લંડન (હીથ્રો) અને અમદાવાદ વચ્ચે સીધી વિમાનસેવાના મુદ્દાએ લાંબા સમયથી વ્યાપક રસ જગાવ્યો છે. વેપારી અને બિનવેપારી, બન્ને દૃષ્ટિએ સીધી વિમાનસેવા વાજબી જણાય છે. ગુજરાત તથા આસપાસના રાજ્યો અને ખાસ કરીને દક્ષિણ રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશ ઘણી ઝડપથી વિકસી રહ્યાં છે. ભારતમાં બ્રિટિશ રોકાણોનો મોટો હિસ્સો ગુજરાતમાં છે. બ્રિટનમાં, ખાસ કરીને લંડન અને સાઉથ ઈસ્ટ ઈંગ્લેન્ડના અન્ય વિસ્તારોમાં કાર્યરત સેંકડો ભારતીય કંપનીઓમાં ગુજરાતમાં મૂળિયાં અને વ્યવહારો હોય તેવા લોકો કામ કરી રહ્યાં છે.
યુનાઈટેડ કિંગ્ડમમાં, વિશેષતઃ નોર્થ વેસ્ટમાં માન્ચેસ્ટર, નોર્થ ઈસ્ટમાં લીડ્ઝ, પશ્ચિમમાં બર્મિંગહામ, પૂર્વમાં લેસ્ટર તેમજ દક્ષિણમાં લંડન સુધીના આશરે ૮,૦૦૦ ચોરસ માઈલ વિસ્તારના ષષ્ટકોણમાં ભારતીય મૂળના ૧૫ લાખથી વધુ લોકો વસે છે. ભારતની બહાર આટલા નાના વિસ્તારમાં શિક્ષણ, વ્યવસાય તેમજ કમાણીમાં શ્રેષ્ઠતા ધરાવતાં ભારતીય મૂળના લોકોનો સૌથી મોટો સમૂહ માત્ર બ્રિટનમાં છે. લોર્ડ્સ, સાંસદો અને સફળ બિઝનેસ અને ઉદ્યોગના અગ્રણીઓ સહિત હજારો લોકોની સહીઓ સાથે પિટિશન્સ અપાયાં છતાં યુપીએ સરકારે અચાનક જ કેટલીક ખાનગી એરલાઈન્સના હિતલાભમાં સફળતા ધરાવતી સીધી ફ્લાઈટસ બંધ કરી દીધી અને આ પછી લંડનનો અમદાવાદ સાથેનો પુનઃ સંપર્ક થઈ શકતો નથી. અનેક વાચકબંધુઓએ તેમની માગણીના વાજબીપણા વિશે લખ્યું છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસમાં આ વિશે ઘણાં પત્રો પણ પ્રકાશિત થયાં છે. ઘણાં પત્રો અમને અતિશય ઉશ્કેરણીજનક અથવા શ્રી નરેન્દ્ર મોદી પ્રત્યે બિનજરુરી કઠોરતા દર્શાવતા જણાતા અમે તે પ્રકાશિત કર્યા નથી.
આપણે કેટલીક હકીકતો પણ જોઈએ.
શ્રી નરેન્દ્ર મોદીએ શાસનના પ્રથમ વર્ષમાં ૧૯ દેશનો પ્રવાસ ખેડ્યો છે, બાવન દિવસ તે પાછળ ગાળ્યા છે અને દૂરસુદૂરના દેશોના નીતિઘડવૈયાઓ અને લોકો સાથે સંપર્કો સ્થાપિત કરવામાં ભારે જહેમત ઉઠાવી છે. ભારતમાં રોકાણો આવે, વેપારને પ્રોત્સાહન મળે તે માટે આ પ્રવાસો મહત્ત્વપૂર્ણ હતા. તેમજ વિદેશવાસી ભારતીયો સાથે મજબૂત સેતુબંધ માટે આમ કરવું જરૂરી છે.
આપણે જાણીએ છીએ ત્યાં સુધી તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીના વિદેશ પ્રવાસો દરમિયાન થતું હતું તેમ એર ઈન્ડિયાએ તેની નિયમિત ફ્લાઈટ્સ રદ કરી નથી. આનું કારણ એ હોઈ શકે કે એર ઈન્ડિયા પાસે હવે વધુ વિમાન છે અથવા શ્રી મોદીએ હંમેશાં પોતાના માટે અલાયદા વિમાનોની માગણી કરી નથી. બીજી બાબત એ છે કે, દુબાઈ, અબુ ધાબી અને દોહા (કતાર)એ વિવિધ કારણોસર ઝડપી વિકાસ સાધ્યો છે, પરંતુ મુખ્ય કારણ હવાઈ સંપર્કનું છે, જેના કારણે તેમની એરલાઈન્સ આંતરરાષ્ટ્રીય હવાઈ પ્રવાસમાં મોખરાનું સ્થાન મેળવી શકી છે. ત્રીજી વાત એ છે કે દરિયાપારના ભારતીયોના હિતો પ્રત્યે ધ્યાન આપવાનું મહત્ત્વ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સુપેરે જાણે છે. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં મેડિસન સ્ક્વેરમાં અદ્ભૂત સ્વાગત એક રીતે ભાજપને પ્રોત્સાહિત કરનારું હતું અને તેનાથી વિદેશની સરકારો સાથે શ્રી મોદીના સંપર્કના પ્રયાસોમાં મદદ મળી હતી. આ સાથે અમેરિકન ભારતીયોની જાહેર છબી પણ સુધરી હતી. ભારતને વેપાર અને વાણિજ્યથી માંડી રાજદ્વારી સહિતના તમામ મોરચે લાભ મળ્યો હતો.
