અદાણી ગ્રૂપના શેરનું ‘ક્રેશ લેન્ડીંગ’

Wednesday 16th June 2021 03:28 EDT
 
 

અમદાવાદ: ભારતમાં ગેસ ડિસ્ટ્રીબ્યુશનથી માંડીને પાવર જનરેશન અને સી-પોર્ટથી માંડીને ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરવા સહિત અનેકવિધ ક્ષેત્રે સફળતાના શીખરો સર કરી રહેલા ટોચના કોર્પોરેટ હાઉસ અદાણી જૂથના શેરોમાં સોમવારે કડાકો બોલી ગયો હતો. નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ)એ અદાણી ગ્રૂપની કંપનીઓમાં મૂડીરોકાણ કરનારા ત્રણ વિદેશી ફંડના ખાતા ફ્રીઝ કર્યાના સમાચાર આવતા જ ગ્રૂપની તમામ કંપનીના શેરોમાં વેચવાલી નીકળી પડી હતી.
નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ) દ્વારા અદાણી જૂથની ૬ કંપનીમાં ૩ વિદેશી ફંડ દ્વારા તેમની કુલ મૂડીમાંથી ૯૫ ટકાથી વધારે રકમ એટલે કે ૪૩,૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું હતું અને આ ત્રણેય વિદેશી ફંડને ફ્રીઝ કરાયા હતા.
આ અહેવાલોને પગલે અદાણી જૂથના શેર્સમાં એક તબક્કે રૂ.૧.૦૩ લાખ કરોડ સુધીનું ધોવાણ થયું હતું. ગ્રૂપના વિવિધ શેર ૨૫ ટકા તૂટ્યા હતા. ત્રણે વિદેશી ફંડ મોરેશિયસ સ્થિત છે. જોકે અદાણી જૂથે ત્રણે ફંડ ફ્રીઝ કરાયાના અહેવાલોને તદ્દન ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા હતા. એનએસડીએલ દ્વારા ત્રણ વિદેશી ફંડ - અલ્બુલા, ક્રેસ્ટા અને એપીએસએસના ખાતા ફ્રીઝ કરાયાં હતાં. આ ત્રણ ફંડે ૪૩,૫૦૦ કરોડનું અદાણી ગ્રૂપમાં રોકાણ કર્યું છે. નવા નિયમ મુજબ માહિતીના અભાવે ખાતા ફ્રીઝ કરાયા હતા.
જીડીઆઇર એકાઉન્ટ ફ્રીજ થયાંઃ અદાણી
અદાણી જૂથે એવો દાવો કર્યો હતો કે એનએસડીએલ દ્વારા ૩ વિદેશી ફંડોના ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો નહીં, પણ ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ (જીડીઆર) એકાઉન્ટ ફ્રીઝ કરાયા છે. ગેરસમજના કારણે ગભરાટનું વાતાવરણ સર્જાયું છે.
નેટવર્થ ૩૯ હજાર કરોડ રૂપિયા ઘટી
અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરનારા વિદેશી રોકાણકારોના ખાતા ફ્રીઝ થવાના સમાચારથી ગૌતમ અદાણીની પ્રતિષ્ઠાને ઝટકો લાગ્યો છે. ફોર્બ્સના વિશ્વના અમીરોના લિસ્ટ અનુસાર, શેરમાં ઘટાડાથી ગૌતમ અદાણીની નેટવર્થમાં ૫.૪ બિલિયન ડોલર લગભગ ૩૯ હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
આ ઘટાડા પછી ગૌતમ અદાણી ફોર્બ્સ લિસ્ટમાં સૌથી વધુ અમીરોમાં ૧૬માં સ્થાને પહોંચી ગયા છે.
પત્રકારની ટ્વિટ પછી શેરમાં કડાકો
પત્રકાર સુચેતા દલાલે નામ લીધા વિના પોસ્ટ કરેલી ટ્વિટમાં એક સમૂહ દ્વારા શેરના ભાવમાં ઉછાળો આવે એ માટે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો સંકેત આપ્યો હતો. ટ્વિટમાં દલાલે સેબીની ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ માનવામાં આવે નહીં એવું ‘સ્કેન્ડલ’ આચરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ જ મહિલા પત્રકારે હર્ષદ મહેતાનું કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું. અને તેના પુસ્તકના આધારે જ વેબસિરિઝ ‘સ્કેમ ૧૯૯૨’ બની હતી.
