વોશિંગ્ટનઃ ચાર વર્ષના અંતરાલ, સંખ્યાબંધ કોર્ટ કેસ અને બે વખત જીવલેણ હુમલામાંથી આબાદ બચેલા ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે 47મા રાષ્ટ્રપતિ તરીકે બીજી ઇનિંગનો આરંભ કરતાં જ જોશભેર ઘોષણા કરી હતી કે આજથી અમેરિકાના સુવર્ણ યુગનો આરંભ થઇ ગયો છે. આજથી આપણો દેશ સમૃદ્ધ બનશે અને વિશ્વભરમાં ફરીથી સન્માન પામશે એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે દરેક દેશ આપણી પ્રગતિની ઈર્ષ્યા કરશે અને હવે કોઈ આપણો ગેરલાભ નહીં ઉઠાવી શકે.
‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ (MAGA) અને ‘અમેરિકા ફર્સ્ટ’ના રાષ્ટ્રવાદી નારા સાથે ચૂંટણી જંગ લડનારા ટ્રમ્પે શાનદાર વિજય સાથે અમેરિકાના ઇતિહાસમાં સૌથી નોંધપાત્ર પુનરાગમન કર્યું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જ્હોન રોબર્ટ્સે કેપિટલ રોટુન્ડા ખાતે યોજાયેલા સમારંભમાં 78 વર્ષીય ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદના શપથ લેવાડાવ્યાં હતાં.
ટ્રમ્પની પહેલાં ‘ભારતના જમાઇ’ જે.ડી. વાન્સે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે વાન્સના પત્ની ઉષા ચિલકુરી હિન્દુ છે અને આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના વતની છે. વાન્સ તેમને પોતાના ‘આધ્યાત્મિક ગુરુ’ ગણાવે છે.
શપથ ગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશેષ દૂત તરીકે વિદેશ મંત્રી જયશંકર ઉપસ્થિત રહ્યાં હતાં. અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા બદલ ટ્રમ્પને અભિનંદન આપતા વડાપ્રધાન મોદીએ ‘એક્સ’ પર લખ્યું હતુંઃ મારા પ્રિય મિત્ર પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના 47મા પ્રમુખ બનવા બદલ હાર્દિક અભિનંદન... બન્ને દેશ અને વિશ્વના બહેતર ભવિષ્ય માટે હું ફરી આપની સાથે મળીને કામ કરવા આતુર છું. નવા સફળ કાર્યકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ.
(વિશેષ અહેવાલ - પાન 16 અને 17)