નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ ભાજપના વડપણ હેઠળના એનડીએ અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના INDIA વચ્ચે લડાઈનું મેદાન તૈયાર થઈ ગયું છે. પાંચ રાજ્યની 228 લોકસભા બેઠક એવી છે જ્યાં બન્ને ગઠબંધન વચ્ચે સીધી ટક્કર છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, ઝારખંડ, તમિલનાડુ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાંથી બેમાં એક તબક્કામાં તથા અન્ય રાજ્યોમાં ચારથી સાત તબક્કામાં મતદાન થશે. મતલબ કે બન્ને જૂથના નેતાઓ પાસે મતદારોને રિઝવવા માટે પૂરતો સમય રહેશે.
પશ્ચિમ બંગાળમાં સત્તાધીશ તૃણમૂલ કોંગ્રેસ આમ તો INDIA સાથે છે પણ રાજ્યની તમામ બેઠકો પર તે એકલે હાથે ચૂંટણી લડે છે. અહીં તેની સામે મુખ્ય વિપક્ષ ભાજપની સાથે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પણ છે. ઉત્તર પ્રદેશમાં પહેલીવાર સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં સાથે છે. જ્યારે બિહારમાં લોકસભા, વિધાનસભાની ગત ચૂંટણીમાં એનડીએની સાથે રહેલા નીતિશ કુમારે આ વખતે પાટલી બદલી છે. તેમણે આરજેડી સાથે 16 મહિના સરકાર ચલાવી હતી. હવે તેઓ ભાજપ સાથે છે. ગત બે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 રાજ્યમાં સભા-રોડ શો કર્યા છે, જ્યારે રાહુલની યાત્રા 15 રાજ્યમાં પસાર થયા બાદ મહારાષ્ટ્રના મુંબઇમાં વિપક્ષની વિશાળ રેલી સાથે તેનું સમાપન થયું હતું.
મોદી 501 બેઠકો પર ફરી વળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પૂર્વે માત્ર બે જ માસમાં લોકસભાની 501 બેઠક પર ફરી વળ્યા છે. જેમાં • 5 વખત તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ • 4 વખત કેરળ • 3 વખત પશ્ચિમ બંગાળ અને ગુજરાત • 2 વખત બિહાર, આસામ, હરિયાણા, ઓડિશા, રાજસ્થાન અને • એક-એક વખત આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ગોવા, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, તેલંગણ અને જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયા છે.
રાહુલે 358 બેઠકો આવરી લીધી
કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાયયાત્રા અંતર્ગત 66 દિવસમાં તબક્કાવાર 6713 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે.
રાહુલ ગાંધીની યાત્રાએ જે રાજ્યોને આવરી લીધા હતા તેમાં મણિપુર, નાગાલેન્ડ, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં લોકસભાની 358 બેઠકનો સમાવેશ થાય છે.