ટ્વિટર પર કેટલાક લોકો અદાણી જૂથનાં શેરમાં કડાકા માટે જાણીતાં પત્રકાર સુચેતા દલાલના એક ટ્વિટને જવાબદાર ઠેરવી રહ્યા છે.
સુચેતા દલાલે ૧૨ જૂન એટલે કે શનિવારે સવારે આ ટ્વિટ કર્યું હતું, જોકે તેમના ટ્વિટમાં કોઈ કંપની કે જૂથના નામનો ઉલ્લેખ કર્યો નહોતો. આ ઘટનાક્રમ પહેલાં સુધી સ્થિતિ સાવ જુદી હતી, અદાણી જૂથના શેરની કિંમતોમાં વધારો થઈ રહ્યો હતો અને તેઓ મુકેશ અંબાણીને પાછળ છોડી દેશે કે કેમ, તેની પણ ચર્ચા થઈ રહી હતી.
એક કલાકમાં રૂ. ૭૩ હજાર કરોડ ધોવાઈ ગયા
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે સોમવારનો દિવસ મોટો આર્થિક કડાકો લઈને આવ્યો, અદાણી જૂથના માર્કેટ કેપિટલાઇઝેશનમાં ૧૫ બિલિયન ડોલર એટલે કે એક લાખ કરોડ કરતાં વધારે રૂપિયાનો ઘટાડો થયો હતો. આ એવા વખતે થયું છે, જ્યારે છેલ્લા છ મહિનાથી અદાણી જૂથના શેર સર્વોચ્ચ સપાટીના નવા વિક્રમો સર્જી રહ્યાં હતાં. સાથે જ ગૌતમ અદાણી એશિયાની બીજા ક્રમની સૌથી ધનિક વ્યક્તિ બની ગયા હતા.
બ્લુમબર્ગ ઇન્ડેક્સ પ્રમાણે ૧૧ જૂને ગૌતમ અદાણીની સંપત્તિ ૭૭ બિલિયન ડોલર હતી પણ સોમવારે સવારે આ ચિત્ર બદલાઈ ગયું.
ધ ઇકોનોમિક ટાઇમ્સ લખે છે કે સોમવારે બજાર ખૂલ્યાના એક જ કલાકમાં ગૌતમ અદાણીના ૧૦ બિલિયન ડોલર એટલે કે ૭૩ હજાર કરોડ રૂપિયા ધોવાઈ ગયા હતા.
સોમવારે અદાણી જૂથની અદાણી એન્ટપ્રાઇઝ સહિત બધી કંપનીઓનાં શેરમાં કડાકો નોંધાયો હતો. સૌથી વધુ કડાકો અદાણી એન્ટપ્રાઇઝનાં શેરમાં ૨૦ ટકાનો આવ્યો હતો. જોકે આ બધા શેરોમાં મંગળવારે સુધારો પણ નોંધાયો હતો.
અખબારી અહેવાલો પ્રમાણે નેશનલ સિક્યોરિટીસ ડિપોઝિટરી લિમિટેડ એટલે કે એનએસડીએસ દ્વારા અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ કરનાર ત્રણ વિદેશી મૂડી કંપનીઓનાં એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાયા છે, જોકે આ વાતને અદાણી જૂથ નકારી કાઢે છે.
અદાણી જૂથે નિવેદન જારી કરીને કહ્યું છે કે આ અહેવાલો ખોટા છે અને એના કારણે મોટું આર્થિક નુકસાન થયું છે. જોકે આ સમાચાર બહાર આવ્યા બાદ શૅરમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો.
બિઝનેસ ઇન્સાઇડર અનુસાર એક અઠવાડિયામાં અદાણી પાવરના શેરમાં ૫૯ ટકાનો વધારો નોંધાયો હતો. પાછલાં વર્ષની સરખાણીમાં અદાણી પાવરના શેરના ભાવ ૨૮૫ ટકાથી વધુ વધ્યા છે.
અહેવાલ અનુસાર જો વ્યક્તિએ એક વર્ષ પહેલાં અદાણી પાવરમાં ૫ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેનો મૂલ્ય ૧૯ લાખ રૂપિયાથી વધુ હશે.

