વોશિંગ્ટનઃ અમેરિકાએ સીરિયા મુદ્દે આક્રમક વલણ અપનાવતા શાએરાત એરબેઝ પર ૬૦ મિસાઇલ ઝીંક્યા છે. સીરિયામાં તાજેતરમાં થયેલા રાસાયણિક હુમલા સંદર્ભે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પુરોગામી વહીવટી તંત્રની નીતિને અનુસરતાં આ આદેશ આપ્યા હતા. પુરોગામી વહીવટી તંત્રે અસાદના સૈન્યને સીધું નિશાન બનાવવાની નીતિ નક્કી કરી હતી. સીરિયાના લશ્કરે કહ્યું છે કે અમેરિકી મિસાઇલ હુમલામાં છ લોકોનાં મૃત્યુ થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. સીરિયાના પ્રમુખે અમેરિકી હુમલાને આકરા શબ્દોમાં વખોડ્યો છે. તો સીરિયાના સમર્થક રશિયાએ અમેરિકાના લશ્કરી આક્રમણને ઉશ્કેરણીજનક પગલું ગણાવતાં આકરી પ્રતિક્રિયાની ચેતવણી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે ચાર એપ્રિલના રોજ સીરિયાના એક શહેર પર થયેલા રાસાયણિક હુમલામાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા.
શાએરાતમાં બે રન-વે ધરાવતો લશ્કરી એરબેઝ છે. સાતમી એપ્રિલે સવારે પોણાચાર વાગે અમેરિકી મિસાઇલ્સ તેના પર ત્રાટકતાં તેની હવાઇ પટ્ટીઓ, કંટ્રોલ ટાવર, હેંગર્સ, યુદ્ધસામગ્રી બધું જ તબાહ થઇ ચૂક્યું છે. નવ લશ્કરી વિમાનો નાશ પામ્યા છે.
રશિયાનું યુદ્ધજહાજ સીરિયા પહોંચ્યું
અમેરિકાએ કડક કાર્યવાહી કરતાં તંગદિલી એટલી હદે વધી ગઇ છે કે કેટલાકને ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા સંભળાઇ રહ્યા છે. અમેરિકાએ કરેલા મિસાઇલ હુમલા પછી તેલની કિંમતો અચાનક વધી ગઇ છે. અમેરિકી હુમલા પછી રશિયાએ સીરિયાની હવાઇ સુરક્ષા મજબૂત કરવા નિર્ણય લીધો છે. તેને કારણે આશંકા સેવાઇ રહી છે કે પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચે તંગદિલી આગળ જતાં વધી શકે છે.
ટ્રમ્પનું સૌથી મહત્ત્વનું પગલું
સીરિયા સામે લેવાયેલું પગલું પ્રમુખ ટ્રમ્પનું અત્યાર સુધીમાં લેવાયું સૌથી મોટું પગલું માની શકાય. સીરિયા સામે કાર્યવાહી હુમલા પછી ટ્રમ્પે કહ્યું હતું કે, તેમાં કોઇ શક નથી કે સીરિયામાં થયેલા કેમિકલ હુમલા માટે પ્રમુખ બશર-અલ-અસાદ જવાબદાર છે. અસાદ માસૂમો, મહિલાઓ અને બાળકોનું લોહી વહાવી રહ્યા છે. ટ્રમ્પે એ વાતની પણ સ્પષ્ટતા કરી હતી કે રશિયન સૈન્ય તૈનાત હશે ત્યાં અમેરિકી હુમલા નહીં થાય. ટ્રમ્પ વહીવટી તંત્રે એમ પણ કહ્યું કે હુમલા કરવા માટે રશિયન વહીવટી તંત્રની મંજૂરીની આવશ્યકતા નથી.
ઉલ્લેખનીય છે કે સીરિયામાં સક્રિય બળવાખોરો સામેના જગમાં રશિયા પ્રમુખ અસાદને સાથ આપી રહ્યું છે. પ્રમુખ ટ્રમ્પનું આ પગલું અસાદના સાથી રશિયા, નોર્થ કોરિયા કે ઇરાન જોવા દેશોને પણ સંકેત આપી દેશે.
