ટેક્સાસ: અમેરિકાના ઈતિહાસમાં સૌથી ઘાતક સ્કૂલ હુમલાએ સમગ્ર દુનિયાને હચમચાવી નાંખી છે. ટેક્સાસના ઉવાલ્ડેમાં એક સનકી યુવકે રોબ એલીમેન્ટરી (પ્રાથમિક) સ્કૂલમાં ઘૂસીને વિદ્યાર્થીઓ પર અંધાધૂધ ગોળીબાર કરી દીધો હતો. જેમાં 19 વિદ્યાર્થીઓ સહિત 21 લોકોનાં મોત નીપજ્યા હતાં. માર્યા ગયેલા મોટા ભાગના વિદ્યાર્થીઓ પાંચથી દસ વર્ષની વયના માસૂમ ભૂલકાં હતા. આ ઘટના બાદ સમગ્ર અમેરિકામાં ફરી ગન કલ્ચરને લઈને સવાલો ઊઠ્યા છે તો અમેરિકાના પ્રમુખ જો બાઈડેને પણ આ દુઃખના સમયને એક્શનમાં ફેરવીને ગન કલ્ચરને ખતમ કરવાની અપીલ કરી છે.
ટેક્સાસની આ સ્કૂલમાં 24 મેના રોજ સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ 18 વર્ષનો એક યુવક એઆર-15 સેમી ઓટોમેટિકલ રાઈફલ લઈને ધસી ગયો હતો અને વિદ્યાર્થીઓ પર બેફામ ગોળીબાર શરૂ કરી દીધો હતો. હુમલાખોર યુવકનું નામ સેલ્વાડોર રેમોસ છે અને જે વિસ્તારમાં આ ઘટનાને અંજામ આપ્યો ત્યાંનો જ રહેવાસી છે. તેણે સ્કૂલમાં બાળકો પર ગોળીબાર કર્યો તે પહેલાં પોતાના દાદીની પણ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદ તેણે નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ ગોળીબારમાં હુમલાખોર યુવક માર્યો ગયો હતો.
હવે એકશનનો સમયઃ પ્રમુખ બાઇડેન
જાપાનથી પરત ફરેલા અમેરિકાના પ્રમુખ જો બાઈડેને ભાવુક થઈને ગન કલ્ચરને ખતમ કરવાની લોકોને અપીલ કરી હતી. સાથે જ પોતાના અને વિપક્ષના સાંસદોને પણ કહ્યું હતું કે દુઃખના આ સમયને એક્શનમાં પરિવર્તિત કરવાનો સમય આવી ગયો છે. અગાઉ પણ આવા અનેક હુમલા થઈ ચુક્યા છે અને આતંકીઓ કરતા સ્થાનિક લોકો દ્વારા વધુ નાગરિકોના ભોગ લેવામાં આવ્યો છે. પોતાના પ્રાઈમટાઈમ સંબોધનમાં જો બાઈડેન અત્યંત ભાવુક જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમેરિકાના શક્તિશાળી ગન મેકર્સની સામે એક થવાનો, એક્શન લેવાનો સમય આવી ગયો છે. પ્રમુખ બાઇડેને ગોળીબારમાં માર્યા ગયેલા બાળકો અને શિક્ષકોના સન્માનમાં દેશમાં ચાર દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો. આ દરમિયાન અમેરિકામાં 28 મેના સૂર્યાસ્ત સુધી રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરક્યા હતા.
હુમલાખોર સ્કૂલનો જ ભૂતપૂર્વ વિદ્યાર્થી
જ્યારે ટેક્સાસની પ્રાથમિક શાળામાં થયેલા ગોળીબારમાં જે 21 લોકો માર્યા ગયા છે તેમાં 19 સ્થાનિક વિદ્યાર્થી છે જ્યારે બે શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. એવા અહેવાલો છે કે હુમલાખોર આ જ સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. માર્યા ગયેલા વિદ્યાર્થીઓના પરિવારજનો સ્કૂલની બહાર એકઠા થયા હતા. અમેરિકામાં લોકોએ માર્યા ગયેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
સોશિયલ મીડિયામાં હુમલાના સંકેત
ટેક્સાસની સ્કૂલમાં ઘૂસીને વિદ્યાર્થીઓનો ભોગ લેનારા 18 વર્ષીય આ યુવકે હુમલા પહેલાં સોશિયલ મીડિયા પર એક સંદેશો આપ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ ગર્લફ્રેન્ડને પ્રાઈવેટ ચેટમાં આ હુમલાના સંકેત આપ્યા હતા. આ યુવકે જે રાઈફલ ખરીદી હતી તેની તસવીરો પણ આ મિત્રને મોકલી હતી અને તેને રિપોસ્ટ કરવા કહ્યું હતું. ગયા સપ્તાહે જ તેણે આ રાઈફલની ખરીદી કરી હતી. હુમલો કર્યો તેના બે જ કલાક પહેલાં તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની મિત્રને આ સંદેશો મોકલ્યો હતો. પોતાની ગન સાથે આ યુવકે કેટલીક તસવીરો પણ જાતે શેર કરી હતી અને તેમાં આ મહિલા મિત્રને ટેગ કરી હતી. આ યુવતીની સાથે ઘણી લાંબી ચેટ પણ કરી હતી.
ગન કલ્ચર ખતમ કરવાની માગ
સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબારની જાણ થતાં જ અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ચિંતાતુર માતા-પિતા સ્કૂલે દોડી ગયા હતા અને માતમનો માહોલ જોવા મળ્યો હતો. પરિવારજનોએ પોતાના સંતાન ગુમાવવાનું દુઃખ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યું હતું. આ ઘટના બાદ હવે અમેરિકામાં માતા-પિતા દ્વારા ગન કલ્ચરને ખતમ કરવાની માગણી ઊઠવા લાગી છે. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર ગન રાખવા માટેના કાયદાને વધુ કડક બનાવવાની માગણી કરી હતી. સાથે સાથે સ્કૂલોની સુરક્ષા વધારવા ધ્યાન આપવા સરકારને અપીલ કરી હતી.