નવી દિલ્હીઃ દેશના પાટનગરમાં 27 વર્ષના લાંબા અરસા બાદ ભાજપની સત્તાવાપસી થઇ છે. દિલ્હી વિધાનસભાના શનિવારે જાહેર થયેલા પરિણામોમાં શાસક આમ આદમી પાર્ટી (‘આપ’)ના સૂપડાં થઇ ગયા છે. ભાજપે 70 બેઠકોના ગૃહમાં 48 બેઠકો કબજે કરી છે, જ્યારે છેલ્લા બે ટર્મથી દિલ્હીમાં શાસન કરતી ‘આપ’ માત્ર 22 બેઠક પર સમેટાઇ ગઇ છે. જ્યારે કોંગ્રેસ આ વખતે પણ એકેય બેઠક જીતી શકી નથી. જોકે આંકડાઓ પર નજર ફેરવતાં જણાય છે કે તેણે ‘આપ’ના કારમા પરાજયમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિજયને ‘આપ’દાનો અંત ગણાવતાં દિલ્હીના શાનદાર વિકાસ માટે દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
નવા મુખ્યપ્રધાન નક્કી કરવા ગૃહપ્રધાન અમિત શાહના નિવાસે ભાજપ મોવડી મંડળની મહત્ત્વની બેઠક મળી હતી જેમાં પક્ષ પ્રમુખ નડ્ડા સહિત ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. એવું જાણવા મળે છે કે નવા મુખ્યપ્રધાનનો શપથવિધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસેથી પાછા ફર્યા પછી એટલે કે 13મી પછી જ યોજાશે. શપથવિધિમાં એનડીએ શાસિત રાજ્યોના તમામ સીએમ હાજર રહેશે. એક અહેવાલ મુજબ ભાજપ દિલ્હીના મુખ્યપ્રધાન પદે મહિલા ઉમેદવારની પસંદગી કરી શકે છે.
અમે જનાદેશ સ્વીકારીએ છીએઃ કેજરીવાલ
દિલ્હીની ચૂંટણીમાં ‘આપ’ના કારમી હાર પછી પાર્ટીનાં કન્વીનર અને દિલ્હીનાં પૂર્વ મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું કે અમે લોકોનાં જનાદેશનો અને પાર્ટીની હારનો વિનમ્રતાથી સ્વીકાર કરીએ છીએ. હું ભાજપને તેની જીત માટે અભિનંદન પાઠવું છું. મને આશા છે કે જે વચનો માટે જનતાએ ભાજપને મત આપ્યા છે તે વચનો તે પૂરા કરશે.’
દિલ્હીએ ‘આપ-દા’ને દરવાજો દેખાડ્યોઃ મોદી
દિલ્હીની જીતને ઐતિહાસિક ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દિલ્હીના લોકોએ ‘આપ-દા’ને દરવાજો બતાડી દીધો છે અને હવે ડબલ એન્જિનની સરકાર બમણી સ્પીડથી વિકાસની ખાતરી લાવશે. દિલ્હીની જીત બાદ લોકોમાં પોતાની લોકપ્રિયતા વધારવામાં સફળ રહેનાર મોદીએ ઉમેર્યું હતું કે દિલ્હીવાસીઓ ભાજપની જીત અને ‘આપ-દા’માંથી મુક્તિની ઉજવણી કરી રહ્યા છે. આજે દિલ્હીના લોકોમાં ઉત્સાહ અને સંતોષ છે. ‘મોદી કી ગેરંટી’માં વિશ્વાસ દાખવવા બદલ હું દિલ્હીના લોકોનો આભાર વ્યક્ત કરું છું.
પક્ષના વડામથકે મોદીએ ‘આપ’ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે દેશમાં ગંભીર રાજકીય પરિવર્તનની જરૂર છે, ‘ધૂર્તતા’ અને ‘મૂર્ખતા’ના રાજકારણની જરૂર નથી. દિલ્હીના લોકોએ શોર્ટ-કટ્સના રાજકારણનું શોર્ટ-સર્કિટ કરી નાખ્યું છે. તેમના જનમતે સ્પષ્ટ કર્યું છે કે રાજકારણમાં ભ્રષ્ટાચાર અને ઝુટ્ઠાણાં માટે કોઇ જગ્યા નથી. વિકાસ અને સારા સંચાલનની જીત થઇ છે. અમે દિલ્હીના ચોમેર વિકાસમાં કોઇ કચાશ નહિ રાખીએ.
આચાર-વિચારની શુદ્ધતા જરૂરીઃ અણ્ણા હજારે
સમાજસેવક અણ્ણા હજારેએ ‘આપ’ પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે, ‘હું હંમેશા કહેતો આવ્યો છું કે ઉમેદવારનું આચરણ અને વિચાર શુદ્ધ હોવા જોઈએ. જીવનમાં ત્યાગ હોવો જોઈએ. પૂજા માત્ર મંદિરમાં નથી થતી, લોકોની સેવા કરવી તે પણ પૂજા છે. આ ગુણો મતદારોને ઉમેદવાર પર ભરોસો કરવા પ્રેરે છે.’ અણ્ણાએ કહ્યું કે લોકોએ નવા પક્ષ પર ભરોસો કર્યો હતો, પરંતુ આગળ જતાં શરાબની દુકાનોની સંખ્યા વધારવાને કારણે કેજરીવાલની છબિ ખરાબ થઈ. નિઃસ્વાર્થ ભાવે જનતાની સેવા જ ભગવાનની પૂજા કહેવાય છે.’