યુકે અને ભારત વચ્ચે ઐતિહાસિક કડી હોવાના કારણે યુકેસ્થિત ભારતીયો વિશિષ્ટ સ્થાન ધરાવે છે. બ્રિટિશ ભારતીયો વિકસિત રાષ્ટ્રોમાં સૌથી જૂની વસાહત છે. છેલ્લાં ૧૫ વર્ષમાં ગુજરાતનું વેપાર-વાણિજ્ય અને ઉદ્યોગક્ષેત્રે મહત્ત્વ સતત વધતું રહ્યું છે. વાચકો એ સમજી શકતા નથી કે ૨૦૦૩માં તેમની જ મૂળ પહેલ હતી તે ડાયરેક્ટ ફ્લાઈટ્સ ફરી શરુ કરવાનો ઝડપી અને યોગ્ય નિર્ણય વડા પ્રધાન મોદીએ હજુ શા માટે લીધો નથી. માનવપ્રવૃત્તિના તમામ ક્ષેત્રે ભારતના લાભ માટે ન્યાયી અને સાચો નિર્ણય લેતા તેમને શું અટકાવી રહ્યું છે?
કમનસીબે ત્રણ ઘટનાઓ એવી છે, જે બ્રિટિશ ભારતીયોને અતિશય પીડાકારી અને આઘાતજનક લાગે છે.
(૧) નાગરિક ઉડ્ડયન પ્રધાન શ્રી અશોક ગજપતિ રાજુએ ડાયરેક્ટ ફ્લાઈટ્સ વિશે બેજવાબદાર ટીપ્પણીઓ કરી હતી. (વાંચો ૧૧ એપ્રિલના એશિયન વોઈસનું પાન-૨૫ અને ગુજરાત સમાચારનું પાન-૧૧)
(૨) આ વર્ષના આરંભે જ લંડનમાં ભાજપ સમર્થકોની બેઠકમાં શ્રી મોદીની જ કેબિનેટના એક વરિષ્ઠ પ્રધાને એમ કહ્યાનું કહેવાય છે કે વડા પ્રધાન મોદી ગુજરાત તરફ ઘણું બધું ધ્યાન આપી રહ્યા છે. આમ કહેવા સાથે જ તેમણે ઉમેર્યું હતું કે તમારે હવે અહીંથી ડાયરેક્ટ ફ્લાઈટ જોઈએ છે, હા હા હા.’
અમદાવાદ અને બ્રિટનની ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકોના ધ્યાને એવી વાત આવી છે કે એર ઈન્ડિયા આગામી શિયાળુ સમયપત્રકમાં ભારતમાંથી વધારાના ચાર વિવિધ સ્થળો માટે ચાર ડાયરેક્ટ ફ્લાઈટનો પ્રસ્તાવ મૂકવાની છે. એક રુટ હૈદરાબાદ-લંડનનો છે. એક રીતે સારું જ છે, અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઈટ્સને વધુ પ્રાથમિકતા મળવાની આશા રાખી શકાશે.
એર ઈન્ડિયા, ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અથવા દિલ્હીસ્થિત વડા પ્રધાન કાર્યાલયે લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઈટ્સ માટે ગર્ભિત ક્ષમતાનો ડેટા અથવા પેસેન્જર ટ્રાફિકનો તેમનો સર્વે હજુ જાહેર કર્યો નથી
સીધી-સાદી હકીકતો એ છે કે દર સપ્તાહે સરેરાશ ૭,૦૦૦થી વધુ લોકો બ્રિટનથી ભારતનો વિમાનપ્રવાસ કરે છે અને લગભગ આટલી જ સંખ્યામાં પ્રવાસીઓ ભારતથી યુકેનો પ્રવાસ કરે છે. અનેક મુખ્ય ટ્રાવેલ એજન્ટ્સ પાસેથી જાણવા મળ્યું છે કે આ પ્રવાસીઓમાંથી ઓછામાં ઓછાં ત્રીજા ભાગના પ્રવાસીઓ ગુજરાત જાય છે. એક હકીકત તો બધાં જ જાણે છે કે વેપારવણજ તો ગુજરાતીઓના લોહીમાં વણાયેલાં છે.
