લંડનઃ ભારત અને યુકે વચ્ચેના મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષી સંબંધોના અસંખ્ય પરિમાણોની વાર્ષિક ઉજવણી સ્વરુપે ઈન્ડિયા ગ્લોબલ ફોરમ (IGF) દ્વારા ‘ધ યુકે-ઈન્ડિયા વીક’નું આયોજન કરાયું છે જ્યારે બંને દેશો વચ્ચે દિવાળીની સમયમર્યાદા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) વાટાઘાટો જોરશોરથી ચાલી રહી છે. સત્તાવાર અંદાજ મુજબ ભારત સાથે FTAથી યુકેની ભારત તરફ નિકાસ લગભગ બમણી થવાની અપેક્ષા છે અને બંને અર્થતંત્રોમાં નોકરીઓને પ્રોત્સાહન મળશે. વેપારસોદાથી ભારત સાથે યુકેનો વેપાર 2035 સુધીમાં વાર્ષિક 28 બિલિયન પાઉન્ડનો થશે અને યુકેના વિવિધ ભાગોમાં વેતનોમાં 3બિલિયન પાઉન્ડ જેટલો વધારો થશે.
યુકે-ઈન્ડિયા વીકમાં વક્તાઓની યાદીમાં યુકેના ચાન્સેલર રિશિ સુનાક, ભારતના વિદેશપ્રધાન ડો. એસ. જયશંકર, યુકેના હેલ્થ અને સોશિયલ કેરના સેક્રેટરી ઓફ સ્ટેટ સાજિદ જાવિદ, ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણના કેન્દ્રીય પ્રધાન ડો. મનસુખ માંડવિયા, ભારતના શિક્ષણ અને કૌશલ્યવિકાસ અને એન્ટ્રેપ્રીન્યોરશિપના કેન્દ્રીય પ્રધાન ધર્મે્ન્દ્ર પ્રધાન, ભારતના શ્રમ અને રોજગાર, પર્યાવરણ, વન અને કલાઈમેટ ચેઈન્જના કેન્દ્રીય પ્રધાન ભુપેન્દ્ર યાદવ, ભારતના કૌશલ્યવિકાસ અને એન્ટ્રેપ્રીન્યોરશિપ, ઈલેક્ટ્રોનિક્સ અને ITના રાજ્યપ્રધાન ડો. રાજીવ ચંદ્રશેખર, ભારતના વિદેશ રાજ્ય પ્રધાન અર્જુન રામ મેઘવાલ, COP 26ના પ્રમુખ આલોક શર્મા, યુકેના ઈન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર લોર્ડ ગેરી ગ્રીમસ્ટોન ઓફ બોસ્કોબે, યુકેના ઈન્ટરનેશનલ ટ્રેડના સેક્રેટરી ઓફ સ્ટેટ અને બોર્ડ ઓફ ટ્રેડના પ્રમુખ એન-મેરી ટ્રેવેલિન, યુકેના સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ બિલ વિન્ટર્સ, સ્થાપક અને CEO આફ્રિઆન્ના હફિંગ્ટન, BTના ચીફ ડિજિટલ અને ઈનોવેશન ઓફિસર થ્રાઈવ હરમીન મહેતા, ભારતના થિરુવનંતપૂરમ લોકસભા ક્ષેત્રના સાંસદ ડો. શશી થરૂર, OLAના સહસ્થાપક અને CEO ભાવિશ અગ્રવાલ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના TCS UK અને Irelandના કન્ટ્રી હેડ અમિત કપૂર, ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ જગ્ગી વાસુદેવનો સમાવેશ થાય છે.
લંડનમાં ક્લાઈમેટ ફાઈનાન્સ એન્ડ ટેકનોલોજી સમિટને સંબોધતા ભારતના પર્યાવરણ, વન અને કલાઈમેટ ચેઈન્જના કેન્દ્રીય પ્રધાન ભુપેન્દ્ર યાદવે ક્લાઈમેટ એક્શન ક્ષેત્રે ભારતે હાંસલ કરેલા સીમાચિહ્નોને હાઈલાઈટ કર્યા હતા. યાદવે વર્ચ્યુઅલ ઈન્ટરએક્શનમાં જણાવ્યું હતું કે,‘વિકાશશીલ દેશો માટે ફાઈનાન્સની અનુકૂળતા મહત્ત્વની છે અને વિકસિત દેશો દ્વારા 100 બિલિયન ડોલરનું લક્ષ્ય પરિપૂર્ણ કરાવું જોઈએ. આ ક્લાઈમેટ ફાઈનાન્સ થકી ૩ મહત્ત્વના S- સ્કોપ, સ્કેલ અને સ્પીડનું નિરાકરણ આવવું જ જોઈએ. આપણા માટે ક્લાઈમેટ ચેઈન્જ ભવિષ્યમાં આવનારી આફત નથી, તે વર્તમાન વાસ્તવિકતા છે. ભારત મિશન મોડમાં અમલીકરણ, અનુકૂલન અને ઉપશમન કામગીરી માટે મુખ્યત્વે ઘરઆંગણાના સ્રોતો પર આધાર રાખે છે.’
