નવી દિલ્હીઃ ભારતના યજમાનપદે પહેલી વખત યોજાઇ રહેલા G-20 શિખર સંમેલનના પ્રારંભનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. શનિવાર - 9 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા બે દિવસીય G-20 સંમેલનના લોગોની સાથે વસુધૈવ કુટુમ્બકમ્ - ‘વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’નો વિચાર સામેલ કરાયો છે. ભારતના સૌથી મોટા ભારત મંડપમ્ ખાતે આ વૈશ્વિક સંમેલન યોજાશે.
ભારત તેના સૌથી હાઈ-પ્રોફાઈલ અને શક્તિશાળી મહેમાનોની યજમાની કરવા તૈયાર છે. ભારત પહોંચનાર સૌ પ્રથમ મહેમાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન હશે જેઓ ગુરુવારે જ ભારત આવી જશે. બીજા દિવસે એટલે કે 8 સપ્ટેમ્બરે અન્ય દેશોના મહાનુભાવો પણ દિલ્હી પહોંચશે. જેમાં બ્રિટનના વડા પ્રધાન રિશી સુનાક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં વગેરેનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન હાજર રહેવાના નથી.
તા. 9 અને 10 સપ્ટેમ્બરના મુખ્ય સંમેલન પૂર્વે ભારતની અધ્યક્ષતામાં 50 થી વધુ સ્થળોએ 180 બેઠકો યોજાઇ રહી છે, જેમાં મંત્રી સ્તરની બેઠકોનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે G-20 એ વિશ્વની મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનું એક આંતર-સરકારી મંચ છે. તેના સભ્ય દેશો વૈશ્વિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના લગભગ 85 ટકા, વૈશ્વિક વેપારના લગભગ 75 ટકા અને બે તૃતીયાંશ ભાગની વૈશ્વિક વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે.
ભારતની સૌથી મોટી ગ્લોબલ ઇવેન્ટ
દિલ્હીમાં G-20 સમિટ 2023નું 9 અને 10 સપ્ટેમ્બર, એમ દ્વિદિવસીય વૈશ્વિક સંમેલનનું આયોજન થઈ રહ્યું છે અને તેમાં ભાગ લેવા માટે પ્રથમ વાર વિશ્વના સૌથી મોટા દિગ્ગજો દેશના પાટનગરમાં ઉપસ્થિત રહેશે. આ સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સહિત 29 દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ હાજરી આપશે.
દેશ માટે આ સૌથી મોટી ગ્લોબલ ઇવેન્ટ છે. કારણ કે, વિશ્વમાં G-20 દેશોની કુલ વસ્તીમાં 60%, કુલ જીડીપીમાં 80% અને કુલ વેપારમાં 75% હિસ્સેદારી છે. આ પહેલાં ક્યારેય આટલી મોટી સંખ્યામાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને 14 આંતરરાષ્ટ્રીય સંસ્થાનના પ્રમુખ એકસાથે ભારત આવ્યા નથી. ભારતની અધ્યક્ષતા હેઠળ G-20 સમિટનું આયોજન થઈ રહ્યું છે, એ પણ એક સૌથી મોટી વિશિષ્ટતા છે.
સૌથી મોટી યજમાનીઃ રૂ. 2,700 કરોડ ખર્ચાયા
• G-20 સમિટ પ્રગતિ મેદાનના ‘ભારત મંડપમ’માં યોજાશે. અંદાજે 2,700 કરોડ રૂપિયાના ખર્ચે સ્થળને ઉત્કૃષ્ટ શિલ્પકૃતિઓ કંડારાઈ છે. સમિટ માટે દિલ્હીના સૌંદર્યીકરણ પાછળ કેન્દ્રે રૂ. 4,064 કરોડ ખર્યા છે.
• G-20ના મહેમાનો માટે 1 લાખ ફૂલછોડ ઉગાડીને સૌંદર્યીકરણ કરાશે. 8 દેશમાંથી છોડ મંગાવાયા છે. દિલ્હીને 2 હજાર વૃક્ષો અને 43 લાખ છોડથી સજાવાયું.
• એરપોર્ટથી પ્રગતિ મેદાન સુધીના માર્ગોને વિદેશી દેખાવ આપવા માટે 22 કરોડ રૂપિયા ખર્ચાયા છે. દિલ્હીની સુંદરતા માટે એનડીએમસીએ 60 કરોડ, પીડબલ્યુડીએ 45 કરોડ અને ડીડીએએ 18 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
• અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેન આઇટીસી મૌર્યા હોટલમાં રોકાશે. અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડેન, બ્રિટનના વડા પ્રધાન સુનક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન વતી સમિટમાં આવવાની પુષ્ટિ કરાઈ છે.
• હોટલમાં રાષ્ટ્રીય અધ્યક્ષ થ્રી લેયર સુરક્ષામાં રહેશે. એક સુરક્ષાચક્ર સંબંધિત રાષ્ટ્રીય અધ્યક્ષોના દેશની સુરક્ષા એજન્સીઓનું રહશે. ત્યાર પછી ભારતની સુરક્ષા એજન્સીઓ, જેમાં સીઆરપીએફ અને અન્ય એજન્સીઓ સિક્યુરિટી પૂરી પાડશે. ત્યાર પછી હોટલની બહારની સુરક્ષા દિલ્હી પોલીસના હાથમાં રહેશે.