ન્યૂ યોર્ક: શક્તિશાળી હરિકેન ઈડાએ અમેરિકાનાં છ રાજ્યોમાં તારાજી સર્જી છે. ૪૦૦ વર્ષનાં સૌથી ભીષણ પૂરમાં નોર્થ-ઇસ્ટ અમેરિકાનાં ૬ રાજ્યો ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી, કનેક્ટિકટ, મેરિલેન્ડ, પેન્સિલ્વેનિયા અને વર્જિનિયામાં ઈડા વાવાઝોડાએ તબાહીનું તાંડવ મચાવ્યું છે. ઈડાનાં પૂરપ્રકોપથી ૬૫નાં મોત થયા છે, જેમાં પાંચ ભારતીયોનો સમાવેશ થાય છે. આ કુદરતી આફતથી ૬ કરોડ લોકો પ્રભાવિત થયા છે. હરિકેન ઈડાને કારણે પર્યાવરણને તો નુકસાન થયું જ છે સાથેસાથે સિવિક ઇન્ફ્રાસ્ટ્રકચરને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સરકારના અંદાજ મુજબ આ વાવાઝોડાને કારણે ૫૦ બિલિયન ડોલરનું નુકસાન થયું છે.
તોફાની પવન અને મુશળધાર વરસાદને કારણે ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીમાં પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં. ન્યૂ યોર્ક તો જાણે સરોવરમાં ફેરવાયું હોય તેમ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળતું હતું. રસ્તાઓ પર પૂરનાં પાણી નદીની જેમ ફરી વળતા હજારો વાહનો તણાઈ ગયાં છે કે ડૂબી ગયાં છે. વાવાઝોડાને કારણે વીજળીનાં થાંભલાઓ પડી જતાં અનેક શહેરો અને ટાઉનમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. એક અંદાજ પ્રમાણે ૩ લાખથી વધુ ઘરોમાં અંધારપટ છવાયો છે અને ૧૦ લાખ લોકોને અંધકારમાં રહેવાની ફરજ પડી છે.
રસ્તાઓ અને મેટ્રોનાં ટ્રેક પાણીમાં ગરકાવ થઈ જતા ટ્રેનસેવાઓ ખોરવાઇ ગઇ હતી. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ જતાં લાખો લોકો હાલાકીમાં મુકાયા છે. ન્યૂ યોર્ક તેમજ નેવાર્ક એરપોર્ટમાં પાણી ભરાઈ જતા ૪૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી હતી. સબ-વેમાં પાણી ભરાઈ જતાં તેને બંધ કરવાની ફરજ પડી છે. નોર્થ-ઇસ્ટ અમેરિકામાં ત્રાટકેલું આ પાંચમું શક્તિશાળી વાવાઝોડું હતું.
ન્યૂ યોર્ક - ન્યૂ જર્સીમાં કટોકટી
ન્યૂ યોર્કના મેયર બિલ દ બ્લાસિયોએ હરિકેન ઈડાની તીવ્રતાને ધ્યાને લઇને પહેલી સપ્ટેમ્બરની રાતથી જ શહેરમાં કટોકટી જાહેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિપરિત હવામાનની આ ઐતિહાસિક અને અસામાન્ય સ્થિતિ છે. ન્યૂ યોર્કના ગવર્નર કેથી હોકુલ અને ન્યૂ જર્સીના ગવર્નર ફિલ મર્ફીએ તેમના સ્ટેટમાં કટોકટી જાહેરાત કરી હતી. નેશનલ વેધર સર્વિસની ન્યૂ યોર્ક સ્થિત કચેરીએ પહેલી વાર ન્યૂ યોર્ક શહેરમાં અચાનક પૂર આવવાની ચેતવણી જારી કરી હતી. આ હાઇએસ્ટ લેવલની પૂરની ચેતવણી હતી. અને ખરેખર આવું જ બન્યું હતું. વિનાશક પૂરે ન્યૂ યોર્કમાં ભારે તબાહી વેરી હતી.
