• હવે જી મેઇલ એકાઉન્ટ દ્વારા પૈસા મોકલી શકાશેઃ જી મેઈલનો ઉપયોગ કરનારા યૂઝર્સ માટે સારા સમાચાર છે. હવે યૂઝર્સ ફક્ત એક મેઇલ દ્વારા પોતાના સબંધીઓ કે મિત્રોને પૈસા મોકલી શકશે. ગૂગલની આ સેવા ગૂગલ વોલેટના સંયોજનના રૂપમાં છે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે યૂઝર્સની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જોઈએ. તેમ જ પોતાનું જી મેલ એકાઉન્ટ હોવું જરૂરી છે. આ સુવિધાનો ઉપયોગ માત્ર ડેસ્કટોપ બ્રાઉઝર દ્વારા જ શક્ય બનશે. આ પ્રક્રિયા માટે સામેવાળા વ્યક્તિનું પણ તેના નામે એકાઉન્ટ તથા ગૂગલ વોલેટ હોવું ખાસ જરૂરી છે. જેનાથી તે કેશ રિસીવ કરી શકે. આ માટે ક્રેડિટ કે ડેબિટકાર્ડ પણ યૂઝર્સ ધરાવતો હોવો જોઈએ. જેની મદદથી પૈસાની લેવડ દેવડ થઈ શકે. આ સુવિધા હાલમાં યુકેના જી મેલ યૂઝર્સ માટે જ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ અન્ય દેશોમાં પણ તે ઝડપથી અમલી થશે.
• દાવા વગરની થાપણો, ખાતાના નામ જાહેર કરાશેઃ વિવિધ બેંકોમાં રહેલી દાવા વગરની થાપણો ધરાવતા લોકોની મદદ માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બેંકોને નિર્દેશ આપ્યો હતો કે તેઓ આવા ખાતાધારકોનાં નામ વેબસાઇટ પર મૂકે અને તેમ જ તેમને આની માહિતી સરળતાથી મળી રહે તે માટે ‘ફાઇન્ડ’ ઓપ્શન આપે. બેંકે એક જાહેરનામામાં કહ્યું હતું કે તમામ બેંકોએ આ કામ ૩૧ માર્ચ પહેલા પૂર્ણ કરવું જોઈએ. તેમ જ પોતાની વેબસાઇટ નિયમિત અપડેટ કરવી જોઈએ.
• રાજસ્થાનના પૂર્વ CM અશોક ગેહલોતને સ્વાઈન ફલૂઃ રાજસ્થાનમાં અત્યારે સ્વાઈન ફ્લૂનો કેર વધી રહ્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અશોક ગહેલોતે પોતાને સ્વાઈન ફ્લૂનો રોગ થયો હોવાનું સોશિયલ મીડિયા પર જાહેર કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે સમયસર સારવાર લીધા બાદ હવે મારી તબિયતમાં સુધારો આવી રહ્યો છે. રાજસ્થાનમાં વધી રહેલા સ્વાઈન ફ્લૂના રોગ અંગે સરકાર પર પ્રહાર કરતાં સવાલ ઉઠાવ્યો હતો કે સમયસર સ્વાઈન ફલૂ અંગે પગલાં કેમ ના લેવાયા. રાજ્યના લોકોને આ રોગની જાણકારી ન હોવાથી મોતનો સામનો કરવો પડયો છે. અમારી સરકારમાં આ રોગનો પ્રથમ કેસ પ્રકાશમાં આવતાં અમે સમગ્ર રાજ્યમાં આ રોગની તપાસ શરૂ કરી હતી.
• મોદી ‘કુશળ વક્તા’ છેઃ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવા બદલ તાજેતરમાં પક્ષની નારાજગી વહોરી લેનારા કોંગ્રેસના સાંસદ શશી થરુરે જણાવ્યું છે કે વડા પ્રધાનમાં આપણે બધાં એક કુશળ વક્તા જોઈ રહ્યા છીએ. જોકે, તેમણે મુક્ત રીતે કટ્ટરપંથી હિંદુત્વનો એજન્ડા આગળ ધપાવવા બદલ ભાજપની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે એનડીએ (નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ) સરકારની અને તેમાં ખાસ કરીને મોદીની મુખ્ય તાકાત સંવાદ રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે ભાષણ આપવામાં, સૂત્રો બનાવવામાં અને નિવેદનો આપવામાં અદ્વિતીય રીતે ફોટો માટે તક આપવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ અસરકારક છે.
• મુંબઇની આર્થિક અપરાધ શાખાએ ગત સપ્તાહે રૂ. ૨,૨૭૬ કરોડના છેતરપિંડીના કેસમાં સ્પીક એશિયા કંપનીના કન્ટ્રી હેડ (સેલ્સ) સહિત છ વ્યક્તિની ધરપકડ કરી છે.