યુનાઇટેડ નેશન્સઃ જમ્મુ-કાશ્મીરના ઉરીમાં લશ્કરી છાવણી પર આતંકવાદી હુમલો થયા બાદ કાશ્મીરની લડાઇને યુનાઇટેડ નેશન્સ (યુએન)ના મંચ પર લઇ ગયેલા પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. સોમવારે યુએનની જનરલ એસેમ્લીને સંબોધતાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે કહ્યું હતું કાચના ઘરમાં રહેનારા લોકોએ બીજા પર પથ્થર ફેંકવો જોઇએ નહીં.
૧૮ મિનિટના સંબોધનમાં સુષમા સ્વરાજે વડા પ્રધાન નવાઝ શરીફે ગયા સપ્તાહે પોતાના સંબોધનમાં કરેલા આક્ષેપોનો મુદ્દાસર જવાબ આપતાં કહ્યું હતું કે ભારતે એકથી વધુ વખત પાકિસ્તાન સમક્ષ મિત્રતાનો હાથ લંબાવ્યો છે, પરંતુ બદલામાં ભારતને શું મળ્યું છે? ઉરી અને પઠાણકોટ જેવા આતંકી હુમલા. પાકિસ્તાન એવી કલ્પનામાં રાચે છે કે આ પ્રકારના હુમલાઓ દ્વારા તે કાશ્મીર કબ્જે કરી શકશે, પરંતુ સલાહ છે કે પાકિસ્તાન કાશ્મીરનું સ્વપ્ન છોડી દે. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે, અને રહેશે તેમાં મીનમેખ નથી.
સુષમા સ્વરાજે જણાવ્યું હતું કે ભારતીય સુરક્ષા દળો દ્વારા જીવતો ઝડપી લેવાયેલો આતંકવાદી બહાદુર અલી પાકિસ્તાનની સરહદ પારના આતંકવાદમાં સંડોવણીનો જીવતોજાગતો પુરાવો છે. પાકિસ્તાનને આ પ્રકારના પુરાવા આપવામાં આવે છે ત્યારે તે ઇનકાર કરી દે છે. તે એવી ધારણામાં રાચે છે કે, આ પ્રકારના હુમલા દ્વારા તે કાશ્મીર મેળવી શકશે. પરંતુ મારી સ્પષ્ટ સલાહ છે કે, પાકિસ્તાન કાશ્મીરનું સ્વપ્ન ત્યજી દે. જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક હિસ્સો છે અને હંમેશા રહેશે. જો પાકિસ્તાન એમ માનતો હોય કે તે ઉશ્કેરણીજનક નિવેદનો દ્વારા ભારતનો એક હિસ્સો આંચકી લેશે તો તેણે સમજી લેવું જોઇએ કે તેમાં ક્યારેય સફળતા મળશે નહીં. રવિવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ જણાવ્યું હતું કે કાશ્મીર ભારતમાં અભિન્ન હિસ્સો છે પાકિસ્તાન કાશ્મીરના સ્વપ્ન જોવાનું બંધ કરી દે. સુષમાએ આતંકવાદને ઘણાં હાથવાળો રાક્ષસ ગણાવ્યો હતો.
ભારત મંત્રણા માટે શરતો લાદી રહ્યો હોવાના પાકિસ્તાનના આક્ષેપ સંદર્ભે સ્વરાજે કહ્યું હતું કે અમે દ્વિપક્ષીય મંત્રણા માટે ક્યારેય કોઇ પણ પ્રકારની શરતો રાખી જ નથી. વડા પ્રધાન મોદી લાહોર ગયા હતા, પરંતુ તેની સાથે કોઇ શરત નહોતી. આ પૂર્વે દિલ્હીમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં નવાઝ શરીફને આમંત્રણ મોકલાયું હતું તે પણ બિનશરતી હતું. શરીફે યુએનમાં આરોપ મૂક્યો હતો કે પાકિસ્તાન શાંતિપૂર્ણ સંબંધો ઇચ્છે છે, પણ ભારત અસ્વીકાર્ય શરતો મૂકી દે છે. ભારત કાશ્મીરમાં માનવ અધિકારોનો ભંગ કરી રહ્યું છે.
સુષમા સ્વરાજે ઉરી અને પઠાણકોટમાં આતંકી હુમલો, કાશ્મીર, આતંકવાદ, બલુચિસ્તાન જેવા મુદ્દે પાકિસ્તાન પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા.
બલુચિસ્તાનમાં અત્યાચાર જૂઓ
સ્વરાજે શરીફના ભાષણને ધ્યાનમાં રાખીને પ્રહારો કરતા કહ્યું હતું કે પાકિસ્તાન ભારત પર કાશ્મીરમાં માનવ અધિકારોના ઉલ્લંઘનનો આરોપ મૂકે છે, પણ તેમના જાતમાં ડોકિયું કરવું જોઇએ. બલુચિસ્તાનમાં માનવ અધિકારોના ભંગનું અત્યંત વરવું સ્વરૂપ જોવા મળી રહ્યું છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પાકિસ્તાન હજુયે આતંકવાદની જ ભાષા બોલે છે, આતંકવાદ ફેલાવે છે અને આતંકવાદીઓને શરણ આપે છે. પાકિસ્તાન યાદ રાખે કે કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે, અને રહેશે. પાકિસ્તાને ઉછેરેલા નાના આતંકવાદી સંગઠનો આજે મોટા રાક્ષસ બની ગયા
છે, જે આખા વિશ્વને ભારે પડી રહ્યા છે.
