નવી દિલ્હીઃ ભારત અને જપાને દ્વિપક્ષીય સંબંધોને નવા આયામ આપતાં શનિવારે ગુજરાતના અમદાવાદ અને મહારાષ્ટ્રના મુંબઇ વચ્ચે રૂ. ૯૮,૦૦૦ કરોડના ખર્ચે તૈયાર થનારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સહિત પરમાણુ ઉર્જા, પરિવહન અને સંરક્ષણ જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં સંખ્યાબંધ કરારો કર્યાં છે.
ભારતના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન જપાનના વડા પ્રધાન શિન્જો આબેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિને બુલેટ ટ્રેન સાથે સરખાવી હતી. જ્યારે મોદીએ જપાનને ભારતનું શ્રેષ્ઠ મિત્ર ગણાવ્યું હતું.
સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. જેમાં બંને નેતાઓ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા સહિતના આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મંત્રણા દરમિયાન બંને નેતાઓ દ્વારા વ્યૂહાત્મક કરારો કરાયાં હતાં.
સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારતના આર્થિક સ્વપ્નોને જપાન સિવાય અન્ય કોઇ મિત્ર સમજી શકે તેમ નથી. શિન્જો આબે મારા અંગત મિત્ર અને ભારત-જપાન સંબંધોના હિતેચ્છુ છે.
શનિવારે થયેલા કરારોનો ઉલ્લેખ કરતાં ઝડપ અને સુરક્ષા માટે જાણીતી શિન્કાન્સેન દ્વારા અમદાવાદ-મુંબઇ વચ્ચે હાઇ સ્પીડ ટ્રેન દોડાવવાનો નિર્ણય ઓછો ઐતિહાસિક નથી. જપાન આ યોજના માટે ટેક્નિકલ સહાય ઉપરાંત પ્રોજેક્ટ ખર્ચના ૮૧ ટકા રકમ ૧ ટકા કરતાં ઓછા વ્યાજની લોન તરીકે ભારતને આપશે. આ લોન ભારતે ૫૦ વર્ષમાં ચૂકવવાની રહેશે.
મોદીએ કહ્યું હતું કે નાગરિક પરમાણુ ઊર્જા પર ભારત-જપાન વચ્ચે થયેલો કરાર વાણિજ્ય અને ક્લીન એનર્જી માટે ફક્ત એક કરાર કરતાં પણ વધુ છે. શાંતિપૂર્ણ અને સુરક્ષિત વિશ્વ માટે પરસ્પરના વિશ્વાસ અને વ્યૂહાત્મક ભાગીદારીના નવા સ્તરનું ઝળહળતું પ્રતીક છે.
અમદાવાદ- મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ
• ૫૦૫ કિમી લાંબો રેલવે રૂટ • ૮ કલાક અત્યારે પહોંચવામાં લાગતો સમય • ૩૦૦ કિમી પ્રતિ કલાકે દોડશે ટ્રેન • ૩ કલાકમાં અમદાવાદથી મુંબઇ
• રૂ. ૯૮,૦૦૦ કરોડ અંદાજિત ખર્ચ • ૮૧ ટકા ખર્ચ જાપાન સરકાર ઉઠાવશે • ૧ ટકા કરતાં ઓછા વ્યાજે ભારતને લોન
• સમગ્ર રૂટ પર ૧૧ ટનલમાંથી પસાર થશે બુલેટ ટ્રેન
•••
ઇન્ડિયા-જાપાન વિઝન ૨૦૨૫
• ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં શાંતિ માટે બંને દેશો પ્રતિબદ્ધ • સુરક્ષા, સ્થિરતા અને વિકાસ સામેના પડકારો સામે સાથે મળીને લડીશું
• પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ માટે સહકાર સધાશે • ક્યોટો અને વારાણસી વચ્ચેની ભાગીદારી સંબંધોનું મજબૂત પ્રતીક
• મેરિટાઇમ કોમર્સમાં સ્વતંત્રતા માટે બંને દેશો પ્રતિબદ્ધ
• આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન થશે • APECમાં સભ્યપદ માટે ભારતને જપાનનું સમર્થન • આતંકવાદ, ક્લાઇમેટ ચેન્જ અને આર્થિક પડકારો સામે સહકાર • ઇસ્ટ એશિયા સમિટમાં ભારત-જાપાન સાથે મળીને કામ કરશે
•••