સીરિયા સામે વિશ્વ એકસંપ થાય: ટ્રમ્પ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયાના સરકારી સૈન્યના મથકો પર મિસાઇલ ઝીંકવાના આદેશ આપ્યા પછી ટેલિવિઝન સંદેશામાં સીરિયાના ઇદલિબ પ્રાંતમાં થયેલા રાસાયણિક હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રતિ સંવેદના અને શોક જાહેર કર્યો હતો. સીરિયામાં ચાલી રહેલા ખૂની ખેલનો અંત લાવવા વિશ્વના તમામ સભ્ય દેશોને એકસંપ થવા ટ્રમ્પે અપીલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાસાયણિક હુમલાના જવાબમાં આપણે સીરિયાના ખાસ લશ્કરી મથકો પર મિસાઇલ હુમલા શરૂ કર્યા છે. રાસાયણિક હુમલા માટે જે સૈન્ય મથકનો ઉપયોગ થયો હતો તેના પર મિસાઇલ હુમલા થઇ રહ્યા છે.
રશિયા-અમેરિકી સંબંધોને નુકસાન: પુતિન
અમેરિકાએ કરેલા હુમલાની રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને આલોચના કરી છે. આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાના ભંગ સમાન હોવાનું જણાવતાં પુતિને કહ્યું હતું કે આ ઘટનાને કારણે રશિયા-અમેરિકી સંબંધોને નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે રશિયા સીરિયામાં અસાદ સરકારને સૈન્ય સમર્થન આપી રહ્યું છે. ટ્રમ્પ અને પુતિન ગાઢ સંબંધ ધરાવતા હોવાના સંજોગોમાં અમેરિકી હુમલા પછી રશિયા કેવી પ્રતિક્રિયા આપે છે તેના પર વિશ્વની નજર ટકેલી હતી. પુતિન આ ઘટનાને સીરિયાના સાર્વભૌમત્વ વિરુદ્ધ અમેરિકાના આક્રમણના રૂપમાં મૂલવે છે. રશિયાનું એમ પણ માનવું છે કે હુમલા પછી સંગઠિત થઇને ત્રાસવાદ સામે લડત આપવાના પ્રયાસોને ફટકો પડયો છે. જોકે બ્રિટને ટ્રમ્પના પગલાંને સમર્થન આપતાં કહ્યું છે કે તે ટ્રમ્પની સાથે છે.
આમનેસામને નિવેદનબાજી
સીરિયાના પ્રમખ અસાદના સમર્થક ઇરાને અમેરિકી હુમલાને વખોડી કાઢયો હતો. ઇરાને કહ્યું હતું કે એકપક્ષી પગલાં માટે રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ તે આંતરરાષ્ટ્રીય કાયદાઓના ભંગ બરોબર છે. અમેરિકાના મિત્ર દેશ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુએ ટ્રમ્પના પગલાંને આવકાર આપ્યો હતો. ચીની પ્રમુખ શી જિનપિંગ હાલમાં અમેરિકાના પ્રવાસે છે. તેમણે ફ્લોરિડા ખાતે એક રિસોર્ટમાં ટ્રમ્પ સાથે વાત કરી હતી.
આક્રમણના મૂળમાં રાસાયણિક હુમલો
ચોથી એપ્રિલે સીરિયાના નોર્થ-ઇસ્ટ ઇદલિબ પ્રાંતમાં હવાઇ હુમલા પછી ઝેરી ગેસે અંદાજે ૧૦૦ લોકોનો ભોગ લીધો હતો. હુમલામાં ૪૦૦ બાળકો બીમાર થઇ ગયા છ. માનવ અધિકાર પર નજર રાખી રહેલા જૂથે કહ્યું હતું કે બળવાખોરો કબજો ધરાવે છે તે ખાન શેખૂન શહેરમાં હુમલો થયો છે. આશંકા સેવાઇ રહી હતી કે તે રાસાયણિક હુમલો હતો અને સીરિયાની સરકાર કે રશિયા તે માટે જવાબદાર છે.
ટોમહોક મિસાઇલ્સની ખાસિયતો
અમેરિકાએ સીરિયાના શાએરાત લશ્કરી મથકને તબાહ કરવા ૬૦ જેટલા ટોમહોક મિસાઇલ ઝીંક્યા હતા. અમેરિકાએ આ મિસાઇલ પર ખાસ પસંદગી ઉતારી હતી. તે મિસાઇલની ખૂબીઓ પણ જાણવા જેવી છે. મધ્યમ રેન્જની આ ક્રૂઝ મિસાઇલને સમુદ્રમાંથી છોડી શકાય છે. તે ઓછી ઊંચાઇએ ત્રાટકતું હોવાથી રડાર ટ્રેસ કરી શકતું નથી. ટોમહોકને નેવિગેશન સિસ્ટમથી ગાઇડ પણ કરી શકાય છે. તે મિસાઇલ ૪૫૦ કિલોથી વધુ વિસ્ફોટક સામગ્રી લઇ જઇ શકે છે. તે મિસાઇલ પરમાણુ આયુધોનું વહન પણ કરી શકે છે.