'વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી ત્રણ વર્ષના શાસન કાળમાં રામ મંદિર નિર્માણ, કાશ્મિરની વિવાદીત કલમ ૩૭૦ની નાબુદી સહિતના અન્ય વચનો પૂર્ણ કરશે. જો પાકિસ્તાન સાથે યુધ્ધ થયું તો ભારત પાકિસ્તાનના ચાર ટૂકડા કરશે અને જો પાકિસ્તાન અણુબોંબનો ઉપયોગ કરશે તો પાકિસ્તાન પૃથ્વીના નક્શા પરથી ભુંસાઇ જશે' એમ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાશ્રી સુબ્રમણ્યન સ્વામીએ 'ગુજરાત સમાચાર એશિયન વોઇસ' સાથેની એક એક્સકલુઝીવ મુલાકાતમાં જણાવ્યું હતું. શ્રી સ્વામીએ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' કાર્યાલયની મુલાકાઇ બન્ને અખબારોના પ્રકાશન અંગેની માહિતી મેળવી 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' સાથેના પોતાના જુના સંસ્મરણો અને ૧ અોક્ટોબર ૧૯૮૨ના 'ન્યુ લાઇફ'ના અંકમાં છપાયેલી પોતાની મુલાકાતના સંસ્મરણોને તાજા કર્યા હતા.
શ્રી સ્વામીએ જણાવ્યું હતું કે 'ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી ત્રણ વર્ષના શાસન કાળમાં અયોધ્યા ખાતે રામ મંદિર બનાવવાના અને જમ્મુ કાશ્મિરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ નાબુદ કરવાના પોતાના વચનને પૂર્ણ કરશે. અત્યારે મોદીજીના વડપણ હેઠળ જે સફળતા મળી રહી છે તે જોતાં અમે આગામી ૨૦૨૯ સુધી કેન્દ્રમાં સત્તાસ્થાને રહીશું. આ માટેનું ગણિત એવું છે કે ભારતમાં ૮૨.૫% હિન્દુઅોની વસતી છે અને હિન્દુ સાથે સંલગ્ન એવા શિખ, જૈન અને બૌધ્ધ ધર્મના લોકોનો સહકાર અમને મળે તો અમે આસાનીથી સરકાર રચી શકીએ છીએ. અમારી પાસે અત્યારે ૩૨% મત છે અને વધુ ૪% મત સાથે અમને બે તૃતીયાંશ બહુમતી મળી શકે તેમ છે. ભાજપના વડપણ હેઠળ દેશમાંથી જ્ઞાતી અને જાતીના ભેદભાવ ભૂલવા અમે અભિયાન છેડ્યું છે અને વૈજ્ઞાનિક અભિગમની વાત કરૂં તો ભારતમાં રહેતા તમામ લોકોના ડીએનએ એક જ સમાન છે, ચાહે તે હિન્દુ હોય કે મુસ્લિમ કે પછી કહેવાતી નીચલી જાતીના લોકો જ કેમ ન હોય.”
શ્રી સ્વામીએ જણાવ્યું હતું કે 'દિલ્હીમાં કેજરીવાલના શાસનથી બધા ત્રાસી ગયા છે અને કેજરીવાલ જે કાર્યો કરે છે તે જોતાં તેમને 'તુઘલક'નું નામ આપવું યોગ્ય લાગે છે. અજકાલ ભારતમાં એવો દેખાવ કરવા પ્રયત્ન થઇ રહ્યો છે કે ભારત અસહિષ્ણુ દેશ છે. તમે ભારતમાં દેખાવો કરી શકો છો, ટીવી મીડીયામાં મનફાવે તેમ બોલી શકો છો, જે દર્શાવે છે કે ભારત સહિષ્ણુ દેશ છે. ચમચાગીરી કરીને એવોર્ડ, પાવર અને સર્ટીફીકેટ મેળવ્યા હતા તેઅો હવે ભારત અસહિષ્ણુતા હોવાના દાવા કરે છે.'
પાકિસ્તાન દ્વારા ભારતમાં ફેલાવાતા ત્રાસવાદ અને અણુબોંબ હુમલાની ધમકીઅો અંગે શ્રી સ્વામીએ જણાવ્યું હતું કે 'વડાપ્રધાન મોદીજી અત્યારે ખૂબ જ સોફેસ્ટીકેટેડ સ્ટ્રેટીજીને અનુસરી રહ્યા છે. સમગ્ર વિશ્વ સમક્ષ ભારતની શાંતિપ્રિય દેશ તરીકેની ખૂબજ સરસ છાપ ઉપસી છે. સમગ્ર વિશ્વના નેતાઅો અને લોકો માને છે કે વડાપ્રધાન મોદીજી પડોશી દેશ પાકિસ્તાન સાથે મિત્રતાભર્યા સંબંધો ચાહે છે અને સામે ચાલીને પાકિસ્તાનની મુલાકાત લે છે. પરંતુ પાકિસ્તાન પોતાના દેશમાંથી થતાં આતંકવાદી હુમલાઅો અને કાવતરાઅોને રોકતું નથી. ખૂબીની વાત એ છે કે પાકિસ્તાની સિવિલ સોસાયટી અને સરકાર પાસે સાચા અર્થમાં સત્તા નથી. ખરી સત્તા પાકિસ્તાનના લશ્કર, જેહાદીઅો, આઇએસઆઇ અને ત્રાસવાદીઅો પાસે છે. આવા સંજોગોમાં ભાન ભૂલેલું લશ્કર અને ISIS ભારત પર મોડા વહેલા હુમલો કરે તેવી શક્યતાઅો છે.'
