લંડનઃ વિશ્વમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની બીજા ક્રમની સૌથી મોટી પ્રોફેશનલ સંસ્થા ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ની યુકેસ્થિત શાખા ICAI UK દ્વારા ‘પોસ્ટ કોવિડ ગ્રોથ સ્ટ્રેટેજી ફોર ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશન્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ’ વિશે ૧૪ મે, શનિવારની સાંજે દિવસે માર્બલ આર્કની મોન્ટ કામ લંડન હોટલ ખાતે મહત્ત્વપૂર્ણ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. ICAI અને ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ (ICAEW) અને અન્ય 11 દેશ સાથે MOU ધરાવે છે. ICAI UKના 1000થી વધુ સભ્યો છે.
સંસ્થાની પેનલચર્ચામાં લોર્ડ રમિન્દરસિંહ રેન્જર (બેરોન રેન્જરCBE અને સન માર્કના સ્થાપક), શરદ ચંડાક (CEO SBI UK) અને ડો. આનંદ કુમાર (બોર્ડ મેમ્બર, એસોસિયેશન ઓફ ફોરેન બેન્ક્સ)નો સમાવેશ થયો હતો. ચેરમેન કૃષ્ણા દહલ અને વાઈસ ચેરમેન વિવેક રસ્તોગીએ સ્વાગત પ્રવચનો કરવા સાથે પેનલના તમામ સભ્યો અને જાણીતા મહાનુભાવોનો પરિચય આપ્યો હતો. ટ્રેઝરર તબસ્સુમ નાથાણી અને ન્યૂઝલેટર અગ્રણી મીનલ સામ્બ્રેએ પુષ્પગુચ્છો સાથે મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. વિનીત જૈને પેનલચર્ચાનું સંચાલન કર્યું હતું.
બેન્કર્સ તથા HSBC, સિટી બેન્ક, ડ્યૂશ બેન્ક, જે પી મોર્ગન, VFS, IBM જેવી સંસ્થાઓના વર્કિંગ પ્રોફેશનલ્સ સહિત આશરે 100 જેટલા લોકો કોન્ફરન્સમાં ઉપસ્થિત હતા જેમાંથી ઘણા યુકેમાં પ્રેક્ટિસ કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હતા. લંડન બિઝનેસ સ્કૂલ જેવી સંસ્થાઓના વિદ્યાર્થીઓ ઉપરાંત, ખાસ વિદેશથી આવેલા ઘણા લોકોએ ઈવેન્ટમાં હાજરી આપી હતી.
ચર્ચામાં પેનલિસ્ટોએ કોવિડના ઉઝરડામાંથી કેવી રીતે બહાર આવ્યા તેનું વર્ણન કરવા સાથે ભાવિ વિશેની કલ્પના પણ રજૂ કરી હતી. ઈન્ટરેસ્ટ રેટ, ઈન્ફ્લેશન અને ક્લાઈમેટ સબસ્ટેઈનાલિટી જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દા પણ ચર્ચાયા હતા. લોર્ડ રેમી રેન્જરે અંગત જીવનની ઘટનાઓ જણાવવા સાથે મજબૂત ટીમના નિર્માણમાં મૂલ્યોનું મહત્ત્વ, કંપની સાથે લાંબો સમય સાથ નિભાવે તેવા વફાદાર કર્મચારીગણની ભરતીનું મહત્ત્વ તેમજ પોતાના લક્ષ્ય પર ધ્યાન આપી વિશિષ્ટ વ્યક્તિ બનવાની મહત્ત્વાકાંક્ષાની વાત કરી હતી. શરદ ચંડાકે કોવિડ દરમિયાન પોતાના એમ્પ્લોયર્સ અને ગ્રાહકોને મદદ કરવા તત્પર ઓપરેટિંગ મોડેલ વિશે જણાવ્યું હતું જ્યારે ડો. આનંદ કુમારે મહામારીના ગાળામાં બેન્કોએ સાઈબર સિક્યુરિટીના જોખમને કેવી રીતે હળવું બનાવ્યું તેના વિશે વાત કરી હતી.
સેન્ટ્રલ કાઉન્સિલના સભ્ય, MSME અને ઈન્સ્ટિટ્યૂટની સ્ટાર્ટ કમિટીના અધ્યક્ષ ધીરજ ખંડેલવાલે સ્ટાર્ટ અપ અને MSMEમાં યુકે કેવી રીતે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે તેના વિશે જણાવ્યું હતું. ઈવેન્ટનું સમાપન ડિનર સાથે થયું હતું જ્યાં ઉપસ્થિત લોકોએ અરસપરસ અને વક્તાઓ સાથે વાતચીત અને ચર્ચા કરી હતી.