વોશિંગ્ટનઃ અમેરિકાએ ગુરુવારે પૂર્વ અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટ (આઇએસ)ના અડ્ડા જેવી ગુફાઓને નિશાન બનાવીને પોતાનો સૌથી મોટા કદનો અને શક્તિશાળી નોન-ન્યૂક્લિયર બોમ્બ ઝીંક્યો હતો. જીબીયુ-૪૩/બી નામનો આ બોમ્બ ‘મધર ઓફ ઓલ બોમ્બ’ તરીકે જાણીતો છે. પેન્ટાગોનના પ્રવકતાના જણાવ્યા પ્રમાણે એમસી-૧૩૦ માલવાહક વિમાનની મદદથી પાકિસ્તાનની સરહદ નજીક અચિન જિલ્લાના નંગરહારા પ્રાંતમાં ત્રાસવાદીઓના ટનેલ કોમ્પ્લેક્સને નિશાન બનાવીને બોમ્બ ઝીંકાયો હતો. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આ બોમ્બ ઝીંકતાં જ વિશ્વ સ્તબ્ધ થઇ ગયું છે.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા સીન સ્પાઇસરે જણાવ્યું હતું કે બોમ્બ તેનાં લક્ષ્યાંક પર પડ્યો હતો. આઈએસ ત્રાસવાદીઓ ગુફાઓની ભૂગર્ભ ટનલોનો ઉપયોગ કરીને મુક્તપણે હરીફરી શકતા હતા તે ગુફામાં અડ્ડો બનાવીને અમેરિકી અને સાથી દેશોની સેનાઓને નિશાન બનાવતા હતા. તેમણે કહ્યું હતું કે અમેરિકા આઇએસ સામે ગંભીરતાપૂર્વક લડત આપી રહ્યો છે. અમેરિકાએ પહેલી જ વાર ‘મોબ’ બોમ્બનો ઉપયોગ કર્યો છે. અફઘાનિસ્તાનના નંગરહારા પ્રાંતમાં આવેલી આઈએસ ગુફાને નિશાન બનાવીને ‘મેસિવ ઓર્ડિનન્સ એર બ્લાસ્ટ’ (‘મોબ’) બોમ્બ ઝીંકવામાં આવ્યો હતો. બોમ્બ ઝીંકાયા પછી સૈન્ય આઇએસ ગુફાઓને પહોંચેલા નુકસાનનો અંદાજ મેળવી રહ્યું છે.
આઇએસ સામેની લડતમાં અમેરિકા ગંભીર
અમેરિકી પ્રવક્તાએ જણાવ્યું હતું કે આઈએસ દ્વારા દુનિયાના દેશોમાં જે રીતે આતંક ફેલાવવામાં આવી રહ્યો છે તેને અટકાવવા માટે આકરાં પગલાં લેવાય તે જરૂરી હતું. અમેરિકા હાલમાં આઈએસઆઈસ સામેની લડતમાં ગંભીર રીતે પગલા લઈ રહ્યો છે. તેમનાં ગુપ્ત ઠેકાણા અને અન્ય સ્થળોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. જેથી તેમની શક્તિ નબળી પડે અને તેઓ હથિયાર હેઠાં મૂકવા મજબૂર બને. આ બોમ્બને ફેંકવા માટે સામાન્ય ફાઇટર પ્લેન કે અન્ય સાધનનો ઉપયોગ કરી શકાય તેમ નહોતો. તેથી તેને મિલિટરી કાર્ગો પ્લેન દ્વારા ફેંકવામાં આવ્યો હતો. જીપીએસથી ઓપરેટ થતાં આ બોમ્બને પ્લેનમાંથી નીચે ફેંકાયો હતો અને જીપીએસ દ્વારા આઈએસનાં ઠેકાણાં સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
ઈરાક યુદ્ધમાં તેનો ઉપયોગ થવાનો હતો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકાનો આ બોમ્બ ખૂબ જ વિનાશક છે. તેના ઉપર એલ્યુમિનિયમનું પાતળું લેયર રાખવામાં આવ્યું છે, જેથી વિસ્ફોટ થતાં જ વિસ્ફોટકો મોટા પ્રમાણમાં તબાહી મચાવી શકે. આ બોમ્બ જ્યારે બ્લાસ્ટ થાય છે ત્યારે ઘણા કિલોમીટર દૂર સુધી તેનું કંપન અને અસર અનુભવી શકાય છે. અમેરિકા દ્વારા ઇરાક યુદ્ધમાં આ બોમ્બનો ઉપયોગ કરવાની યોજના હતી. જોકે ડિફેન્સ ડિપાર્ટમેન્ટને લાગ્યું હતું કે આ બોમ્બનો અહીંયા ઉપયોગ કરવામાં આવશે તો અયોગ્ય સાબિત થશે. આથી વિચાર માંડી વાળ્યો હતો.