શ્રી સ્વામીએ પાકિસ્તાનની મેલી મથરાવટી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે 'ભારત અનફીનીશ્ડ ચેપ્ટર અોફ ઇસ્લામિક હિસ્ટ્રી'નું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. મુસ્લિમોએ ઇરાન પર હુમલો કરીને માત્ર ૧૫ વર્ષમાં ઝોરાસ્ટ્રીયન લોકોને હાંકી કાઢ્યા અથવા તો તેમને મુસ્લિમ બનાવી દીધા અને સમગ્ર ઇરાનને મુસ્લિમ રાષ્ટ્ર બનાવી દીધું. તેઅો મોસેપોટેમીયા અને બેબીલોન ગયા અને ૧૭ વર્ષમાં જ તેને (આજના ઇરાક) મુસ્લિમ રાજ્ય બનાવી દીધું. પરંતુ કમનસીબે તેમણે ભારત પર ૮૦૦ વર્ષ રાજ કર્યું છતાં પણ મહારાણા પ્રતાપ, શીવાજી મહારાજ, ઝાંસીની રાણી અને અન્ય પ્રાંતીય રાજાઅોના પ્રયાસો અને ભારતના હિન્દુઅોના ધર્મપ્રેમને કારણે તેઅો ૮૦૦ વર્ષમાં પણ ભારતને મુસ્લિમ રાજ્ય બનાવી શક્યા નહિં. માત્ર ૨૦% લોકોએ ઇસ્લામ અંગીકાર કર્યો હતો. માનસિક મુશ્કેલી ધરાવતા જેહાદીઅોને પોતાની આ હાર સતત ચિંતા કરાવે છે અને માટે જ તેઅો આપણી ૧.૨ અબજની વસતી ધરાવતા ભારત પર મોટો આત્મઘાતી હુમલો કરી શકે છે. અત્યારે શસ્ત્ર સરંજામ અને અન્ય બધી રીતની તૈયારીઅો કરતું ભારત આવા હુમલા સામે એક જ ખાનગી પોલીસીને અનુસરશે. જેમાં વળતો હુમલો કરીને પાકિસ્તાનના ભાગલા કરી બલુચીસ્તાન, સિંધ, પંજાબ અને પખ્તુનીસ્તાન એમ ચાર દેશ બનાવી દેશે. જો પાકિસ્તાન અણુહુમલો કરશે તો તેઅો બચી નહિં શકે. તેમના શસ્ત્રો ભારતને ખતમ નહિં કરી શકે પરંતુ ભારત જો અણુ હુમલો કરશે તો પાકિસ્તાન નક્શા પરથી ભુંસાઇ જશે અને પછી તેનો રેડીયેશનયુક્ત પવન સમગ્ર મુસ્લિમ રાષ્ટ્રોને પણ અસર કરશે. ભારત અત્યારે પોતાના લશ્કર અને એરફોર્સના આધુનિકરણ માટે પગલા ભરી રહ્યું છે.'
ખુદ એક ઇકોનોમિસ્ટ એવા શ્રી સ્વામીએ દેશના આર્થિક વિકાસ માટે સૂચનો આપતાં જણાવ્યું હતું કે 'ઇન્કમ ટેક્સ નાબુદ કરવો જોઇએ, લોનના વ્યાજના દર ૯%થી નીચે લાવી દેવા જોઇએ, ૮૧ કોમોડીટીઝ પરની એક્સાઇઝ ડ્યુટી નાબુદ કરીને માત્ર ૨૧ પ્રોડક્ટ પરની એક્સાઇઝ ડ્યુટી ફ્લેટ રેટ મુજબ કરી દેવી જોઇએ. પેટ્રોલના દર માત્ર ૩૫ રૂપિયા કરી દેવા અને વોટરગ્રીડ કરી નદીઅોનું એકીકરણ કરી પિયતનો લાભ સમગ્ર દેશની ખેતીને મળી રહે તેવા પગલા કરવા જોઇએ. આમ કરવાથી ખેત ઉત્પાદન ૨૫% વધશે અને એક્સપોર્ટને કારણે ખેડૂતોને ૪-૫ ગણા ભાવ મળશે તેમજ સબસીડી આપવી પડશે નહિં. એક્સપોર્ટના વેગ માટે નાના એરપોર્ટ, પેકેજીંગ યુનિટ, કોલ્ડ સ્ટોરેજ હાઉસ બનાવવવા જોઇએ.'
પ્રોફેસર રહી ચૂકેલા શ્રી સ્વામીજીએ જણાવ્યું હતું કે 'આજનું યુવાધન ખૂબજ બુધ્ધીશાળી અને રાષ્ટ્રવાદી છે. હું યુવાધનથી ખૂબજ આશાવાદી છું અને આગામી ૨૦૨૫માં તેઅો ભારતને ગલોબલ પાવર બનાવશે એમાં શંકા નથી. હાલમાં જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીની જે હાલત છે તેને જોતાં તેને ૬ માસ માટે બંધ કરી દઇ છેલ્લા ૫ વર્ષના પ્રવેશ વગેરે અંગેની ઉંડી તપાસ કરવી જોઇએ..'
(શ્રી સ્વામીના પ્રવચન અને વિશેષ અહેવાલ માટે જુઅો આ સપ્તાહનું 'એશિયન વોઇસ' પાન ૧૬-૧૭)