વોશિંગ્ટન: વિશ્વના સૌથી ધનાઢય વ્યક્તિ જેફ બેઝોસ અંતરીક્ષમાં જઈને પરત ફર્યા છે. બ્લુ ઓરિજિનના શેફર્ડ સ્પેસક્રાફ્ટમાં બેસીને કાર્મેન લાઇન પાર કરી તેઓ ધરતી પર પરત ફર્યા છે. બેઝોસની સાથે ત્રણ યાત્રીઓ ગયા હતા, જેમાં સૌથી ઉંમરલાયક ૮૨ વર્ષનાં પૂર્વ પાઇલટ વેલી ફ્રેન્ક અને સૌથી નાની વયનો વ્યક્તિ હોલેન્ડનો ૧૮ વર્ષનો વિદ્યાર્થી ઓલિવર ડેમેન હતા. આ પ્રવાસ સાથે વેલી ફ્રેન્ક સૌથી મોટી વયના અંતરીક્ષયાત્રી બન્યા હતા તો ઓલિવરે ડેમેને સૌથી વયના અંતરીક્ષયાત્રી તરીકેની સિદ્ધિ પોતાના નામે કરી હતી. આ પહેલા આ રેકોર્ડ ૨૫ વર્ષના સોવિયેત કોસ્મોનોટ ગેરમેન ટિટોવ અને સૌથી વધુ વયનો રેકોર્ડ ૭૭ વર્ષના જ્હોન ગ્લેનના નામે હતો. આ બંને રેકોર્ડ મંગળવારે તૂટયા હતા. બેઝોસ સાથે તેમનો નાનો ભાઈ માર્ક બેઝોસ પણ પ્રવાસમાં જોડાયો હતો. સૌપ્રથમ અંતરીક્ષ પ્રવાસી બનવાની સિદ્ધિ ભલે તેમના નામે લખાઈ ન હોય, પરંતુ તેમણે બ્લુ ઓરિજિન દ્વારા એક સફળ ગાથા રચી દીધી છે.
બેઝોસની કેપ્સ્યુલ સંપૂર્ણ ઓટોમેટેડ
બેઝોસ આની સાથે સ્પેસ ટ્રાવેલ કરનારા બીજા ઉદ્યોગપતિ બન્યા. આ પહેલા બ્રિટનના વ્યાપારી રિચાર્ડ બ્રેન્સન વર્જિન ગેલેટિકમાં ઉડ્ડયન કરી પરત ફર્યા હતા. જોકે તે કાર્મેન લાઇનની પેલે પાર ગયા ન હતા. આ લાઇન વટાવવાની સાથે પૃથ્વીની ગ્રેવિટી ખતમ થઈ જાય છે. બ્રેન્સન પાયલોટેડ રોકેટ પ્લેનમાં અંતરીક્ષમાં ગયા હતા, જ્યારે બેઝોસની કેપ્સ્યુલ સંપૂર્ણપણે ઓટોમેટેડ હતી. તેનું સંચાલન કરવા માટે ઓનબોર્ડ કોઈ સ્ટાફ જ ન હતો. આમ રોકેટ ઉપર ગયું અને પછી કેપ્સ્યુલ તેમાંથી બહાર આવી અને બેઝોસ સાથે કુલ ચાર જણા અંતરીક્ષમાંથી ધરતી પર પરત આવ્યા તે સમગ્ર પ્રક્રિયા ઓટોમેટેડ હતી. તેના સંચાલન માટે કોઈ નહોતું. બ્લુ ઓરિજિન પૃથ્વીથી ૬૬ માઇલ (૧૦૬ કિલોમીટર) ઉપર ગયું હતું. આમ તે બ્રેન્સને ૧૧ જુલાઈએ પ્રવાસ ખેડયો તેનાથી દસ માઇલ વધારે ઉપર ગયું હતું.
૧૦ મિનિટ અને ૧૮ સેકન્ડની ઉડાન
બેઝોસ અને સાથી પ્રવાસીઓ ન્યૂ શેફર્ડ રોકેટમાં બેઠા પછી રોકેટ અવાજ કરતાં ત્રણ ગણી વધારે ઝડપે અંતરીક્ષ તરફ આગળ વધ્યું હતું. તે અંતરીક્ષમાં ત્યાં સુધી આગળ વધતું રહ્યું જ્યાં સુધી તેનું મોટા ભાગનું બળતણ ખતમ થઈ ન ગયું. તેના પછી કેપ્સ્યુલ રોકેટથી અલગ થઈ ગયું અને થોડો સમય ગ્રેવિટી (વજનવિહીન અવસ્થા) વગર વીતાવીને કેપ્સ્યુલ ધરતી પર પરત ફર્યું. આ પછી ત્રણ પેરેશુટ ખૂલ્યા અને કેપ્સ્યુલ સફળતાપૂર્વક જમીન પર ઉતર્યુ. સમગ્ર ઉડાન દસ મિનિટ અને ૧૮ સેકન્ડની રહી. બેઝોસ અને તેમની સાથેના ચાર જણા પરત ફર્યા ત્યારે તેમણે ગ્રેવિટીનો છ ગણો ફોર્સ અનુભવ્યો હતો.
