લંડનઃ જે દેશોમા સદી જૂની BCG વેક્સિન અપાય છે ત્યાં કોરોનાથી મૃત્યુદર ૫.૮ ગણો ઓછો હોવાનું જ્હોન્સ હોપકિન્સ બ્લૂનબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધકોએ જણાવ્યું છે. Bacillus Calmette-Guérin (BCG) રસી માનવીની ઈમ્યુન સિસ્ટમને વધારે છે જેથી તે ચેપને મારી હઠાવી શકે. હવે કોરોના વાઈરસથી થતા મોત અટકાવવા આ રસીનો ઉપયોગ કરી શકાય કે કેમ તે વિશે પ્રયોગો ચાલી રહ્યા છે.
એક સદી અગાઉ શોધાયેલી આ રસી, ટ્યુબરક્લોસિસ (TB) ચેપનો સામનો કરવામાં અક્સીર રહી હતી અને તેના અન્ય ફાયદા પણ છે. અગાઉના પ્રયોગોમાં જાણવા મળ્યું હતું કે ૩૦ પાઉન્ડની કિંમતના આ રસી લીધી હોય તેવા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ સુધરી હોય છે અને તેઓ ચેપ સામે રક્ષણ મેળવી શકે છે. NHS અનુસાર ટીબી સામે રક્ષણ આપતી આ રસી બાળપણમાં લેવાયા પછી ૬૦ વર્ષ સુધી પણ રક્ષણ આપે છે. જોકે, વિજ્ઞાનીઓ બાળપણમાં રસી અપાયેલા પુખ્ત લોકોને કોરોના વાઈરસ સામે રક્ષણ મળે છે કે કેમ તેના વિશે સ્પષ્ટ નથી.
આ રસી અન્ય ચેપ સામે કેવી રીતે લડે તે જાણી શકાયું નથી પરંતુ, તે ઈમ્યુન સિસ્ટમની મિકેનિઝમને વધારતી હોવાનું મનાય છે. રસીની અસર શ્વસન રોગોના ચેપ સામે હોય છે અને WHO પણ તેને માન્ય રાખે છે. યુકેમાં ૧૯૫૩થી ૨૦૦૫ના ગાળામાં ૧૦થી ૧૪ વર્ષના શાળાના તમામ બાળકોને આ રસી અપાયેલી છે. જોકે, ટીબીના ચેપનો દર ઘટી જવા સાથે સામૂહિક રસીકરણ બંધ કરી દેવાયું હતુ અને ૨૦૦૫થી સૌથી વધુ જોખમ ધરાવતા બાળકોને જ તે અપાય છે. કોરોના મહામારી સામે લડવા બીસીજી રસીની ઉપયોગિતા ચકાસવા પ્રયોગો ચાલી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલોના ૪,૦૦૦ હેલ્થકેર વર્કરને સાંકળતી ટ્રાયલ મેલબોર્નના મુર્ડોક ચિલ્ડ્રન્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા હાથ ધરાઈ છે. કોરોના વાઈરસની રસી અને ચોક્કસ સારવાર વિકસાવાય ત્યાં સુધી આ રસી દ્વારા લોકોની રોગપ્રતિકાર શક્તિ વધારવાની સંશોધકોને આશા છે.