ઘણાં લોકો અને સંસ્થાઓ ડાયરેક્ટ ફ્લાઈટ્સ માટે ડાયરેક્ટ એક્શન લેવાની માગણી કરી રહ્યાં છે. તેમને સ્થિતિજન્ય અનુભવોથી સમજાયું છે કે સત્તાધારીઓ, બંધારણીય અને શાંતિમય વિરોધના ગાંધીવાદી સિદ્ધાંત અનુસારના જાહેર વિરોધનો જ યોગ્ય પ્રતિભાવ આપતાં હોય છે. આવું જ એક ઉદાહરણ વોટફર્ડ નજીકના હરે કૃષ્ણ મંદિરનું છે. મંદિરને બંધ કરવાના સ્થાનિક કાઉન્સિલના અન્યાયી નિર્ણયનો શાંતિમય વિરોધ કરવા ૧૪ માર્ચ, ૧૯૯૪ના દિવસે હજારો (કુલ ૩૫,૦૦૦થી વધુ)ની સંખ્યામાં હિન્દુ અને બિનહિન્દુઓ ઉમટી પડ્યાં તેના કારણે જ મંદિર આજે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રહ્યું છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના વાચકો આ અભિયાનની મોખરે રહ્યાં હતાં.
અમે ડાયરેક્ટ એક્શનની હિમાયત કરતા લોકો અને સંસ્થાઓને હાલ પુરતી શાંતિ જાળવવા અને તે વિકલ્પનો ઉતાવળિયો ઉપયોગ નહિ કરવા જણાવ્યું છે. શ્રી મોદીને આપણને જેની ખરેખર જરુર છે અને જે માટે હકદાર છીએ તેવી સમસ્યાનું નિરાકરણ લાવવા થોડાં વધુ સપ્તાહનો સમય આપવો જોઈએ.
શ્રી મોદી સંભવતઃ આગામી દિવાળી સુધીમાં યુકેની મુલાકાતે આવે તેવા એંધાણ છે. તેમનું સમયપત્રક અતિ વ્યસ્ત છે અને ભારતના સમગ્રતયા વિકાસ માટે તેઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તેઓ ભારત સાથેના સારા સંબંધો માટે સંવેદનશીલ વડા પ્રધાન કેમરનના નેતૃત્વ હેઠળની બ્રિટિશ સરકાર સાથે સુગઠિત માળખાકીય સંબંધોનું મહત્ત્વ સારી રીતે જાણે છે. આ ઉપરાંત, શ્રી મોદી ટ્રેન સળગાવી દેવાની ગોધરા કરુણાંતિકા પછીના તેમના સૌથી મુશ્કેલ દિવસોમાં તેમનો સાથ આપનારા સમર્થકોમાં યુકેસ્થિત ઘણાં મિત્રો અને પ્રશંસકોને પણ ફરી મળી શકે છે.
હું અમારા વાચકો અને સમર્થકોને શ્રી મોદીને થોડો વધુ સમય આપવાની તેમજ આ સમસ્યા પરત્વે નિર્ણયમાં બિનજરુરી વિલંબ નહિ કરવા વડા પ્રધાન મોદીને વિનંતી કરું છું.
આ સિવાય અન્ય એક શક્યતા પણ છે. ટ્રાવેલ બિઝનેસ સાથે સંકળાયેલી ઘણી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે પણ મારી વાતચીત થઈ છે. ભારત સરકાર અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય પરવાનગી આપે તો લંડનસ્થિત બિઝનેસ ગ્રૂપ અમદાવાદ અને લંડન વચ્ચે ઓછામાં ઓછાં એક વર્ષ સુધી ડાયરેક્ટ ચાર્ટર ફ્લાઈટ માટે ભંડોળ ફાળવવા તૈયાર છે. આ માટે ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને વિશાળ અનુભવ ધરાવતા અને સફળ બિઝનેસમેનના વડપણ હેઠળના લંડન બિઝનેસ ગ્રૂપ વચ્ચે આવશ્યક અને કાનૂની દસ્તાવેજો કરવાના રહેશે.
આ પાછળ સીધો અને સાદો તર્ક છે. પ્રવાસીઓની સંખ્યા વિશે ગર્ભિત ક્ષમતા તો છે જ અને થોડાં મહિના સુધી એક ફ્લાઈટ શરુ થાય તો સમયાંતરે વધુ ડાયરેક્ટ ફ્લાઈટ્સ શરુ કરવા માટેની યોગ્યતા પુરવાર થશે. લંડનસ્થિત બિઝનેસ ગ્રૂપ અમદાવાદ સુધી ચાર્ટર્ડ ફ્લાઈટ્સની જવાબદારી લેવા તૈયાર જ છે. વડા પ્રધાન મોદી, તેમના પ્રધાનો અને અધિકારીઓએ આવા વિકલ્પની વિચારણા પણ કરવી જોઈએ.
આ સમસ્યા માટે આદર્શ ઉકેલ તો એ જ છે કે એર ઈન્ડિયાએ શક્યતા ચકાસી જોવા સપ્તાહમાં ઓછામાં ઓછી એક ફ્લાઈટ સાથે શુભારંભ કરવો જોઈએ.