બાવન વર્ષ પહેલા ૨૦ જુલાઇએ જ નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનારા પહેલા યાત્રી બન્યા હતા. ૧૬ જુલાઈએ અમેરિકાના ફ્લોરિડા પ્રાંતમાં સ્થિત જોન એફ કેનેડી અંતરીક્ષ કેન્દ્ર પરથી ઉડેલું નાસાનું અંતરીક્ષ યાન એપોલો ૧૧ ચાર દિવસની સફળ પૂરી કરી ૨૦ જુલાઈ ૧૯૬૯ના રોજ માનવીને પૃથ્વીના પ્રાકૃતિક ઉપગ્રહ ચંદ્ર પર લઈ પહોંચ્યું હતું. આ યાન ૨૧ કલાક અને ૩૧ મિનિટ સુધી ચંદ્રની સપાટી પર રહ્યું હતું.
‘અત્યાર સુધીનો શ્રેષ્ઠ દિવસ’
મુસાફરી પૂરી કરીને ધરતી પર પરત ફર્યા બાદ બેઝોસે આ દિવસને એમનો સૌથી શ્રેષ્ઠ દિવસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું, ‘અત્યાર સુધીનો શ્રેષ્ઠ દિવસ’. અંતરીક્ષ પ્રવાસના ત્રણ દિવસ પહેલાં જ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જેફ બેઝોસે અવકાશયાત્રા વિશે માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું, ‘હું પાંચ વર્ષનો હતો ત્યારથી અવકાશયાત્રાએ જવાનું મારું સ્વપ્ન હતું. ૨૦ જુલાઈએ મારા ભાઈ સાથે હું અવકાશયાત્રાએ જઈશ. સૌથી મોટું સાહસ, મારા સૌથી સારા મિત્ર સાથે.’
ઉલ્લેખનીય છે કે ૧૧ જુલાઈના રોજ વર્જિન ગેલેક્ટિકના રિચર્ડ બ્રેન્સન પોતાના સ્પેસપ્લેન 'વર્જિન વીએસએસ યુનિટી' દ્વારા અંતરીક્ષની યાત્રા પર રવાના થયા હતા અને લગભગ સવા કલાકમાં પોતાની યાત્રા પૂરી કરીને પાછા આવ્યા હતા.
એ બિંદુ જ્યાં થાય છે અંતરીક્ષની શરૂઆત
ઉડાણના બે મિનિટ બાદ કેસ્પ્યૂલ રોકેટથી અલગ થઈ ગઈ અને કારમોન લાઇન સુધી પહોંચી ગઈ. આ અંતરીક્ષયાત્રાના મુસાફરોએ ચાર મિનિટ સુધી શૂન્યાવકાશની સ્થિતિ અનુભવી હતી. વજનરહિત આ અવસ્થામાં અંતરીક્ષયાત્રીઓના બેલ્ટ ખોલી દેવાયા અને હવામાં તરતાંતરતાં તેમણે ધરતીનો સુંદર નજારો નિહાળ્યો. કારમેન લાઇન ધરતીથી લગભગ ૬૨ માઈલની ઊંચાઈ પર આવેલી છે. આ કાર્મેન લાઇનને આંતરરાષ્ટ્રીય સ્તરે અંતરીક્ષની શરૂઆતના બિંદુ તરીકે માન્યતા આપવામાં આવી છે. બ્લૂ ઓરિજિનના એસ્ટ્રોનોટ સેલ્સ વિભાગના ડિરેક્ટર એરિયન કોર્નેલે જણાવ્યું હતું, ‘અત્યાર સુધી ૫૬૯ લોકો જ આ કાર્મેન લાઇન સુધી ગયા છે. ન્યૂ શેફર્ડ વ્હિકલની મદદથી આ સ્થિતિમાં પરિવર્તન લાવશે અને તે મોટું પરિવર્તન હશે.