આતંકવાદની વાત યાદ કરતી વખતે સુષમા સ્વરાજે મુંબઇ હુમલાને પણ યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે યુએન દ્વારા જાહેર કરાયેલા આતંકવાદીઓ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી શકે છે. મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ અને જમાત ઉદ્ દાવાનો વડો હાફિઝ સઇદ તેમાંનો એક છે. તેઓ પાકિસ્તાનમાં સતત નફરતભર્યા નફરતભર્યા ભાષણો આપે છે. પાકિસ્તાન દ્વારા ફેલા આતંકવાદ જ સૌથી મોટો માનવાધિકાર ભંગ છે. પાકિસ્તાન ભારતની મિત્રતા અને બંધુત્વનો ગેરલાભ ઉઠાવી રહ્યું છે. પાકિસ્તાને તાલીમ આપીને તૈયાર કરેલો આતંકવાદી બહાદુર અલી ભારતની જેલમાં છે, આ પ્રકારના દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ પાડી દેવાની જરૂર છે.
સુષમા સ્વરાજે આંતરરાષ્ટ્રીય સમાજને પણ આતંકવાદ સામે એકસંપ થવા અપીલ કરતા કહ્યું હતું કે આપણે આતંકવાદ માટે સારા અને ખરાબ એવા ભેદ પાડીશું તો તેની સામે ક્યારેય જીતી નહીં શકીએ.
પાકિસ્તાન ત્રાસવાદી દેશ છે
પાક. વડા પ્રધાન શરીફે યુએનમાં કરેલા ભાષણનો જવાબ આપતા પાકિસ્તાનને ત્રાસવાદી દેશ ગણાવ્યો હતો. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ અને ફર્સ્ટ સેક્રેટરી એનામ ગંભીરે ૨૩ સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે પાકિસ્તાન ત્રાસવાદનો પોષક અને પ્રોત્સાહક દેશ છે, ત્યાં લોકશાહીનાં લીરેલીરાં ઊડાડવામાં આવે છે. પોતાની પ્રજા પર જ અત્યાચારો ગુજારવામાં આવે છે, તે વોર-ક્રિમિનલ છે. ગંભીરે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા જ માનવ અધિકારનો સતત ભંગ કરાઇ રહ્યો છે ત્યારે તે બીજા દેશો પર માનવ અધિકારના ભંગના આક્ષેપો કરી રહ્યો છે. પાકિસ્તાનના આક્ષેપોને નર્યું જુઠ્ઠાણું ગણાવતાં એનામ ગંભીરે કહ્યું હતું કે અમારો દેશ અને અન્ય પાડોશી દેશો લાંબા સમયથી પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદનો સામનો કરી રહ્યા છે. જેના માઠાં પરિણામો સમગ્ર ભારતીય ઉપખંડ ભોગવી રહ્યો છે.
•••
લોહી અને પાણી એક સાથે વહી શકે નહીં: મોદી
નવી દિલ્હીઃ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરના સરહદી ક્ષેત્ર ઉરીમાં કરાયેલા હુમલા બાદ બંને દેશો વચ્ચે ભારે તણાવ પ્રવર્તી રહ્યો છે. આ માહોલ વચ્ચે સોમવારે સતત ત્રીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને આકરો સંદેશો પાઠવ્યો છે. પાકિસ્તાન સાથે ૧૯૬૦માં કરાયેલી સિંધુ જળ સંધિ પરની ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડા પ્રધાને એવી લાગણી વ્યક્ત કરી હતી કે લોહી અને પાણી એક સાથે વહી શકે નહીં.
આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત ડોભાલ, વિદેશ સચિવ એસ. જયશંકર, જળસંસાધન સચિવ અને વડા પ્રધાન કાર્યાલયના પ્રિન્સિપલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રા હાજર રહ્યાં હતાં. વડા પ્રધાને આ બેઠકમાં સિંધુ જળ સંધિ અંગે કાયદાકીય, રાજકીય અને સામાજિક પાસાઓની જાણકારી પ્રાપ્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીનો મહત્તમ જળ પુરવઠો વાપરવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકાર આ ત્રણેય નદીઓના પાણી જમ્મુ-કાશ્મીરના ખેડૂતોના લાભ માટે વાપરવાની યોજના બનાવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પાણીનો સંગ્રહ કરીને સિંચાઇ વિસ્તાર વધારવામાં આવશે. જેના દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ૬ લાખ હેક્ટર જમીનમાં સિંચાઇ થઇ શકશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તી રહેલા તણાવ વચ્ચે સિંધુ જળ સંધિ પરની ચર્ચા અત્યંત મહત્ત્વની મનાય છે. પાકિસ્તાન પર દબાણ સર્જવા આ સંધિ રદ કરવા ભારત સરકાર પર સતત દબાણ સર્જાઇ રહ્યું છે.