દુબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએઇ મુલાકાતે બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં નવું સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. અબુ ધાબીમાં સાકાર થયેલા પશ્ચિમ એશિયાના સૌથી મોટા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવા માટે બે દિવસના યુએઇ પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન મોદીએ મંગળવારે ભારતીયોને સંબોધતા કહ્યું હતું કે આપ સહુએ નવો ઇતિહાસ રચ્યો છે, અહીંની દરેક ધડકન કહે છે કે ભારત-યુએઇ મિત્રતા અમર રહે.
સાતમી વખત યુએઇ પ્રવાસે પહોંચેલા મોદીનું અહીંના ભારતીય સમુદાયને આ પહેલું જાહેર સંબોધન હતું. 65 હજારથી વધુ ભારતીયથી ખીચોખીચ ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં યોજાયેલા ‘અહલાન મોદી’ (હેલો મોદી) કાયક્રમને સંબોધતાં તેમણે કહ્યું હતું કે યુએઇ ભારતનું ત્રીજું સૌથી મોટું બિઝનેસ પાર્ટનર દેશ છે. આજેય અમારી વચ્ચે થયેલા કરારો આ પ્રતિબદ્ધતા આગળ ધપાવી રહ્યા છે.
મંગળવારે અબુ ધાબી પહોંચેલા મોદીને એરપોર્ટ પર યુએઇના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાને ગળે લગાવી આવકાર્યા હતા. બન્ને નેતાઓએ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઇનું ઉદ્ઘાટન કર્યું હતું તો દ્વિપક્ષીય રોકાણ સંધિ સહિત અનેક કરારો પર હસ્તાક્ષર કરાયા હતા. વડાપ્રધાન મોદીએ અબુ ધાબીમાં હિંદુ મંદિરના નિર્માણ માટે જમીન ઉપલબ્ધ કરાવવામાં સહકાર આપવા બદલ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનો વિશેષ આભાર માન્યો હતો.
‘મંદિર પ્રસ્તાવને મંજૂરી માટે આભાર’
મોદીએ કહ્યું, 2015માં, તમારા બધા વતી મેં અહીં મંદિરનો પ્રસ્તાવ મૂક્યો હતો, તો એક પળેય વિચાર્યા વગર તેમણે હા પાડી. હવે અબુ ધાબીમાં બીએપીએસના ભવ્ય દિવ્ય મંદિરના ઉદ્ઘાટનનો દિવસ આવી ગયો છે. ભારત-યુએઇ મિત્રતા જમીનથી લઈને અંતરીક્ષ સુધી છે. ભારત વતી હું યુએઈના પ્રથમ અવકાશયાત્રીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અભિનંદન પાઠવું છું. ભારત-યુએઇ એકબીજાની પ્રગતિમાં ભાગીદાર છે. અમારો સંબંધ નવીનતા, રોકાણ અને સંસ્કૃતિનો છે.
(અબુ ધાબી બીએપીએસ મંદિરનો વિશેષ અહેવાલ વાંચો પાનઃ 26 - 27 - 29)