ન્યૂ શેફર્ડ બનાવવામાં ભારતીય યુવતીનું યોગદાન
મહારાષ્ટ્રના કલ્યાણ શહેરની સંજલ ગાવન્ડે બ્લૂ ઓરિજિનમાં એન્જિનિયર છે. ૩૦ વર્ષની આ યુવતીએ બ્લૂ ઓરિજિનના સ્પેસ રોકેટ ન્યૂ શેફર્ડને વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સંજલે મુંબઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો અને ઉચ્ચ અભ્યાસ માટે ૨૦૧૧માં અમેરિકા ગઈ હતી. મિશિગન ટેકનોલોજી યુનિવર્સિટીમાંથી સંજલે માસ્ટર્સ કર્યું હતું. સંજલે કહ્યું હતું કે મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે સ્પેસશીપ બનાવવાનું મારું બાળપણનું સપનું સાકાર થયું છે. સંજલ ન્યૂ શેફર્ડનું નિર્માણ કરનારી એન્જિયર્સ ટીમમાં છે. ૨૦૧૬થી તે બ્લૂ ઓરિજિનમાં કાર્યરત છે. એ પહેલાં તેણે નાસામાં નોકરી માટે અરજી કરી હતી, પરંતુ નાસામાં નોકરી ન મળતાં સંજલે બ્લૂ ઓરિજિનમાં નોકરી શરૂ કરી હતી.
બાળપણના હીરો નીલ આર્મસ્ટ્રોંગને બેઝોસ બંધુઓની અનોખી અંજલી
જેફ બેઝોસે અંતરીક્ષ યાત્રા માટે ૨૦મી જુલાઈનો ઐતિહાસિક દિવસ પસંદ કર્યો હતો. આ દિવસ માનવ ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાયો છે. પૃથ્વીવાસીએ આ દિવસે પહેલી વખત ચંદ્રની સપાટી ઉપર પગ મૂક્યો હતો. નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન બઝ એલ્ડ્રિને ૧૯૬૯માં ૨૦મી જુલાઈએ ચંદ્ર ઉપર પગ મૂકીને ઈતિહાસ સર્જી દીધો હતો. ચંદ્રની સપાટી ઉપર પગ મૂકનારા નીલ આર્મસ્ટ્રોંગ દુનિયાના પ્રથમ માણસ બન્યા હતા. એ વખતે જ તેમણે ઐતિહાસિક નિવેદન આપ્યું હતુંઃ 'આ નાનકડું પગલું માનવજાતનું વિશાળ ડગલું સાબિત થશે'. ૨૦મી જુલાઈ ૨૦૨૧ના દિવસે એ ઘટનાનું બાવનમું વર્ષ ઉજવાયું હતું. બરાબર એ જ દિવસને પસંદ કરીને બેઝોસે ઈતિહાસ તાજો કર્યો છે. એટલું જ નહીં, પોતાના બાળપણના સ્મરણોને પણ જીવંત કર્યા છે. ૧૯૬૯માં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર પહોંચ્યા ત્યારે આખા અમેરિકામાં જશ્નનો માહોલ હતો. ૧૯૬૪માં જન્મેલા જેફ બેઝોસને પણ તેના ઝાંખાં-પાંખા સ્મરણો હોવાથી તેમણે આ દિવસ પસંદ કર્યો છે. જેફ બેઝોસે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે નીલ આર્મસ્ટ્રોંગ તેમના બાળપણના હીરો હતા. નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્રની સપાટી ઉપર ઉતર્યા એ ઘટનાથી જ એ વખતે જેફ બેઝોસના બાળમાનસમાં અંતરીક્ષમાં જવાના સપનાનું બીજ રોપાયું હતું. એ ઘટનાએ જ તેમને બ્લૂ ઓરિજિનની સ્થાપના કરવા પ્રેર્યા હતા.
હવે ઓગસ્ટમાં ઉડાન ભરશે સૌથી ઊંચુ સ્ટારશિપ
દુનિયાના સૌથી ધનવાન લોકોમાં સામેલ એલન મસ્ક હવે સ્પેસ ટુરિઝમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્વિ હાંસલ કરવા જઇ રહ્યા છે. તેમની કંપની સ્પેસ એક્સનું અંતરીક્ષ યાન ‘સ્ટારશિપ એસએન-૨૦’ ઓગસ્ટના પહેલા સપ્તાહમાં પોતાના પહેલા પરીક્ષણ માટે ઉડાન ભરશે. આ અત્યાર સુધીનું સૌથી ઊચું યાન હશે, જેની ઊંચાઇ ૩૯૪ ફૂટ નક્કી કરાઇ છે. સ્ટારશિપ ટેક્સાસમાંથી લોન્ચ થશે અને ૯૦ મિનિટ પછી હવાઇના દરિયાકિનારે લેન્ડ થશે. સુપરહેવી બુસ્ટર સાથે તેમાં ૯૯,૭૯૦ કિગ્રા પે-લોડ હશે. જે કોઇ યાનમાં ઉપયાગમાં નથી લેવાયો. તેમાં ૪૦ કેબિન છે, જેમાં કુલ ૧૦૦ યાત્રી બેસી શકશે.