ન્યૂ યોર્ક એરપોર્ટ વિસ્તારમાં બે કલાકમાં ૪ ઇંચ વરસાદ થતાં એરપોર્ટના બેગેજ એરિયામાં પણ પૂરના પાણી ભરાઇ ગયાં હતાં. એરપોર્ટ પાણીમાં ગરકાવ થતાં તમામ ફ્લાઇટ રદ કરી દેવાઇ હતી અને પાર્કિંગ લોટ બંધ કરી દેવાયાં હતાં. ન્યૂ યોર્ક શહેરના સબવે સ્ટેશનોમાં પૂરના પાણી ધસી જતાં તમામ સબવે લાઇન પર ટ્રેન સેવાઓ રદ કરી દેવાઇ હતી. બીજી સપ્ટેમ્બરની સવાર સુધી ન્યૂ યોર્કની સડકો પર નોન-ઇમર્જન્સી વાહનો પર પ્રતિબંધ લાદી દેવાયો હતો. ન્યૂ જર્સીમાં પણ ટ્રાન્ઝિટ લાઇન પર ટ્રેન અને બસસેવાઓ રદ કરી દેવાઇ હતી. ન્યૂ જર્સીમાં સંખ્યાબંધ ઠેકાણે ટોર્નેડોએ વિનાશ વેર્યો હતો.
લુસિયાનામાં ગંભીર હોનારત જાહેર
યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડેન સ્થિતિની સમીક્ષા કરવા ત્રીજી સપ્ટેમ્બરે લુસિયાનાની મુલાકાત લીધી હતી. ઈડાએ લુસિયાનામાં વેરેલો વિનાશ નિહાળીને તેમણે આ હરિકેનને મોટી ગંભીર હોનારત જાહેર કરી હતી. લુસિયાનામાં નવનાં મોત થયા છે. જ્યારે ૬ લાખથી વધુ લોકો ભોજન, પાણી અને વીજળી વિના ટળવળે છે. બાઈડેને રાજ્ય વહીવટી તંત્રને તમામ પ્રકારની સહાય કરવાની ખાતરી આપી છે.
પેન્સિલ્વેનિયામાં હજારોનું સ્થળાંતર
હરિકેન ઈડાએ ન્યૂ યોર્કને ધમરોળ્યું તે પહેલાં પેન્સિલ્વેનિયામાં અતિ ભારે વરસાદ થયો હતો, જેના પગલે જ્હોન્સ ટાઉન નજીક આવેલા બંધની સપાટી ભયજનક સ્તરે પહોંચતાં હજારો લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. પીટ્સબર્ગ નજીક પૂરના પાણીમાં ફસાયેલી સ્કૂલ બસમાંથી ૪૧ બાળકોને ફાયર બ્રિગેડે બચાવી લીધાં હતાં. હરિકેન ઇડાના કારણે પેન્સિલ્વેનિયામાં સંખ્યાબંધ સ્કૂલ, દુકાનો અને ૧૫૦ સડકો બંધ કરી દેવાઇ હતી. મેરીલેન્ડના ચિસાપિકે બે ખાતે ટોર્નેડો ત્રાટકતાં વ્યાપક નુકસાન થયાના અહેવાલો છે. ફિલાડેલ્ફિયામાં પણ તોફાની પવનોના કારણે મકાનોની છત ઊડી ગઇ હતી અને સંખ્યાબંધ વૃક્ષ ધરાશાયી થયાં હતાં.
સાઉથ ન્યૂ જર્સીમાં ટોર્નેડોથી તબાહી
નેશનલ વેધર સર્વિસે જણાવ્યું હતું ફિલાડેલ્ફિયા નજીક આવેલી સાઉથ ન્યૂ જર્સી કાઉન્ટીમાં ટોર્નેડો ત્રાટક્યું હતું, જેમાં ઇમારતો રમકડાની જેમ ફંગોળાઇ હતી. પહેલી સપ્ટેમ્બરે ત્રાટકેલા ટોર્નેડોના કારણે ભરઊંઘમાં સૂતેલાં લોકોના માથા પરથી છત ઊડી ગઇ હતી. ટોર્નેડોના ઝંઝાવાત અને મુશળધાર વરસાદે સાઉથ ન્યૂ જર્સીમાં સંખ્યાબંધ મકાનોને પાણીથી તરબતર કરી દીધાં હતાં.
૧૯૨૭ પછીનો રેકોર્ડબ્રેક વરસાદ
ન્યૂ યોર્કમાં હરિકેન ઈડાના કારણે લગભગ સવા સાત ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર પૂરનાં પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ, સબવે તેમજ બેઝમેન્ટ પાણીમાં ડૂબી ગયા હતા. હજારો કાર અને વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ૧૯૨૭ પછી રેકોર્ડ બ્રેક વરસાદ પડયો હોવાનું સ્થાનિક સત્તાધીશોએ જણાવ્યું હતું.