યુનાઇટેડ નેશન્સઃ યુએન દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર આવતા વર્ષે ભારત ચીનને પછડાટ આપીને વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની જશે. નવેમ્બર 2022માં વિશ્વની વસતી 800 કરોડને પાર કરી જશે. 15મી નવેમ્બર 2022ના રોજ વિશ્વના 800 કરોડમા માનવીનો જન્મ થવાની સંભાવના છે. 1950થી વિશ્વની વસતી સૌથી ધીમા દરે વધી રહી છે. 2020માં વૈશ્વિક વસતી વધારાનો દર એક ટકાની નીચે આવી ગયો હતો.
2022માં વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતા બે પ્રદેશ રહ્યાં જેમાં પૂર્વ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાનો સમાવેશ થાય છે. આ બંને પ્રદેશોની કુલ વસતી 230 કરોડ કરતાં વધુ છે. વિશ્વની કુલ વસતીના 29 ટકા લોકો આ બે વિસ્તારમાં રહે છે. મધ્ય અને દક્ષિણ એશિયાની કુલ વસતી 210 કરોડ છે જે કુલ વૈશ્વિક વસતીના 26 ટકા થવા જાય છે.
વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતા દેશોમાં ચીન અને ભારત ટોચ પર છે. બંનેની વસતી 140 કરોડ કરતાં વધુ છે. 2050 સુધીમાં આઠ દેશોમાં વસતી વધારો ટોચ પર રહેશે જેમાં કોંગો, ઇજિપ્ત, ઇથિયોપિયા, ભારત, નાઇજિરિયા, પાકિસ્તાન, ફિલિપાઇન્સ અને તાન્ઝાનિયાનો સમાવેશ થાય છે. 2050માં ભારતની વસતી 166.80 કરોડ અને ચીનની વસતી 131.70 કરોડ રહેવાની સંભાવના છે.
વર્ષ 2022
142.60 કરોડ ચીનની વસતી
141.20 કરોડ ભારતની વસતી
વર્ષ 2050
166.80 કરોડ ભારતની વસતી
131.70 કરોડ ચીનની વસતી
આઠ અબજની વસતી સુધીની પૃથ્વીની સફર
1 અબજ – વર્ષ 1804
2 અબજ – વર્ષ 1927
3 અબજ – વર્ષ 1960
4 અબજ – વર્ષ 1974
5 અબજ – વર્ષ 1987
6 અબજ – વર્ષ 1999
7 અબજ – વર્ષ 2011
8 અબજ – વર્ષ 2022