કીવ-ખારકીવ: યૂક્રેન પર રશિયાના હુમલાના ૧૧મા દિવસે પણ રાજધાની કીવ અને ખારકીવના બહારના વિસ્તારોમાં સંઘર્ષ યથાવત્ છે. નાગરિકોના માર્ગો પર ઉતરવાથી રશિયન સૈનિકોની જમીની કાર્યવાહી આગળ ન વધી શકી. જોકે સૈન્ય સ્થાનો પર હુમલા ચાલુ રખાયા. યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકી પ્રમુખ જો બાઈડેન સાથે વાતચીત કરી. આ સમયે બાઈડેને ઝેલેન્સ્કીને શસ્ત્રો અને ફંડ આપવાનો વાયદો કર્યો.
બીજી બાજુ ટેસ્લાના માલિક ઈલોન મસ્કે યૂક્રેન માટે નવા સેટેલાઈટ ટર્મિનલ આપ્યા. તેના માધ્યમથી યૂક્રેનની સૈન્ય કાર્યવાહી રશિયન ઈન્ટરસેપ્શનથી સુરક્ષિત રહેશે. ઉલ્લેખનીય છે કે મસ્ક અગાઉ જ જાહેરાત કરી ચૂક્યા છે તેમને ગમેતેટલું દબાણ થશે તો પણ તેઓ યૂક્રેનને સહાય કરવાથી પીછેહઠ કરશે નહીં.
‘નાટો’ના 30માંથી 24 દેશ સૈન્ય મદદ કરી રહ્યાં છે. તેને ‘નાટો’ રિસ્પોન્સ ફોર્સ કહેવાય છે. પ્રાગમાં ૨૦૦૨માં સમજૂતી અનુસાર ‘નાટો’ સૈન્ય સામૂહિક રીતે એકબીજાની મદદ માટે તૈયાર રહેશે. યૂક્રેન ‘નાટો’નું સભ્ય નથી તેમ છતાં ‘નાટો’ના સભ્ય દેશ વર્તમાન યુદ્વમાં યૂક્રેનની મદદ કરી રહ્યા છે.
ક્યા દેશમાંથી કેટલી સૈન્ય સહાય?
• જર્મનીઃ 1000 એન્ટી ટેન્ક હથિયાર, 500 મિસાઇલ, 9 હોવિત્ઝર તોપ
• બ્રિટનઃ ટેન્ક અને આર્મ્ડ વ્હિકલ, એર ડિફેન્સ સિસ્ટમ પણ
• લેટિવિયાઃ અમેરિકી પેરાટ્રૂપર્સ અને અપાચે હેલિકોપ્ટર્સ
• એસ્ટોનિયાઃ એફ-૩૫ યુદ્વ વિમાનો એલર્ટ પર
• પોલેન્ડઃ 7000 અમેરિકી સૈનિકો, મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ
• અમેરિકાઃ જેવેલિન એન્ટીટેન્ક, સ્ટિન્જર મિસાઇલ, મિલાઇલ ડિફેન્સ સિસ્ટમ
• સ્વિડનઃ 5000 એન્ટી ટેન્ક રોકેટ્સ મોકલાશે
• બેલ્જિયમઃ 3000 ઓટોમેટિક રાઇફલ, 200 એન્ટી ટેન્ક હથિયાર
• ચેક રિપબ્લિકઃ 4000 મોર્ટાર, 30 હજાર પિસ્તોલ, 7000 અસોલ્ટ રાઇફલ 10 લાખ બુલેટ
• લિથુઆનિયાઃ એફ-35 યુદ્વ વિમાનો તહેનાતી, 2000 સૈનિક
• નેધરલેન્ડઃ 200 સ્ટિંગર એર ડિફેન્સ રોકેટ, 400 પોકેટ, 50 એન્ટીટેન્ક મિસાઇલ
ક્યા દેશમાંથી આર્થિક મદદ મળી?
• અમેરિકાઃ 2660 કરોડ રૂપિયાની સૈન્ય સહાય. ખાદ્ય સુરક્ષા અને હિજરત કરનારાઓને રોકવા 37,590 કરોડ રૂપિયા. યૂક્રેનને યુરોપિયન ઇલેક્ટ્રિકસિટી ગ્રિડથી જોડવા રૂ. 227 કરોડ
• કેનેડાઃ હથિયાર ખરીદવા રૂ. 3800 કરોડ
ક્યા દેશે રશિયા પર લાદ્યા પ્રતિબંધ?
• રશિયા પાસે લગભગ 47 લાખ 88 હજાર કરોડનો વિદેશી મુદ્રા ભંડાર છે. પશ્વિમી દેશોના આર્થિક હુમલાથી રશિયાને 24 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે.
• બેન્કિંગ બેનઃ રશિયાની બે મોટી સબરબેન્ક અને વીટીબી બેન્ક સહિત 6 મોટી સરકારી-ખાનગી બેન્કો પરક સ્વિફ્ટ હેઠળ પ્રતિબંધ.
• પુતિનના મિત્રોની સંપત્તિ જપ્તઃ અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સમાં પુટિનના નજીકના મિત્રોની લગભગ સંપત્તિ જપ્ત કરાઇ. ઇયુના સંપત્તિ ફ્રીજ લિસ્ટમાં રશિયાની સંસદના 351 સભ્યો પણ સામેલ.
• ટ્રાવેલ પ્રતિબંધઃ અનેક દેશોમાં રશિયાના એરોફલોટની ઉડાનો પર રોક, પોલેન્ડ, ચેક, બલ્ગેરિયા એસ્ટોનિયાએ એરસ્પેસ બંધ કરી.