લંડન
યુગાન્ડાથી ઇદી અમીનના ત્રાસમાંથી બચીને બ્રિટન આવેલા ભારતીયો સહિતના એશિયનોને અહીં પણ રૂઢિચુસ્તો અને વંશીય ભેદભાવગ્રસ્ત લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. યુગાન્ડા ત્રાસદિના 50 વર્ષ થવા આવ્યા છે ત્યારે પોતાના સ્મરણો તાજા કરતાં નિશા પોપટ કહે છે કે તે સમયે હું 9 વર્ષની હતી. અચાનક જ યુવાનોના એક ટોળાએ અમારા પર હુમલો કરી દીધો હતો. તેમણે જમીન પરથી દંડા ઉઠાવ્યા હતા અને લોકોને, બાળકો સાથેના પરિવારોને મારવા લાગ્યા હતા. આ એક ભયાનક સ્થિતિ હતી અને મારા ભાઇએ મારો હાથ પકડ્યો અને અમે ગાંડાની જેમ બચવા માટે દોડવા લાગ્યા હતા. અમે ઘણા ભયભીત થઇ ગયાં હતાં અને મને ઘાયલોની ચિંતા થતી હતી.
ઇદી અમીનના ફતવા બાદ નિશા પોપટ તેમની 3 મોટી બહેન અને એક નાના ભાઇ સાથે જિન્જાથી લેસ્ટર આવી પહોચ્યા હતા. ચાર સપ્તાહ બાદ તેમના માતા પિતા બ્રિટન પહોંચ્યા હતા. જિન્જા અને લેસ્ટરની જિંદગીમાં ઘણો મોટો તફાવત હતો. જિન્જામાં તેઓ આંબાના ઝાડ પર ચડીને કેરીઓ તોડી શક્તાં હતાં પરંતુ લેસ્ટરમાં વિચિત્ર અને ઠઁડુ વાતાવરણ હતું. અહીં મકાનો પણ અલગ હતાં. ઓક્ટોબર મહિનાની કાતિલ ઠઁડીનો પ્રારંભ થઇ ચૂક્યો હતો.
નિશા પોપટ કહે છે કે તે સમયે મને જરાપણ અંદાજ નહોતો કે હવે આખી જિંદગી અહીં વીતાવવાની છે. મારી માતા એમ કહેતા હતા કે તમે વેકેશન ગાળવા જઇ રહ્યા છો. લેસ્ટરની કાઉન્સિલે ચેતવણી આપી હોવા છતાં હજારો ભારતીયો લેસ્ટરમાં આવીને વસ્યા હતા. હું જોઇ શક્તી હતી કે હું અલગ છું. મને અંગ્રેજી આવડતું હતું પરંતુ લોકો મારી સામે વિચિત્ર રીતે જોતાં હતાં. મેં શાળામાં જવાનું શરૂ કર્યું ત્યાં પણ મારી સાથે વંશીય ભેદભાવ થતો હતો. સહાધ્યાયીઓ મારી વિરુદ્ધ વંશીય ટિપ્પણીઓ કરતાં અને મારામાંથી કરીની ગંધ આવતી હોવાની ટીકા કરતાં. આ બધી બાબતો મને ઘણી વિચલિત કરતી કારણ કે એક બાળક તરીકે તમને સમજ હોતી નથી કે આ બધુ શું ચાલી રહ્યું છે. બેલગ્રેવમાં યોજાયેલા ફનફેરમાં જોયેલી હિંસક ઘટના મારા માનસપટ પર હંમેશ માટે ચિતરાઇ ગઇ હતી.
પોપટ કહે છે કે લેસ્ટરમાં પહેલેથી એશિયન સમુદાય રહેતો હતો પરંતુ યુગાન્ડન એશિયનોના આવ્યા પછી સ્થિતિ બદલાઇ ગઇ હતી. નિશા પોપટ આ સમરમાં પહેલીવાર પોતાની દીકરીઓ સાથે યુગાન્ડાની મુલાકાત લેવા જઇ રહ્યાં છે. લેસ્ટરમાં આયોજિત રિબિલ્ડિંગ લાઇવ્ઝ – 50 યર્સ ઓફ યુગાન્ડન એશિયન્સ ઇન લેસ્ટર પ્રદર્શનના તેઓ પ્રોજેક્ટ ડિરેક્ટર છે.