મુંબઈઃ અંબાણી પરિવારમાં આ વર્ષે વધુ એક લગ્નની શરણાઇ ગૂંજશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા પિરામલ એન્ટરપ્રાઇઝના અજય પિરામલના પુત્ર આનંદ સાથે લગ્નબંધને બંધાશે તેવા અહેવાલ છે. અંબાણી અને પિરામલ પરિવારના સભ્યો મહાબળેશ્વરમાં એકત્ર થયા હતા જ્યાં આનંદે એક મંદિરમાં માતા-પિતા અને સ્વજનોની હાજરીમાં ઈશા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, અને ઈશાએ આનંદભેર સંમતિ દર્શાવી હતી. આ પ્રસંગે ઈશાના બંને ભાઈઓ આકાશ અને અનંત સહિતના પરિવારજનો હાજર રહ્યા હતા.
આ વર્ષના પ્રારંભમાં મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ ડાયમંડ કિંગ રશેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતાને પ્રપોઝ કર્યું હતું. અને હવે મોટા પુત્ર બાદ તેની જોડિયા બહેન ઈશાનું પિરામલ પરિવારમાં સગપણ નક્કી થયું છે. ઈશા અને આનંદના લગ્નની તારીખ હજુ જાહેર થઇ નથી, પરંતુ સંભવતઃ તેઓ આકાશ અને શ્લોકાના લગ્ન પહેલાં સપ્તપદીના ફેરા ફરે તેવી શક્યતા છે.
પરિવારજનોની હાજરીમાં પ્રપોઝ
આનંદ પિરામલે મહાબળેશ્વરમાં ઈશા અંબાણીને પ્રપોઝ કર્યું હતું. આ પછી ઈશાના માતા- પિતા નીતા - મુકેશ અંબાણી, આનંદના માતા - પિતા સ્વાતિ - અજય પિરામલ, ઈશાના દાદીમા - નાનીમા કોકિલાબહેન અંબાણી અને પુર્ણિમાબહેન દલાલ, ઈશાના ભાઈઓ આકાશ - અનંત, આનંદની બહેન નંદિની, પીટર, અન્યા, દેવ તેમજ પરિવારના અન્ય સભ્યોએ સાથે લંચ કરીને આ પ્રસંગની ઊજવણી કરી હતી.
ઈશા-આનંદઃ પ્રતિભાશાળી જોડી
હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર થયેલો આનંદ પિરામલ હાલ પિરામલ એન્ટરપ્રાઇઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે જવાબદારી સંભાળે છે. બિઝનેસ સ્કૂલમાંથી પાસ થયા બાદ તેણે પ્રથમ હેલ્થકેર સ્ટાર્ટઅપ પિરામલ ઈ-સ્વાસ્થ્ય શરૂ કર્યું હતું. તેમનું બીજું સાહસ પિરામલ રિઅલ્ટી હતું. આ બંને સ્ટાર્ટઅપ હવે તેમના પરિવાર સંચાલિત ૪ બિલિયન ડોલરના પિરામલ એન્ટરપ્રાઇઝનો હિસ્સો છે. આ ઉપરાંત આનંદ ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બરની યુવા પાંખના સૌથી યુવા વયે પ્રમુખ બનવાની સિદ્ધિ પણ ધરાવે છે.
બીજી તરફ ઈશા અંબાણી રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલનાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં છે. ઈશાએ તેના ભાઈ આકાશ અંબાણી સાથે મળીને ૨૦૧૪માં ફોર-જી સર્વિસ શરૂ કરી હતી. આ ઉપરાંત ઈશા એક ઓનલાઇન ફેશન રિટેલર બ્રાન્ડ પણ લોન્ચ કરી ચૂકી છે. સાઇકોલોજી અને સાઉથ એશિયન સ્ટડીઝમાં યેલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ હાલ તે ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસ-સ્ટેનફોર્ડમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પ્રોગ્રામમાં માસ્ટર કરી રહી છે.
ચાર દસકાનો પારિવારિક સંબંધ
મુકેશ અંબાણી જૂથની નેટવર્થ ૨.૪૭ લાખ કરોડ છે જ્યારે પિરામલ ગ્રૂપની નેટવર્થ ૩૭,૪૧૯ કરોડ રૂપિયા છે. પિરામલ જૂથ ફાર્માસ્યુટિકલ, ફાઇનાન્સિયલ સર્વીસ, ઈન્ફર્મેશન મેનેજમેન્ટ, ગ્લાસ પેકેજિંગ અને રિઅલ એસ્ટેટમાં કામ કરતું વૈશ્વિક બિઝનેસ જૂથ છે. આ ઉપરાંત આનંદની બે કંપનીની કુલ નેટવર્થ ૧૪,૪૨૨ કરોડ રૂપિયા છે. અંબાણી અને પિરામલ પરિવારો વચ્ચે ચાર દાયકા જૂના સંબંધ છે. એક અહેવાલ મુજબ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્નમાં અજય અને સ્વાતિ પિરામલે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, આનંદ-ઈશાના લગ્ન અંગે પિરામલ જૂથને મોકલાયેલા ઈ-મેલનો કોઈ જવાબ મળ્યો નથી.
મુકેશ અંબાણી પ્રેરણાસ્રોત
૨૫ વર્ષના આનંદે તાજેતરમાં એક જાહેર સમારંભમાં પોતાને યુવા ઉદ્યોગ સાહસિક બનવાની દિશામાં આગેકૂચ કરવાની પ્રેરણા આપવા બદલ મુકેશ અંબાણીનો આભાર માન્યો હતો. આનંદે જણાવ્યું હતું કે મેં તેમને પૂછ્યું હતું કે મારે કન્સલ્ટિંગમાં જવું જોઈએ કે બેન્કિંગમાં? ત્યારે તેમણે મને કહ્યું હતું કે કન્સલ્ટન્ટ બનવું એટલે ક્રિકેટ જોવું કે તેના વિશે એક્સપર્ટ કોમેન્ટ કરવા સમાન છે જ્યારે ઉદ્યોગસાહસિક બનવું તે ક્રિકેટ રમવા સમાન છે. તમે ક્રિકેટ કોમેન્ટરી કરીને ક્રિકેટ રમતાં ન શીખી શકો. જો તમારે કશું કરી બતાવવું હોય તો તમારે ઉદ્યોગસાહસિક બનવું જોઈએ.