મુંબઈ: દિવંગત દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાની સંપત્તિનો એક મોટો હિસ્સો એવા વ્યક્તિને મળી શકે છે કે જેમના વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. એક અહેવાલ મુજબ રતન ટાટાએ 500 કરોડ રૂપિયાની સંપત્તિ મોહિની મોહન દત્તા માટે છોડી છે. તેઓ રતન ટાટાના ખાસ ગણાય છે.
ઉલ્લેખનીય છે કે ગત 9 ઓક્ટોબરે રતન ટાટાના નિધન બાદથી તેમની સંપત્તિની વહેંચણી ચર્ચાનો વિષય બની છે. રતન ટાટાની વસિયતમાં મોહિની મોહન દત્તાનો નામનો ઉલ્લેખ તેમના ઉત્તરાધિકારીઓના નામોમાં જોવા મળે છે. જોકે મોહિની મોહન દત્તાને આ રકમ પ્રોબેટ મળ્યા બાદ અને હાઈકોર્ટ દ્વારા પ્રમાણિત થયા પછી અપાશે, જેમાં ઓછામાં ઓછા 6 મહિનાનો સમય લાગી શકે છે. રતન ટાટાનું વિલ તેમના નિધનના થોડા દિવસ બાદ જાહેર કરાયું હતું. જેમાં તેમની સંપત્તિ ભાઈ, ઓરમાન બહેનો, ઘરેલુ કર્મચારીઓ અને તેમના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ શાંતનુ નાયડુ સહિત ઘણા લોકોમાં વહેંચવામાં આવી છે.
શાંતનુ નાયડુ હવે જનરલ મેનેજર
રતન ટાટાની હયાતી દરમિયાન પડછાયાની જેમ તેમની સાથે જોવા મળતા શાંતનુ નાયડુને હવે નવી જવાબદારી સોંપવામાં આવી છે. શાંતનુને ટાટા મોટર્સમાં જનરલ મેનેજર તરીકે નીમવામાં આવ્યા છે. તેઓ કંપનીમાં સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ્સના હેડ તરીકે કામ કરશે. શાંતનુએ ગયા સપ્તાહે લિન્કડઇન પર એક ભાવનાત્મક પોસ્ટ લખી હતી. તેમણે લખ્યું હતુંઃ મને જણાવતા આનંદ થાય છે કે હું ટાટા મોટર્સમાં જનરલ મેનેજર (હેડ - સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ્સ) તરીકે નવી શરૂઆત કરી રહ્યો છું. મને યાદ છે કે જ્યારે મારા પિતા સફેદ શર્ટ અને નેવી બ્લૂ પેન્ટ પહેરીને ટાટા મોટર્સના પ્લાન્ટમાંથી ઘરે આવતા હતા ત્યારે હું બારી પાસે ઊભો રહીને તેમની રાહ જોતો હતો. જિંદગી જ્યાંથી શરૂ થઈ હતી ફરી ત્યાં આવી ગઈ. શાંતનુએ ટાટા નેનો સાથે પોતાનો એક ફોટો શેર કર્યો છે.