અયોધ્યાઃ રામમંદિર નિર્માણની માગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા ધર્મસભાનું આયોજન થયું છે તે પૂર્વે અયોધ્યા - ફૈઝાબાદમાં ભારે તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. સમગ્ર શહેર જાણે સુરક્ષા દળોની છાવણીમાં ફેરવાઈ ગયું છે. અયોધ્યા અને ફૈઝાબાદમાં કિલ્લેબંધી કરીને પેરા-મિલિટરી ફોર્સના જવાનો તૈનાત કર્યા છે. બીજી તરફ, ચારથી વધુ વ્યક્તિને એકત્ર થવા પર પ્રતિબંધ ફરમાવતી ૧૪૪મી કલમ લાગુ હોવા છતાં પણ વિશ્વ હિન્દુ પરિષદે (વિહિપ) રોડ શો યોજ્યો હતો. અયોધ્યા અને ફૈઝાબાદ એમ બંને નગરોનાં લોકો આવનારા દિવસો અજંપાભર્યા હોવાનો અહેસાસ કરી રહ્યાં છે. હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયના પરિવારોએ રાશન ભરી લેવાનું શરૂ કર્યું છે.
અયોધ્યામાં રવિવાર - ૨૫ નવેમ્બરે યોજાનારી ધર્મસભા માટે સમગ્ર દેશમાંથી લોકો એકત્ર થવા લાગ્યા છે. સમગ્ર શહેર જાણે સુરક્ષા દળોની છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસ સિવાય સલામતી દળોની ૪૮ કંપનીઓ નિયુક્ત કરાઈ છે. પહેલાં આ નગરમાં ૨૦ કંપનીઓ નિયુક્ત હતી. અંદાજે ૭૦ હજાર જવાનોએ મોરચો સંભાળી લીધો છે. શહેરનું નિરીક્ષણ ડ્રોન કેમેરાથી કરાઈ રહ્યું છે.
સ્થાનિક અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે, અયોધ્યા અને ફૈઝાબાદમાં ૧૯૯૨ જેવો તણાવપૂર્ણ માહોલ પ્રવર્તે છે. બંને નગરોનાં લોકો આવનારા દિવસો અજંપાભર્યા હોવાનો અહેસાસ કરી રહ્યાં છે. હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયના પરિવારોએ રાશન ભરી લેવાનું શરૂ કર્યું છે.
પ્રતિબંધ છતાં રોડ શો
પોલીસ મુજબ સલામતી દળોની દૃષ્ટિએ અયોધ્યાને ૮ ઝોન અને ૧૬ સેક્ટરમાં વિભાજિત કરાયું છે. ગુપ્તર વિભાગના અધિકારી અયોધ્યા પહોંચ્યા છે. અયોધ્યામાં ૧૭ જાન્યુઆરી ૨૦૧૯ સુધી કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. જોકે કલમ ૧૪૪ છતાં વિશ્વ હિન્દુ પરિષદે ગુરુવારે રોડ શો કર્યો. આ રોડ શો મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાંથી પસાર થયો. વેપારીઓએ રોડ શોનો બહિષ્કાર કર્યો. વેપાર મંડળના અધ્યક્ષ જનાર્દન પાંડેએ કહ્યું કે તે ધર્મસભાનો વિરોધ કરી રહ્યા છે.
૧૦ હજાર શિવસૈનિક પહોંચ્યા
ધર્મસભામાં હાજરી આપવા માટે અંદાજે ૧૦ હજાર શિવસૈનિક મહારાષ્ટ્રથી અયોધ્યા પહોંચી ચૂક્યા છે. હોટલો અને ગેસ્ટ હાઉસો ભરાઈ ગયાં છે. ખાસ ટ્રેનમાં અયોધ્યા પહોંચેલા શિવસૈનિકોએ રામમંદિર કાર્યશાળા, કારસેવકપુરમ્, હનુમાનગઢી અને રામલલ્લાની જન્મભૂમિ વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી.
સુપ્રીમ કોર્ટ સૈન્ય મોકલે: અખિલેશ
સમાજવાદી પાર્ટી (સપા)ના નેતા અખિલેશ યાદવે રામમંદિર મુદ્દે ભાજપ કોઈ પણ હદે જઈ શકે છે તેવા આરોપ મૂકતાં કહ્યું હતું કે ભાજપને સુપ્રીમ કોર્ટ કે બંધારણમાં વિશ્વાસ નથી. ભાજપ કોઈ પણ હદે જઈ શકે છે. અયોધ્યાની સ્થિતિની જાતે જ નોંધ લઇને સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં સૈન્ય મોકલવું જોઈએ.
રાજકીય લાભ માટે ધર્મસભા: પર્સનલ લો બોર્ડ
અયોધ્યામાં રવિવાર - ૨૫ નવેમ્બરના રોજ વિહિપ દ્વારા આયોજિત ધર્મસભા વિશે ઓલ ઈન્ડિયા પર્સનલ લો બોર્ડના સભ્ય ખાલિદ રાશિદ ફિરંગી મહલીએ કહ્યું હતું કે નાનાં બાળકોને પણ ખબર છે કે દેશમાં શાંતિ અને એખલાસનું વાતાવરણ ડહોળવા માટે પ્રયાસ થઈ રહ્યો છે કે જેથી કરીને કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં તેનો લાભ મેળવી શકાય.