રોયલ બરો અોફ કિંગ્સટન દ્વારા ઇતિહાસમાં સૌ પ્રથમ વખત કિંગ્સટન માર્કેટ પ્લેસ, ન્યુ મોલ્ડન હાઇ સ્ટ્રીટ અને સર્બીટન ટાઉન સેન્ટર ખાતે મેયર કાઉન્સિલર શ્રી રોય સંજીવ અરોરા દ્વારા દીવાળી લાઇટ્સનો શુભારંભ કરાયો હતો. દીપાવલિ પર્વના ભાગરૂપે કિંગસ્ટન ગિલ્ડહોલ અને ધ હૂક સેન્ટર ખાતે ફ્લડ લાઇટ શરૂ કરાઇ હતી.
આ પ્રસંગે મેયર શ્રી રોય અરોરા અને મેયરેસીસ મનિષા અને સોનાલી અરોરાએ સ્થાનિક રહેવાસીઅોને ટાઉન સેન્ટરમાં ઉપસ્થિત રહી લાઇટ્સનો આનંદ મેળવવા અને સાથે રહીને દીપાવલિ ઉત્સવની ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો. વ્યાપક વરસાદ પડતો હોવા છતા સેંકડોની સંખ્યામાં સ્થાનિક રહેવાસીઅો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ગરબા, ભાંગરા, ભારતીય ગીત-સંગીત, મહેંદી, ભારતીય મિઠાઇઅો અને વ્યંજનોનો આનંદ માણ્યો હતો.
કિંગસ્ટન અપોન થેમ્સના મેયર કાઉન્સિલર રોય સંજીવ અરોરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે "ઇતિહાસમાં પ્રથમ વખત બરોમાં ટાઉન સેન્ટર અને મ્યુનિસીપલ બિલ્ડીંગની ઇમારતો દીવાળીના લાઇટીંગથી ઝળહળા થઇ છે. બહુસાંસ્કૃતીક અને બહુધાર્મિક સમુદાય તરીકે સાથે રહીને તહેવારોની ઉજવણી કરીએ છીએ તેથી આનંદ થયો છે. હું સ્થાનિક રહેવાસીઅો અને આ કાર્યમાં સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કરૂ છું.
આ કાર્યક્રમ માટે કિંગ્સટન કાઉન્સિલ, કિંગ્સટન ફર્સ્ટ, ધ સર્વોદય હિન્દુ એસોસિએશન, સર્બિટન બિઝનેસ કોમ્યુનીટી અને ધ રોટરી ક્લબે સહયોગ આપ્યો હતો.