અમદાવાદ: અયોધ્યામાં રામલલ્લાને મંદિરના ગર્ભગૃહમાં લવાયા બાદ પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત બપોરે 12.22 વાગ્યે અંજનશલાકાથી કરાશે. સુવર્ણશલાકાથી વિધિવત્ અંજન લગાવાયા બાદ ભગવાન રામની આંખો સમક્ષ અરીસો કે કાચની પટ્ટી રખાશે. અંજનશલાકાથી પ્રાણ સ્થાપના સુધીનો આ સૂક્ષ્મ સમયગાળો 1.28 મિનિટનો રહેશે. ત્યાર બાદ અભિષેક અને છત્રની સ્થાપના કરાશે.
મંદિર નિર્માણથી પ્રતિષ્ઠા સુધીનાં મુહૂર્ત નિર્ધારિત કરવામાં અભિપ્રાય આપનાર અમદાવાદના યુવા મુહૂર્ત વિશેષજ્ઞ વિશ્વ વોરાએ આ મૂહુર્ત અંગે વધુમાં જણાવ્યું કે, વૃષભ રાશિ અને મૃગશીર્ષ નક્ષત્રના 36 મિનિટના અભિજિત મુહૂર્તમાં મૂર્તિની સ્થાપના કરાશે.
પ્રતિષ્ઠાના મુહૂર્ત માટે અમદાવાદના વિશ્વ વોરા તથા મુહૂર્ત જાણકાર ગણેશ્વર શાસ્ત્રી, ગોવિંદદેવગિરિજી, જ્યોતિષપીઠના અવિમુક્તેશ્વરાનંદ સ્વામી, પીઠાધિપતિ રામભદ્રાચાર્યજીના અભિપ્રાય લેવાયા હતા. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો સમય નક્કી કરાયો ત્યારે બપોરે 12.22થી 12.33 વચ્ચેનું મુહૂર્ત નીકળ્યું હતું, જેમાંથી 12.22 અને 12.29 એમ બે મુહૂર્ત સૂચવાયાં હતાં. જોકે હવે 12.22 વાગ્યે ગોવિંદદેવગિરિજી મહારાજના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરાશે.
22 જાન્યુઆરીએ દુર્લભ ગ્રહદશા
વિશ્વ વોરાએ કહ્યું કે, આ દિવસની ગ્રહદશા દુર્લભ છે. અયોધ્યામાં શ્રીરામને ગાદી પર બેસાડવાનું મુહૂર્ત વશિષ્ઠ ઋષિએ આપ્યું હતું. એ દિવસે જે મુહૂર્તો અને ગ્રહદશા હતાં, તેવાં જ 22 જાન્યુઆરીએ રચાતાં હોવાને કારણે આ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા માટે પસંદ કરવામાં આવ્યો છે. આ દિવસનું શુદ્ધ અને નિર્દોષ ગ્રહગણિત દેશના ઉજ્જવળ ભવિષ્યને ફળકથિત કરશે.
સુવર્ણ સિંહાસન પર શ્રીરામલલ્લા બિરાજશે
મંદિરના ગર્ભગૃહમાં ૩ ફૂટ ઊંચું સુવર્ણ સિંહાસન સ્થાપિત કરી દેવાયું છે. આ સિંહાસન પર જ 51 ઈંચ ઊંચાઈની શ્રીરામલલ્લાની પ્રતિમા સ્થપાશે. પ્રતિમા કમળ પર બિરાજિત હશે. આથી સિંહાસનથી માંડીને પ્રતિમા સુધીની ઊંચાઈ 8 ફૂટ આસપાસ થશે, રામનવમીએ બપોરે બરાબર 12ના ટકોરે સુર્યકિરણો ભગવાનના લલાટ પર ઝળહળી ઉઠે તેવી ગણતરીના આધારે સિંહાસનનું માપ નક્કી કરાયું છે.
મંદિરના સ્થપતિ સી.બી. સોમપુરાની ડિઝાઇનના આધારે રાજસ્થાનના કારીગરે સિંહાસન બનાવ્યું છે. તેના પર સોનાનું પતરાનું આવરણ જડાશે, સમગ્ર ગર્ભગૃહ શ્રેષ્ઠતમ અને ઉચ્ચ ગુણવત્તાના સફેદ મકરાણાના આરસમાંથી બની રહ્યું છે.