બેંગ્લૂરુઃ રમત-રંગ-રોમાંચના ત્રિવેણીસંગમ સમાન ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની સિઝન-૧૦ માટે સોમવારે યોજાયેલી ક્રિકેટર્સની હરાજીમાં વિદેશના, ખાસ તો ઈંગ્લેન્ડના ખેલાડીઓ છવાઇ ગયા હતા. ટ્વેન્ટી૨૦ ફોર્મેટની આ ટૂર્નામેન્ટ માટે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ ફ્રેન્ચાઇઝીએ ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સને રૂ. ૧૪.૫ કરોડની માતબર રકમથી ખરીદી લીધો હતો. સ્ટોક્સને રૂ. ૨ કરોડની બેઝ પ્રાઇઝ કરતાં સાત ગણી વધારે કિંમત મળી હતી. માત્ર સ્ટોક્સ જ નહીં, ઈંગ્લેન્ડના અન્ય ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવા ફ્રેન્ચાઇઝીઓએ ભારે રસ દાખવ્યો હતો. ક્રિકેટચાહકોમાં ‘ડેથ ઓવર સ્પેશ્યાલિસ્ટ’ તરીકે જાણીતો ટાયમલ મિલ્સ રૂ. ૫૦ લાખની બેઝ પ્રાઇઝ સામે રૂ. ૧૨ કરોડમાં વેચાયો હતો. હરાજીમાં તે બીજા નંબરે રહ્યો હતો.
આ હરાજીમાં ઈંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓ સૌથી મોંઘા પુરવાર થયા હતા, પરંતુ સૌથી વધુ ખરીદી ભારતીય ખેલાડીઓની થઇ હતી. જેમાં કેટલાક સાવ અજાણ્યા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. તો બીજી તરફ, ફાસ્ટ બોલર ઇશાંત શર્મા, ક્લાસિક બેટ્સમેન ચેતેશ્વર પૂજારા, એક સમયે ટી૨૦ ફોર્મેટનો સ્ટાર ખેલાડી ઇરફાન પઠાણ અને ટી૨૦ ફોર્મેટનો નંબર વન બોલર ઇમરાન તાહિર જેવા ઘણા લોકપ્રિય ખેલાડીઓ વેચાયા વગરના પણ રહ્યા હતા. ભારતીય ખેલાડીઓમાં ઉત્તર પ્રદેશના કર્ણ શર્માને મુંબઇ ઇંડિયન્સે રૂ. ૩૦ લાખની બેઝ પ્રાઇઝ સામે રૂ. ૩.૨ કરોડ ખરીદયો હતો.
ગુજરાત ખરીદીમાં મોખરે
ગુજરાત લાયન્સની ટીમે સૌથી વધુ ખેલાડીઓ ખરીદયા હતા, પરંતુ તેમણે જ સૌથી ઓછી રકમ ચૂકવી હતી. જ્યારે પૂણેએ રૂ. ૧૭.૨૦ કરોડ ખર્ચ્યા હતા. આઇપીએલની દસમી સિઝન માટે કુલ ૩૫૦ ખેલાડીઓ હરાજીમાં સામેલ હતા, જેમાંથી ૬૬ ખેલાડીની ખરીદી થઇ હતી અને આ માટે ૯૧.૧૫ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
૯૭ ખેલાડી કરોડપતિ
આઇપીએલ-૧૦ માટે થયેલી હરાજી બાદ કુલ ૯૭ ખેલાડીઓ કરોડપતિ બની ગયા છે. સૌથી વધારે ૧૬ કરોડપતિ ખેલાડી દિલ્હી ડેરડેવિલ્સ ટીમમાં છે. બીજી તરફ સૌથી ઓછા ૧૦-૧૦ કરોડપતિ રોયલ ચેલેન્જર્સ બેંગલોર તથા રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ ટીમમાં છે.
ટીમ ફ્રેન્ચાઇઝીઓએ અપેક્ષા મુજબ ઇંગ્લેન્ડના ખેલાડીઓ પર ઘણો ખર્ચ કર્યો છે. ૧૪૮ કરોડ રૂપિયાથી વધારે રકમના પર્સ સાથે હરાજીમાં ઉતરેલી ટીમોએ ઇંગ્લેન્ડના ખેલાડીઓ પર ૩૪.૩ કરોડ રૂપિયા લગાવી દીધા હતા. અફઘાનિસ્તાનના બે ખેલાડીઓ પર ૪.૩૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. ગુજરાત લાયન્સે ખરીદેલા ચિરાગ સૂરીને બેઝપ્રાઇસ ૧૦ લાખમાં ખરીદવામાં આવ્યો હતો.
પાંચમી એપ્રિલથી રમઝટ
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આ વર્ષે યોજાનાર આઈપીએલ ટૂર્નામેન્ટ કાર્યક્રમ જાહેર થયો છે તે અનુસાર ટૂર્નામેન્ટની શરૂઆત પાંચમી એપ્રિલે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. અહીં ગત સિઝનની ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદ અને રનર્સ અપ રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટકરાશે. ગુજરાત લાયન્સ ટીમની ટીમ રાજકોટમાં આ વખતે પાંચ મેચ રમશે. ગુજરાતની રાજકોટમાં પ્રથમ મેચ સાતમી એપ્રિલે છે, જે કોલકાતા સામે રમાશે. આઈપીએલ ફોર્મેટ અનુસાર દર વખતની જેમ સાત મેચ દરેક ટીમ હોમ ગ્રાઉન્ડમાં રમશે. આ વખતે પંજાબે ઇન્દોરને પણ હોમ ગ્રાઉન્ડ બનાવ્યું છે. પંજાબની ટીમ ત્રણ મેચ ઇન્દોરમાં અને ચાર મેચ મોહાલીમાં રમશે. ટૂર્નામેન્ટની ફાઇનલ ૨૧મી મેના રોજ હૈદરાબાદમાં રમાશે. આ વખતે ૪૭ દિવસ ચાલનાર આઈપીએલ દેશના ૧૦ શહેરોમાં યોજાનાર છે.