નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની સાથે જ દેશભરમાં ચૂંટણીનો જવર ફરી વળ્યો છે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ પોતાના પ્રચાર અભિયાનની આક્રમક શરૂઆત કરી દીધી છે. તેના સ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો 15 માર્ચથી જ દક્ષિણ ભારતના રાજયોનો પ્રવાસ કરી રહ્યા છે, રોડ-શો કરી રહ્યા છે. આની પહેલાં પણ અયોધ્યામાં રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં વડાપ્રધાન મોદીએ દક્ષિણ ભારતમાં અનેક મંદિરોનું ભ્રમણ કર્યું હતું અને દર્શન-પૂજન કર્યા હતાં. બીજી તરફ કોંગ્રેસ પણ દેશભરમાં પોતાના ગઠબંધનના સાથીઓ સાથે બેઠકોની વહેંચણીના કામને આખરી ઓપ આપી રહી છે. તો ચાલો, જાણીએ કે 2019ની લોકસભા ચૂંટણીમાં ક્ષેત્રવાર પરિણામો કેવાં હતાં? કયા પ્રદેશમાં ક્યા પક્ષને વધારે બેઠકો મળી હતી અને કોને ક્યાં ઝટકો લાગ્યો હતો?
ઉત્તર ભારતમાં ભાજપની ભવ્ય જીત
ઉત્તર ભારતમાં લોકસભાની કુલ 205 બેઠકો છે. આ બેઠક જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ મળીને કુલ 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં છે. ગઈ લોકસભા ચૂંટણીમાં 205માંથી 146 બેઠકો ભાજપના ખાતામાં ગઈ હતી.
મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસના માત્ર 11 ઉમેદવારોએ જ આ ચૂંટણીમાં જીત મેળવી હતી. જયારે 48 બેઠક પર અન્ય પક્ષોની જીત થઈ હતી.
દક્ષિણ ભારતમાં પ્રાદેશિક પક્ષો આગળ રહ્યા
દક્ષિણ ભારતના રાજ્યોમાંથી કુલ 132 સાંસદ ચૂંટાઈને સંસદમાં પહોંચે છે. દક્ષિણ ભારતની આ બેઠકો તામિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગણ, આંધ્ર પ્રદેશ, પુડુચેરી, લક્ષદ્વીપ, આંદામાન-નિકોબાર જેવાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચાયેલી છે. 2019ની ગત લોકસભા ચૂંટણીમાં આ 132 બેઠકોમાંથી કોંગ્રેસ અને ભાજપ બંનેને 29-29 બેઠકો પર જીત મળી હતી, જ્યારે પ્રાદેશિક પક્ષોના 74 સાંસદો લોકસભામાં પહોંચ્યા હતા.
પશ્ચિમમાં કોંગ્રેસ બે બેઠકમાં સમેટાઈ
પશ્ચિમ ભારત ક્ષેત્રની વાત કરીએ કોંગ્રેસને અહીં પરાજયનો કારમો ફટકો સહન કરવો પડ્યો હતો. આ ક્ષેત્રમાં લોકસભાની કુલ 78 બેઠકો છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દાદરાનગર હવેલી અને દમણ-દીવનો સમાવેશ થાય છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં ભાજપે આ સેક્ટરની 78માંથી 51 બેઠકો પર જીત મળી હતી, જ્યારે દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસના માત્ર બે ઉમેદવાર જ લોકસભા માટે ચૂંટાયા હતા. જયારે અન્ય પક્ષોના 25 સાંસદો ચૂંટાયા હતા. આમ અહીં કોંગ્રેસનો સફાયો થઇ ગયો હતો એમ કહી શકાય.
પૂર્વમાં અન્ય પક્ષો વિ. ભાજપની ટક્કર
ભારતના પૂર્વ ભાગમાંથી કુલ 88 સાંસદ લોકસભામાં પહોંચે છે. આ સાંસદ પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા, સિક્કિમ, નાગાલેન્ડ જેવાં 10 રાજ્યોમાંથી ચૂંટાય છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં 88માંથી 40 બેઠકો પર ભાજપને સફળતા મળી હતી. બીજી તરફ કોંગ્રેસના માત્ર સાત સાંસદ લોકસભામાં ગયા હતા. આ ઉપરાંત, 41 સાંસદ અન્ય પક્ષોમાંથી જીતીને સંસદ ભવન પહોંચ્યા હતા.
મધ્ય ભારતમાં કોંગ્રેસને માત્ર ત્રણ બેઠક
મધ્ય ભારતના ક્ષેત્રમાં કુલ 40 લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. જ્યાં મધ્ય પ્રદેશથી લોકસભાના 28 સાંસદ ચૂંટાય છે, તો છત્તીસગઢમાં 11 બેઠક છે. ગઈ ચૂંટણીમાં 40માંથી 37 બેઠકો પર ભાજપને જીત મળી હતી, જયારે કોંગ્રેસના ખાતામાં માત્ર ત્રણ બેઠક જ આવી હતી.