લંડનઃ એશિઝ સીરિઝનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટચાહકોમાં ધીમે ધીમે ઉત્તેજના પણ વધી રહી છે. સીરિઝના પ્રારંભ પૂર્વે એક યા બીજા પ્રકારે ખેલાડીઓ દ્વારા સ્લેજિંગ પણ થતું હોય છે, પરંતુ આ વખતે આવું શાબ્દિક યુદ્ધ ખેલાશે નહીં થાય તેવું અત્યારે તો લાગે છે. સીરિઝ રમવા માટે ઈંગ્લેન્ડ આવી પહોંચેલી ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન માઇકલ ક્લાર્કે ભારપૂર્વક જણાવ્યું હતું કે મેં કે કોચ ડેરેન લેહમેને ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરને યજમાન ટીમ સામે સ્લેજિંગ કરવા માટે ક્યારેય સુચના આપી નથી.
વોર્નરે તાજેતરમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં હું એક એવો ખેલાડી હતો જેને મેદાનમાં જઇને અમુક પ્રકારનો ગેમપ્લાન અમલમાં મુકવાનો આદેશ અપાયો હતો. જોકે ક્લાર્કે સ્પષ્ટતા કરી હતી કે મેં ક્યારેય ખેલાડીઓને સ્લેજિંગ કરવાનું કહ્યું નથી. મેં હંમેશા એવો આગ્રહ રાખ્યો છે કે ખેલાડીઓ પોતાને અનુરૂપ હોય તેવા જ વાતાવરણને પસંદ કરે. અલબત્ત, હું ઇંગ્લેન્ડમાં રમવા આવું છું ત્યારે વધારે પડતા અખબારો વાંચતો નથી.’
ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઠમી જુલાઇથી કાર્ડિફ ખાતે એશિઝ શ્રેણીનો પ્રારંભ થશે. સીરિઝ પહેલાંની પત્રકાર પરિષદમાં ક્લાર્કે જણાવ્યું હતું કે વોર્નરે શું કહ્યું છે તે મેં સાંભળ્યું નથી, પરંતુ એક બાબત ચોક્કસ છે કે કેપ્ટન તરીકે હું ખાતરી આપું છું કે મેં ક્યારેય તેને મેદાનમાં જઇને હરીફ ટીમ સામે સ્લેજિંગ કરવાનું કહ્યું નથી. જો વાર્નરેને તેનો અભિગમ બદલવો હોય તો હું ચોક્કસપણે તેને સમર્થન આપીશ. તે ૨૮ વર્ષનો પરિપક્વ યુવાન છે અને તે શું કરે છે તેનો તેને ખ્યાલ છે. તે ટીમનો મુખ્ય સભ્ય છે અને છેલ્લા ૧૨ વર્ષમાં તે રમતના ત્રણેય ફોર્મેટમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી રહ્યો છે.