પહેલી વખત ઉપયોગ
‘મધર ઓફ ઓલ બોમ્બ’નું સત્તાવાર પરીક્ષણ ૨૦૧૧ની સાલમાં કરવામાં આવ્યું હતું. આ પછી ફ્લોરિડાનાં અગ્લિન એરબેઝ ખાતે ૧૧ માર્ચ ૨૦૧૩ના રોજ આ બોમ્બનું પરીક્ષણ કરાયું હતું. પરીક્ષણ બાદ પહેલી વખત અફઘાનિસ્તાનમાં તેનો ઉપયોગ કરાયો છે. ૧૧ ટન વિસ્ફોટકો ધરાવતો આ બોમ્બ અફઘાનિસ્તાનના નંગરહાર વિસ્તારમાં ફેંકાયો હતો. અમેરિકા દ્વારા અત્યાર સુધીમાં આ સૌથી મોટો બિન-પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. નંગરહાર પાકિસ્તાનની સરહદ નજીક આવેલો પ્રાંત છે જેની ગુફાઓમાં રહીને આતંકવાદીઓ પોતાની પ્રવૃત્તિઓને અંજામ આપતાં હતા.
'મધર ઓફ ઓલ બોમ્બ' એટલે શું?
• યુદ્ધ અને શસ્ત્રાસ્ત્રની પરિભાષામાં જીબી-૪૩ તરીકે ઓળખાતો આ બોમ્બ તેની વ્યાપક સંહારક્ષમતા અને તોતિંગ કદને લીધે 'મધર ઓફ ઓલ બોમ્બ' (તમામ બોમ્બની જનેતા) તરીકે પણ જાણીતો છે.
• ૨૧,૬૦૦ પાઉન્ડ એટલે કે આશરે ૧૦,૦૦૦ કિલો વજન ધરાવતો આ બોમ્બ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ)થી સંચાલિત થતો હોવાથી પોતાના લક્ષ્યાંકને આપમેળે શોધી શકે છે.
• અમેરિકન એરફોર્સ રિસર્ચ લેબ દ્વારા ૨૦૦૩માં આ બોમ્બનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
• એરફોર્સ રિસર્ચ લેબની દેખરેખ હેઠળ આ પ્રકારના કુલ ૧૫ બોમ્બ અમેરિકાએ તૈયાર કરી રાખ્યા છે.
હીરોશીમા પછી અમેરિકાનો પ્રથમ મોટો ધડાકો
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિરોશીમા અને નાગાસાકી પર અમેરિકાએ અણુબોમ્બ ફેંક્યો હતો અને એ પછી વિયેતનામ યુદ્ધમાં નેપામ જેવા રાસાયણિક તેજાબી બોમ્બ ઝીંકાયા હતા. જોકે આટલા મોટા કદના નોન-ન્યુક્લિયર, નોન-કેમિકલ બોમ્બનો પહેલી જ વાર ઉપયોગ થયો છે.
હવે રશિયન જવાબ ‘ફાધર ઓફ ઓલ બોમ્બ’
અમેરિકાએ આટલો કદાવર બોમ્બ તૈયાર કર્યો હોવાથી રશિયાએ પણ વળતા જવાબ તરીકે 'ફાધર ઓફ ઓલ બોમ્બ' તૈયાર કરવા માંડયો હતો. રશિયન બોમ્બની સંહારક્ષમતા અમેરિકાના બોમ્બ કરતાં ચાર ગણી વધુ હોવાનું મનાય છે. રશિયાએ અમેરિકાથી આગળ નીકળી જવા માટે ચર્નોબિલના પ્રતિબંધિત વિસ્તારમાં ભુગર્ભ લેબોરેટરી તૈયાર કરીને ત્યાં ‘ફાધર ઓફ ઓલ બોમ્બ’ બનાવવાની કામગીરી ઝડપી બનાવી હતી. હાલમાં રશિયા પાસે અમેરિકન બોમ્બથી ચાર ગણા સંહારક એવા ૩૦થી વધુ બોમ્બ હોવાનું કહેવાય છે.
શું પહેલું નિશાન સીરિયા હતું?
સીરિયા પર ગત સપ્તાહે થયેલા મિસાઈલ એટેક વખતે જ ‘મધર ઓફ ઓલ બોમ્બ’નો ઉપયોગ કરવાની અમેરિકાએ વિચારણા કરી હતી. જોકે માનવવસ્તી વધુ હોવાથી એ ટાળવામાં આવ્યું હતું એવો મત સુરક્ષા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
અગાઉ ત્રણ વખત બોમ્બ ફેંકવાનું નક્કી થયું હતું
છેલ્લાં દોઢ દાયકામાં કુલ ત્રણ વખત અમેરિકાએ ‘મધર ઓફ ઓલ બોમ્બ’નો ઉપયોગ કરવાનું વિચાર્યું હતું. સીરિયા, ઈરાક અને અફઘાનિસ્તાન પર આ બોમ્બ ફેંકવાની યોજના તૈયાર થઈ હતી, પરંતુ છેલ્લી ઘડીએ વોશિંગ્ટન પ્રશાસને મંજૂરી આપવાનું ટાળ્યું હતું.