નવી દિલ્હીઃ અયોધ્યામાં રામજન્મભૂમિ બાબરી મસ્જિદ કેસની સુનાવણી આખરી તબક્કાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. દશેરાના વેકેશન બાદ સોમવારે મુસ્લિમ પક્ષકારોએ તેમની અંતિમ દલીલો રજૂ કરી હતી. અગાઉ થયેલી જાહેરાત અનુસાર સુપ્રીમ કોર્ટ ૧૬ ઓક્ટોબર સુધીમાં સુનાવણી પૂર્ણ કરવા અને ૧૭મી નવેમ્બર સુધીમાં કેસનો અંતિમ ચુકાદો આપવા મક્કમ છે. આથી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ મુસ્લિમ પક્ષકારોને સોમવારે જ તેમની દલીલો પૂરી કરવા તાકીદ કરી હતી.
મુસ્લિમ પક્ષકારોએ કહ્યું કે, મસ્જિદમાં નમાજ બંધ થવાથી માલિકીનો હક હિન્દુઓનો છે, એવું સાબિત નથી થતું. આપણે ઘરેથી બે વર્ષ માટે જતા રહીએ તો પણ મારું ઘર મારું જ રહે. કેટલાક ગ્રંથોના અધૂરા અને ચૂંટેલા તથ્યોના આધારે કોર્ટ નિર્ણય ના કરી શકે. આથી જજોને અમારો આગ્રહ છે કે, તેઓ પટારો ના ખોલે અને ઇતિહાસને નવેસરથી શીખવાનો પ્રયાસ ના કરે.
મુસ્લિમ પક્ષના વકીલે સોમવારે કોર્ટમાં એવી માગણી કરી હતી કે તેમને ૬ ડિસેમ્બર ૧૯૯૨ પહેલાંનું અયોધ્યા પાછું આપવામાં આવે. ૫ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ વિવાદિત સ્થળે જે ઢાંચો હતો તેવો જ ઢાંચો અને બાબરી મસ્જિદ અમને પાછી આપવામાં આવે.
અમને જ સવાલ કેમ? મુસ્લિમ પક્ષ
આ ઉપરાંત મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને સુનાવણી વખતે બંધારણીય પીઠને ફરિયાદ કરી કે, જજ બધા સવાલ અમને જ પૂછે છે, હિન્દુ પક્ષને નહીં. ધવને ચીફ જસ્ટિસને પૂછયું હતું કે તેમના દ્વારા ફક્ત મુસ્લિમ પક્ષના વકીલને જ કેમ પ્રશ્નો પૂછવામાં આવે છે? હિન્દુ પક્ષકારોને કેમ નહીં? જોકે આની સામે કોર્ટે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. સુપ્રીમ કોર્ટે સોમવારે સુન્ની વકફ બોર્ડના ચેરમેન ઝફર ફારુકીને પોલીસ રક્ષણ આપવાનો આદેશ આપ્યો હતો.
શુભ ઘડી આવી ગઇ છેઃ મહંત
રામમંદિર જન્મભૂમિ ન્યાસના મહંત નૃત્યગોપાલદાસે કહ્યું હતું કે ચુકાદાનો સમય નજીક આવી ગયો છે અને શુભ ઘડી આવી ગઈ છે. રામાયણ મેળા પહેલાં મંદિર બનાવવાનું કામ શરૂ થઈ જશે તેવી આશા છે. બીજી તરફ, અયોધ્યા કેસની સુનાવણી અંતિમ તબક્કામાં છે ત્યારે રાજ્યસભાના સાંસદ રાકેશ સિંહાએ જણાવ્યું કે અયોધ્યામાં રામમંદિર જ બનશે. મુસ્લિમ સમાજના મોટા ભાગના લોકોને પણ આ વાતની ખબર પડી ગઈ છે. કોર્ટમાં આ કેસમાં હારજીતનો નિર્ણય આવતા પહેલાં જ અયોધ્યાનું મહત્ત્વ અને સાંસ્કૃતિક ધરોહર સમજીને મુસ્લિમ પક્ષે આ સ્થાન પરથી પોતાનો દાવો છોડી દીધો હોત તો વધારે સારું થાત.
દિવાળીએ પૂજાની માંગ
હિન્દુ સંતો દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને મંદિરનાં ગર્ભગૃહમાં પૂજાની છૂટ આપવાની માગણી કરાઈ છે. સામા પક્ષે મુસ્લિમોએ પણ કહ્યું હતું કે જો હિન્દુઓને પૂજાની છૂટ અપાય તો મુસ્લિમોને નમાજ પઢવા છૂટ મળવી જોઇએ. ઉલ્લેખનીય છે કે વિશ્વ હિન્દુ પરિષદે આ વર્ષે ગર્ભગૃહમાં વિરાજમાન રામલલ્લા સાથે દિવાળીની ઊજવણી કરવાનો નિર્ણય કર્યો છે. જોકે બાબરી મસ્જિદના પક્ષકારે તેનો વિરોધ નોંધાવતા કહ્યું હતું કે જો વિવાદાસ્પદ પરિસરમાં વિહિપને દિવાળીની ઊજવણીની મંજૂરી આપશે તો તેઓ પણ ત્યાં નમાઝ અદા કરવાની માગ કરશે. પરિણામે શહેરમાં સ્થિતિ તણાવપૂર્ણ બની શકે છે.
ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અંતિમ તબક્કામાં પહોંચી છે તેવા સમયે અયોધ્યામાં કલમ ૧૪૪ લાગુ કરી દેવાઇ છે, જે ૧૦ ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. જોકે, જિલ્લાધિકારી અનુજ ઝાએ સ્પષ્ટ કર્યું હતું કે કલમ ૧૪૪ અયોધ્યામાં આવનારા દર્શનાર્થીઓ અને દિવાળી મહોત્સવ પર અસર નહીં પડે. સુપ્રીમ કોર્ટ દ્વારા રામમંદિર બાબરી મસ્જિદના કેસના ચુકાદા પછી શાંતિ જળવાય તે માટે અયોધ્યામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે તકેદારીનાં પગલાંરૂપે ૧૪૪મી કલમ લાગુ કરવામાં આવી હતી. અયોધ્યામાં આની સાથે સુરક્ષા દળો દ્વારા વધારાની ૧૦ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
રામનગરીમાં ભવ્ય દીપોત્સવ
યોગી આદિત્યનાથની સરકાર આ વર્ષે પણ ભગવાન રામની નગરી અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ યોજવાની તૈયારીમાં છે.
આ વખતની દીપોત્સવીમાં દીવાની જ્વાળાઓમાં ભગવાન શ્રીરામના દર્શન કરાવવાની યોજના છે. આ વર્ષે દીવાઓને સીધા લગાવવાના બદલે ગ્રાફિક્સની મદદથી સજાવાશે. આમ ઉંચાઈએથી જોતાં આ ગ્રાફિક્સમાં ભગવાન શ્રીરામ, સીતા અને હનુમાન સહિત અયોધ્યાના પ્રમુખ દર્શનીય સ્થળોની આકૃતિઓ ઘાટ પર જ દેખાશે.