• પૂર્વ વડા પ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહના નેતૃત્વમાં ૨૬ વર્ષ પહેલાં એક મંચ પર આવેલા નેતાઓ પોતાના છ પક્ષોના વિલયની તૈયારીમાં છે. જનતા દળ પરિવારને નવો આકાર આપવાની જવાબદારી સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવને સોંપાઈ છે. તેનો હેતુ નરેન્દ્ર મોદીનો પ્રભાવ ઘટાડવાનો અને રાષ્ટ્રીયસ્તરે પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવાનો છે. વિલય પછી આ દળ બાકીના બિનકોંગ્રેસી, બિનભાજપી પક્ષોનું પણ સમર્થન મેળવવા માટે પ્રયત્ન કરશે. આ નેતાઓમાં લાલુ યાદવ, પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવે ગૌડા, નીતિશ કુમાર વગેરેનો સમાવેશ થાય છે.
• થોડા સમય પૂર્વે યુબીએસ ફ્રાન્સ બેંકને ધનવાનોને કાળું નાણું છુપાવવામાં મદદ કરવાના આરોપસર એક બિલિયન યુરોથી વધુ દંડ થયો હતો. આ કેસમાં યુબીએસ ફ્રાન્સ બેંકનાં પૂર્વ પીઆરઓ સ્ટેફની ગિબાઉડે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. હવે આ વ્હિસલ બ્લોઅરે એક ટીવી ન્યૂસ ચેનલ સાથેની ચર્ચામાં કાળાં નાણાંના મુદ્દે ભારત સરકારની મદદ કરવા માટે તત્પરતા દર્શાવી છે.
• ઝારખંડની રાજધાની રાંચી નજીક એક ચૂંટણીસભામાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં વધેલા આતંકવાદી હુમલા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવ્યા હતા. ગત સપ્તાહે કાશ્મીરમાં થયેલા ચાર આતંકવાદી હુમલામાં ૧૧ જવાન શહીદ થયા હતા. આ ઘટનાનો ઉલ્લેખ કરતાં ગાંધીએ જણાવ્યું હતું કે યુપીએનાં શાસનમાં કાશ્મીરમાં શાંતિ હતી. રાજ્યમાં ટુરિસ્ટ નિર્ભિક થઇને આવતાં હતાં, પરંતુ હવે ટેરરિસ્ટ આવી
રહ્યા છે. મોદી જ્યાં પણ જાય છે ત્યાં રમખાણો ફાટી નીકળે છે.
• તાજ મહેલને લઈને અત્યાર સુધી શિયા અને સુન્નીનાં વકફ બોર્ડ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી, હવે તેમાં ભાજપે ઝૂકાવ્યું છે. ભાજપે તાજ મહેલને પ્રાચીન તેજોમહાલય મંદિરનો હિસ્સો ગણાવ્યો છે. ઉત્તર પ્રદેશના ભાજપના પ્રદેશ પ્રમુખ લક્ષ્મીકાંત બાજપાઈએ જણાવ્યું હતું કે મુગલ શાસક શાહજહાંએ મંદિરની કેટલીક જમીનને રાજા જય સિંહ પાસેથી ખરીદી હતી. તેમણે એવો દાવો કર્યો હતો કે આ બાબતના દસ્તાવેજો હજી ઉપલબ્ધ છે. તેમનો આરોપ છે કે વકફ બોર્ડની સંપત્તિઓ પર કબજો કરી બેઠેલા આઝમ ખાનની નજર હવે તાજમહેલ પર છે.
• અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા ફરી નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થયા છે. ઓબામાએ ભારતમાં અધિકારીઓની નિષ્ક્રિયતા દૂર કરવા માટે મોદીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું છે કે આ પ્રોજેક્ટ લાંબો છે અને દરેકને જાણવા મળશે કે વડા પ્રધાન પોતાના પ્રયાસોમાં કેવા સફળ થયા છે. અમેરિકા અને વિશ્વભરમાં પ્રવર્તમાન આર્થિક સ્થિતિ પર ચર્ચા કરવા આ રાઉન્ડટેબલ બેઠક યોજાઈ હતી, જેમાં ઓબામાએ મોદી અંગે પોતાનું મંતવ્ય આપ્યું હતું. ગયે મહિને પૂર્વીય ઓશિયા શિખર સંમેલન વખતે ઓબામાએ મોદી સાથે પોતાની ચર્ચામાં કહ્યું કે તેઓ ‘મેન ઓફ એક્શન’ છે.
• ઉત્તર-પૂર્વ કેન્યામાં મંદેકા કાઉન્ટીમાં આવેલા કોરમે ગામ ખાતે ખાણમાં કામ કરતા ૩૬ મજૂરોની હત્યા કરવામાં આવી છે. આ મજૂરો સૂઈ રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ બંદૂકની અણીએ બધાને ખૂબ જ માર્યા બાદ મુસ્લિમ મજૂરોને એક તરફ ખસી જવા આદેશ કર્યો હતો. બાદમાં બિનમુસ્લિમ મજૂરો પર અંધાધૂંધ ગોળીબાર કરી તેમની હત્યા કરી હતી. હુમલો કરનારા હથિયારધારી આતંકવાદીઓ પડોશી દેશ સોમાલિયાના અલ શબાબ સંગઠનના હતા. કેન્યાના રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાટાએ આને દેશની જનતા પર થયેલો હુમલો ગણાવ્યો હતો. ગત મહિને પણ આતંકીઓએ અહીં હુમલો કરીને ૨૮ જણાને મોતને ઘાટ ઉતાર્યા હતા.
• અમેરિકામાં વધુ એક અશ્વેત નાગરિક ઉપર પોલીસ દ્વારા અત્યાચાર ગુજારાયા બાદ તેના મૃત્યુના ચુકાદા સામે વિરોધ શરૂ થયો છે. ગત જુલાઈમાં અશ્વેત યુવક એરિક ગાર્નરની ગળું દબાવીને હત્યા કરાયા બાદ દોષિત પોલીસ કર્મીઓને જ્યુરી દ્વારા નિર્દોષ છોડી મુકાતાં વિરોધ ઉઠયો છે.
• જે રીતે ગયા વર્ષથી સેલ્ફી શબ્દની લોપ્રિયતા ખૂબ જ વધી હતી, તે જ રીતે આ વર્ષે ‘વેપિંગ’ શબ્દનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. ઓક્સફર્ડ ડિકશનરીએ આ અંગે કહ્યું હતું કે આ વર્ષ ૨૦૧૪નો ઇન્ટરનેશનલ વર્ડ છે. તેની પાછળ જે શબ્દ હતા, વે બે, બડટેન્ડર, ઇન્ડિરેફ. વેપિંગનો અર્થ ઇલેક્ટ્રોનિક સિગરેટ અથવા તેના સમાન જ કોઈ ડિવાઇસ. ઇન્ટરનેટ અને અન્ય માધ્યમોથી આ શબ્દના પ્રયોગના આંકડા એકત્ર કરાયા હતા.