અદાણીના શેર કેમ વધી રહ્યા હતા?

મિન્ટના અહેવાલ અનુસાર અદાણી પાવરના શેર વધવા પાછળ બે મુખ્ય કારણ હતા:
પુનઃ પ્રાપ્ય ઊર્જામાં કંપની મોટાપાયે રોકાણ કરી રહી છે, જેના કારણે રોકાણકારો કંપનીમાં રસ દાખવી રહ્યા હતા. બીજું કે રાજસ્થાન અને મહારાષ્ટ્રની સરકારો દ્વારા કંપનીને બાકી લેણાં ચૂકવવામાં આવ્યાં હતાં.
જીસીએસ સિક્યોરિટીના વાઇસ-ચૅરમૅન રવિ સિંઘલને ટાંકતાં અહેવાલ જણાવે છે કે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો થતા લોકો ગ્રીન ઍનર્જી તરફ વળી રહ્યા છે.

તેમનું કહેવું છે કે કંપનીએ ગ્રીન એનર્જીમાં રોકાણ કર્યું છે, જેના કારણે ઇન્વેસ્ટરો કંપનીમાં રોકાણ કરી રહ્યા છે. બીજું કારણ છે કે કંપનીના નફામાં પણ વધારો થયો છે.
આ અગાઉ બીજી જૂને અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં ઉછાળો નોંધાયો હતો એટલું જ નહીં પણ તેની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી નોંધાઈ હતી. અદાણી એન્ટરપ્રાઇઝએ અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની છે, એથી આ ઉછાળાને વિશ્લેષકો અદાણી ગ્રૂપ માટે મહત્ત્વનો ગણે છે.

ગૌતમ અદાણી શું મુકેશ અંબાણીને ટક્કર આપી શકશે?

વર્ષ ૨૦૨૧ અદાણી ગ્રૂપ માટે સારું રહ્યું છે અને મે ૨૦૨૧માં ગૌતમ અદાણી એશિયાની સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં મુકેશ અંબાણી બાદ બીજા ક્રમે આવી ગયા હતા. ચીનના ઉદ્યોગપતિ ઝોંગ શાંશાંને પાછળ પાડ્યા બાદ અદાણી વિશ્વની ૧૪મા ક્રમની સૌથી અમીર વ્યક્તિ બની ગયા, જ્યારે આ યાદીમાં મુકેશી અંબાણી ૧૩મા ક્રમે હતા.
એ વખતે ગૌતમ અદાણીની સંપત્તિ ૬૯ બિલિયન ડોલર હતી, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ ૭૭ બિલિયન ડોલર હતી. અદાણીની સંપત્તિનો ઉછાળો તેમના જૂથની લિસ્ટેડ કંપનીઓના શેરોના ભાવમાં આવેલા ઉછાળાને આભારી છે.
બ્લૂમબર્ગ ઇન્ડેક્સ પ્રમાણે ૨ જૂન ૨૦૨૧ના રોજ મુકેશ અંબાણીની સંપત્તિ ૮૩.૨ બિલિયન ડોલર છે, જ્યારે ગૌતમ અદાણીની સંપત્તિ ૭૧.૭ બિલિયન ડોલર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter