રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારી જેસીંગભાઇ પરમાર દર શુક્રવારે સાંજે બે કલાક ગાંધી આશ્રમમાં રેંટિયાથી કાંતણ કરે છે. જેસીંગભાઇ કહે છે કે, ‘જે દિવસે ગાંધીજીનું મૃત્યુ થયું હતું તે ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ શુક્રવાર હતો. આથી હું નોકરીમાંથી નિવૃત્ત થઇને છેલ્લા દસેક વર્ષથી આવી પ્રવૃત્તિ કરું છું.’ જેસીંગભાઇને દર શુક્રવારે કાંતણ કરવાની પ્રેરણા સ્વાતંત્ર્ય સેનાની સુમનભાઇ ભારતી પાસેથી મળી હતી. ગાંધીજી તેમના જીવનમાં પ્રાર્થના અને કાંતણને વિશેષ મહત્ત્વ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં બિરલા ટેમ્પલ ખાતે ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના દિને સાંજે પ્રાર્થના પછી નાથુરામ ગોડસે નામના શખસે ગાંધીજીની ગોળી મારી હત્યા કરી હતી. આ ઉપરાંત જેસીંગભાઇ અને તેમના ૧૦-૧૫ સાથીઓ દર ૧૨મી માર્ચના રોજ એટલે કે દાંડીયાત્રાના દિને સવારે સાત વાગે ગાંધી આશ્રમથી પગપાળા કોચરબ આશ્રમ આવીને સમૂહ પ્રાર્થના કરીને પણ વિશેષ શ્રદ્ધાંજલિ અર્પે છે. જેસીંગભાઇએ અગાઉ છ-સાત વખત દાંડીયાત્રા પણ કરી છે. જેમાં ૧૯૮૮માં પૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધી દ્વારા આયોજિત દાંડીયાત્રા તથા સને ૨૦૦૫માં દાંડીયાત્રાના ૭૫ વર્ષ નિમિત્તે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના નેતૃત્વમાં નીકળેલી દાંડીયાત્રામાં પણ તેઓ જોડાયા હતા. ભારતમાં ડેપ્યુટી બ્રિટિશ હાઇકમિશનર પટીર બેકિંગહામનાં પત્ની જિલ બેકિંગહામે કરેલી દાંડીયાત્રામાં પણ જેસીંગભાઇએ ભાગ લીધો હતો. અત્યારે ભારતમાં જેની ચર્ચા ચાલે છે તે સ્વચ્છતા અભિયાન આ ગાંધી ભક્ત ઘણા વર્ષોથી ચલાવે છે.