ગત વર્ષે ગ્લાસ્ગોમાં આયોજિત COP26 ક્લાઈમેટ સમિટના પ્રમુખ અને યુકેના કેબિનેટ મિનિસ્ટર આલોક શર્માએ જણાવ્યું હતું કે, ‘વડા પ્રધાન મોદી ક્લાઈમેટ એક્શનના મુદ્દે ઘણા કટિબદ્ધ છે. ક્લાઈમેટ લક્ષ્યાંકો બાબતે યુકે સાથે કામ કરવામાં ભારત સરકારની સાચી પ્રતિબદ્ધતા છે. અમે COP26માં લગભગ 200 દેશને ઐતિહાસિક ક્લાઈમેટ સંધિ માટે તૈયાર કરી શક્યા હતા કારણકે દરેક દેશને આ કામગીરી કરવાનું પોતાના જ હિતમાં હોવાનું જણાયું હતું.’
સદગુરુએ પોતાના સેવ સોઈલ કેમ્પેઈનને હાઈલાઈટ કરતા જણાવ્યું હતું કે,‘ એક પેઢી તરીકે આપણી સમક્ષ પડકાર છે પરંતુ, આવી બાબતોને પરિવર્તિત કરવાનો વિશેષાધિકાર અને તક પણ આપણી પાસે છે.’
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે,‘નવા સેમેસ્ટર વર્ષમાં યુકેમાં સૌથી વધુ સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. ભારત આપણી ઈમિગ્રેશન સિસ્ટમ પર પ્રભુત્વ ધરાવે છે. વેપારના હેતુઓ માટે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ, FTAs હાજર જ છે. જ્યારે લોકોની હેરફેર, અવરજવર અથવા સ્થળાંતરની વાત આવે ત્યારે ટ્રેડ એગ્રીમેન્ટ્સમાં તે હોવાં આવશ્યક નથી. આપણે પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમ, તદ્દન નવતર ડિજિટલ ઈમિગ્રેશન સિસ્ટમ દાખલ કરી છે. આ સિસ્ટમ સારી રીતે ચાલી રહી છે અને યાદીમાં જે મોખરે છે તે દેશ ભારત છે. વિવિધ પ્રકારના ક્ષેત્રોમાં કામ કરવા એમ્પ્લોયર્સ દ્વારા ઉચ્ચ કૌશલ્યને સ્પોન્સર કરાય છે.’
FTA સાથે વધુ વિઝા મુક્ત કરવા બાબતે કરાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે,‘હું માનું છું કે આપણે આને વ્યાપક FTAથી અલગ રાખવું જોઈએ. FTAs તો ટેરિફ્સ અને ક્વોટાનો વિસ્તાર-ક્ષેત્ર છે જે ઈમિગ્રેશનને લાગુ પડતું નથી. અમે ઉચ્ચ કૌશલ્ય અને ઊંચા વેતનો ઈચ્છીએ છીએ.’
યુકે-ઈન્ડિયા વીક 2022ના બીજા દિવસેભારતના સાંસદ ડો. શશી થરૂરે જણાવ્યું હતું કે,‘ અલગ અલગ સમયની ભારતની સરકારોએ બ્રિટન સાથે વેપારી વાટાઘાટોમાં સંરક્ષણવાદી પગલાં અપનાવ્યાં હતાં પરંતુ, દીર્ઘકાલીન ઊંડો પ્રતિકાર હવે ઓગળી રહ્યો છે.’ ડો. થરૂરે જણાવ્યું હતું કે ભારત પાસે હવે બ્રિટનને આપવા માટે હાલ જે આપી રહ્યું છે તેના કરતાં વધારે માલસામાન આપવામાં કાંઈ છે નહિ, જે આપી શકે છે તે સર્વિસીસ છે. આથી આ મોરચે વિઝા અને વર્ક પરમિટ મુદ્દાઓનું નિરાકરણ લાવવું જોઈએ તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
ભારતસ્થિત બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે કહ્યું હતું કે,‘ભારતની આઝાદીના આ ૭૫મા વર્ષનું મહાન સીમાચિહ્ન છે. ઈન્ડસ્ટ્રીના આપણા અસાધારણ સપોર્ટના પરિણામસ્વરુપે યુકે્માં શ્રેષ્ઠ અનુભવ પ્રાપ્ત કરવા ભારતીય વિદ્યાર્થીઓ માટે 75 સ્કોલરશિપ્સ જાહેર કરતા હું આનંદ અનુભવું છું. ભારતમાં લગભગ 30 ટકા શેવનિંગ (Chevening) સ્કોલર્સ નાના શહેરોમાંથી આવે છે અથવા પ્રથમ જનરેશનના સ્ટુડન્ટ છે, જે આ પ્રોગ્રામને સતત વૈવિધ્યપૂર્ણ બનાવે છે.
યુકે-ઈન્ડિયા વિમેન ઈન લીડરશિપ ઈવેન્ટમાં ટેક એન્ટ્રેપ્રીન્યોર અને એન્જલ ઈન્વેસ્ટર પ્રિયંકા ગિલ, ટેક ઈમ્પેક્ટ ફોરમ Maanchના સ્થાપક અને CEO દર્શિતા ગિલ્લિસ, તાજ લંડન એરિયા ડાયરેક્ટર મહેરનવાઝ અવારી, ક્લચરલ પ્લેટફોર્મ Manch UK ના સહસ્થાપક મીરા કૌશિક પણ સહભાગી બન્યાં હતાં.