાર થતા રહ્યા છે, પરંતુ આજે સૈન્યને ચોમેરથી મદદ માટે બોલાવવામાં આવી રહ્યું છે. કાશ્મીરના લોકો પોતે માની રહ્યા છે કે સૈન્ય ન હોત તો આજે રહ્યુંસહ્યું બધું પણ ખતમ થઇ ગયું હોત. એક-એક જીવને બચાવવા માટે ડઝનબંધ જવાનો પોતાની જિંદગી દાવ પર લગાવી રહ્યા છે.
બાંદીપોરાના કાજી અમજદ અલીનો આખો પરિવાર પાણીમાં ફસાયેલો હતો. કોઇએ સૈન્યને જાણ કરી. જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા અને બધાને પીઠ પર બેસાડીને પાણીમાંથી બહાર કાઢી લાવ્યા. ગાંદરબલના કંગનમાં પણ ડઝનબંધ પરિવારોને બચાવી લેવામાં આવ્યા છે. ગામવાળાઓએ જણાવ્યું કે જો સૈન્ય ન હોત તો કોઇ બચી શક્યું ન હોત.
સેનાના વડા જનરલ દલબીર સિંહ સુહાગે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, 'અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા છેલ્લામાં છેલ્લા માણસને સુરક્ષિત રીતે બહાર કાઢયા વગર સેના બેરેકમાં પાછી નહીં ફરે.' શ્રીનગરના બદામીબાગ કેન્ટોનમેન્ટના ચાર હજાર જવાનો અને તેમના પરિવારો પણ પૂરથી અસરગ્રસ્ત છે.
શાસક-વિપક્ષનો એક સૂર
પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પછી ગૃહ પ્રધાન રાજનાથ સિંહ જેવા ટોચના નેતાઓની અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇને હવાઇ નિરીક્ષણ કર્યું હતું. તરત જ ભારત સરકારે જમ્મુ-કાશ્મીર માટે રૂ. ૧૦૦૦ કરોડની સહાય જાહેર કરી હતી. ભારત સરકારના આ ત્વરિત પગલાથી જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા પણ ગદગદિત થઇ ગયા હતા. તેમણે સરકારના આ નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
મોદીના આકરા ટીકાકાર તરીકે જાણીતા કોંગ્રેસના નેતાઓ - દિગ્વિજય સિંહ અને ગુલામનબી આઝાદે પણ જમ્મુ-કાશ્મીરની પૂર કટોકટી મામલે ત્વરિત પ્રતિભાવ અને ત્વરિત પગલાં બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરાહના કરી હતી. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય આપત્તિ છે. છેલ્લાં ૫૦ વર્ષોમાં આવી વિનાશકતા જોઈ નથી.
સહાયનો ધોધ વહ્યો
જમ્મુ અને કાશ્મીરમાં સર્જાયેલી ભયંકર જળહોનારતના અસરગ્રસ્તોને ઉપયોગી થવાના હેતુથી પૂ. મોરારિબાપુએ ‘ઉત્તરાખંડ રાહતકોશ’માંથી રૂપિયા એક કરોડ ફાળવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઉત્તરાખંડમાં સર્જાયેલ જળહોનારત વખતે અસરગ્રસ્તોને સહાયરૂપ થવા મોરારિબાપુએ અમેરિકામાં બેકર્સફિલ્ડમાં યોજાયેલી રામકથામાં દાનની સરવાણી વહાવવા અપીલ કરી હતી. અપીલના પ્રતિસાદમાં ૧૦ કરોડથી વધુ રકમનું ભંડોળ એકત્ર થયું હતું. આ ઉપરાંત મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે પાંચ કરોડ રૂપિયાની સહાયની જાહેર કરી છે તો તામિલનાડુના મુખ્ય પ્રધાન જયલલિતાએ પણ પાંચ કરોડની સહાય જાહેર કરવા ઉપરાંત અન્ય કોઈ પ્રકારની મદદ માટે તત્પરતા દાખવી છે. ગુજરાતની રાહત-બચાવ કાર્ય ટુકડીઓ જમ્મુ-કાશ્મીર પહોંચીને કામે લાગી ગઇ છે.
પાકિસ્તાને ભારતની મદદ નકારી
પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં વિનાશક પૂરમાં ફસાયેલાં લોકોને મદદ કરવાની તૈયારી બતાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરિયાદિલી દાખવી છે. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 'મને એવી જાણકારી મળી છે કે, પૂરે પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં પણ ભારે તબાહી મચાવી છે, અમે ત્યાં પણ તમામ શક્ય મદદ આપવા માટે તૈયાર છીએ. અમે આ અંગે પાકિસ્તાન સાથે વાતચીત કરી રહ્યા છીએ. તેમને જરૂર હશે તો અમે ચોક્કસ મદદ કરીશું.'
પાકિસ્તાનના વડા પ્રધાન શરીફે ભારતની કોઈ પણ મદદ સ્વીકારવાને બદલે ભારતની મદદની ઓફરને ઠુકરાવતાં જણાવ્યું હતું કે, તેમનું બચાવકાર્ય ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે અને તેમને આ પ્રકારની કોઈ મદદની જરૂર નથી.’ ઊલટાનું તેમણે કહ્યું હતું કે ભારતને જો કોઈ મદદની જરૂર હશે હોય તો તે આપવા પાકિસ્તાન તૈયાર છે. .