૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહ બાદ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા હવે આપણા વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોના સન્માન કરવાના એક નવતર 'શ્રવણ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પાનખર ઋતુની શરૂઆત થઇ ગઇ છે અને વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. હવે થોડાક જ સમયમાં શિયાળાનું આગમન પણ થશે. ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોને શિયાળામાં દૂર સુધી જવામાં કષ્ટ પડે તે હકિકતને ધ્યાનમાં રાખીને આગામી એપ્રિલ – મે માસ સુધી વડિલ સન્માન કાર્યક્રમ શક્ય બને તેમ નથી. આમ છતાં આપને લાગતું હોય કે આપણા સમાજ, પરિવાર અને જ્ઞાતિના કોઇક વડિલે ખરેખર ખૂબજ ઉમદા સેવા કરી છે અને તેમનું સન્માન થવું જ જોઇએ તો તેવા વડિલોનું અમે તેમના ઘરે જઇને પણ સન્માન કરવા ખૂબ જ આતુર છીએ. આપણા વડિલોના સન્માન માટે અમને બોલ્ટન, કાર્ડીફ, ઇસ્ટ લંડન અને સાઉથ લંડન વિસ્તારમાંથી નિમણંત્રણ પત્રો સાંપડ્યા છે જ્યાં આગામી વર્ષે અમે વડિલ સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરનાર છીએ.
આપણા વૃધ્ધ, અશક્ત અને અસક્ષમ વડિલોની ખરા દિલથી સેવા સુશ્રુષા કરતા કેટલાય દિકરા-દિકરીઅો, વહુઅો કે સંતાનોને અમે જાણીએ છીએ. આગામી દિવસોમાં અમે આવા શ્રવણ જેવા સંતાનોનું સન્માન કરવા ઇચ્છા ધરાવીએ છીએ. આ સોનેરી વિચાર અંગે અમે આપ સૌના સૂચનો આવકારીએ છીએ. આપ જો માતા-પિતાની સેવા કરતા દિકરા-દિકરી, પુત્રવધુ કે સંતાનોને જાણતા હો તો તેમના નામ, સરનામા અને ફોન નંબર સાથેની જરૂરી માહિતી મોકલવા નમ્ર વિનંતી છે.
સરસ્વતી સન્માન
એ લેવલની પરીક્ષાઅોમાં સફળતાને વરી સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવનાર આપણા તેજસ્વી તારલાઅો તરફથી મોટી સંખ્યામાં અમને તેમના પરિણામો મળ્યા છે. આ અંગે આગામી સપ્તાહમાં સર્વશ્રેષ્ઠ પરિણામો ધરાવતા વિદ્યાર્થીઅોની માહિતી સાથેનો અહેવાલ રજૂ કરાશે.
વધુ માહિતી માટે સંપર્ક: કમલ રાવ – 0207749 4001 અને Email: [email protected]