‘ભારતની બેટી’ની વતનવાપસી

Wednesday 28th October 2015 07:48 EDT
 
 

લગભગ ૧૫ વર્ષ પહેલાં સમજોતા એક્સપ્રેસમાં સવાર થઇને લાહોર, પાકિસ્તાન પહોંચી ગયેલી મૂકબધિર છોકરી ગીતા ૨૫મી ઓક્ટોબરે સવારે ૧૦:૪૦ કલાકે દિલ્હીના વિમાની મથકે આવી હતી. ગીતા અને ઈદી ફાઉન્ડેશનના બિલ્કીસ ઈદી સહિતના પ્રતિનિધિમંડળને પાકિસ્તાની દૂતાવાસના વરિષ્ઠ રાજદ્વારીઓએ હરખભેર આવકાર્યા હતા. ભારત આવ્યા પછી ગીતા અને ઈદી ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ વિદેશપ્રધાન સુષમા સ્વરાજ અને ગીતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સુષમા સ્વરાજે આ પ્રસંગે જણાવ્યું હતું કે, હું હિંદુસ્તાનની ધરતી પર હિંદુસ્તાનની બેટીનું સ્વાગત કરું છું.

દરમિયાન, સહરસાના મહતો પરિવારે ગીતા તેમની દીકરી હોવાનો દાવો કર્યો હતો પરંતુ ગીતાના પિતા તરીકેની ઓળખ આપનારા જનાર્દન મહતો કે તેના કુટુંબને મળ્યા પછી ગીતા તેમને ઓળખી ના શકી એ મુદ્દે સ્વરાજે જણાવ્યું કે ગીતા અને તેના પર દાવો કરી રહેલા કુટુંબના ડીએનએ ટેસ્ટ થશે. ટેસ્ટ પોઝિટિવ આવશે તો ગીતાને સમજાવીને તેના કુટુંબને સોંપી દેવાશે. ત્યાં સુધી તેને ઈન્દોરમાં એક પંજાબી દંપતી દ્વારા સંચાલિત મુકબધિર સંસ્થામાં સાચવવામાં આવશે.

ડીએનએ ટેસ્ટ

૨૩ વર્ષીય ગીતાના સાચા માતા-પિતા કોણ તે નક્કી કરવા માટે એઈમ્સના બે ડોક્ટર્સ નિયુક્ત કરાયા છે અને ગીતા તેમની પ્રથમ પુત્રી છેનો દાવો કરનારા જનાર્દન મહતોના ડીએનએ સેમ્પલ લઈ લેવાયા છે. આ ઉપરાંતના ગીતાના કેટલાક ડીએનએ સેમ્પલ લેવાયા છે જેનો રિપોર્ટ ૧૫-૨૦ દિવસમાં આવી જશે.

ઇદી ફાઉન્ડેશનની એક કરોડની સહાય

૨૫મી ઓક્ટોબરે ગીતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી અને વડા પ્રધાને પાકિસ્તાનમાં ગીતાની દેખભાળ કરનારા ઇદી ફાઉન્ડેશનને એક કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાનના વડા પ્રધાન સાથેની વાતચીતમાં પણ ગીતાની સંભાળ રાખવા બદલ તેમનો આભાર માન્યો હતો. જોકે ફાઉન્ડેશને આ સહાય સ્વીકારવાની નમ્રતાપૂર્વક ના કહી છે.

ઇદી ફાઉન્ડેશનનાં સભ્યો જ્યાં જવા માંગશે તેઓને ત્યાં લઈ જઈશું

સ્વરાજે ઇદી ફાઉન્ડેશનનો આભાર માનતા કહ્યું હતું કે, 'ઇદી ફાઉન્ડેશનનાં સભ્યો ભારતના મહેમાન છે. તેઓને અજમેર શરીફ અને નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પર લઈ જવાની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત તેઓ જ્યાં જવા ઈચ્છશે ત્યાં તેઓને લઈ જઈશું.'

ગીતા પાકિસ્પૂતાનમાં પૂજા કરતી હતી

ઇદી ફાઉન્ડેશનના બિલ્કીસે કહ્યું કે આ છોકરી જ્યારે ફાઉન્ડેશનને મળી ત્યારે કેટલાક લોકોએ કહ્યું કે, આ છોકરીનું નામ ફાતિમા છે. શરૂઆતમાં તે એકદમ ગુમસુમ રહેતી હતી. તે હાથ જોડતી અને પગે લાગતી. ત્યારે અમને જાણ થઈ છે આ હિન્દુ છોકરી છે અને પાડોશી દેશની છે. અમે તેને હનુમાન અને ભગવાન કૃષ્ણની મૂર્તિ આપી. ઘંટડી આપી અને પછી નક્કી થઈ ગયું કે તે હિન્દુ જ છે. તેણે ક્યારેય નોનવેજ નથી ખાધું. તે ઈંડા સુદ્ધાં નથી ખાતી. જેટલો સમય તે પાકિસ્તાનમાં રહી તે જમવાનું જાતે જ બનાવતી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter