ભારતને આ અંગેની માહિતી અમેરિકન મીડિયા અને જાસૂસી સંસ્થાઓ દ્વારા મળી હતી. વીડિયો જાહેર થયા બાદ ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. ગૃહ પ્રધાન રાજનાથસિંહે સુરક્ષા સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને ઇન્ટેલીજન્સ બ્યૂરો તથા અન્ય ગુપ્તચર એજન્સીઓને સતર્ક કરી દીધી હતી.
અલ-કાયદાની સત્તાવાર મીડિયા વેબસાઇટ અસ-સહાબે ભારતીય ઉપખંડમાં ‘કાયદાત અલ જિહાદ’ કરવાની જાહેરાત કરી છે. આ વીડિયો યૂ ટયૂબ સહિત સોશિયલ મીડિયા વેબસાઇટ પર પોસ્ટ કર્યો છે. આ જાહેરાત મુજબ, પાકિસ્તાનના આતંકવાદી અસિમ ઉમરની અધ્યક્ષતા હેઠળ આતંકવાદીઓની ટીમ તાલિબાના ઉચ્ચ નેતા મુલ્લાહ ઉમરને રિપોર્ટ કરશે. અલ-કાયદાના વીડિયોમાં ગુજરાત-અમદાવાદના ઉલ્લેખ સાથે આસામ, કાશ્મીરનાં મુસ્લિમોનું રક્ષણ કરવાનું જણાવ્યું છે કે, ‘કાયદાત અલજેહાદના ભાઈઓ તમને ભૂલ્યા નથી અને તમને પીડામાંથી છુટકારો અપાવશે.’ અલ-કાયદાએ પોતાના વીડિયોમાં કરેલી જાહેરાતમાં જણાવ્યું છે કે, તેમનું સંગઠન ભારતીય ઉપખંડમાં બર્મા, બાંગ્લાદેશ, આસામ, ગુજરાત, અમદાવાદ અને કાશ્મીરનાં મુસ્લિમોનું રક્ષણ કરશે.
વીડિયો જોઈ ભારત સરકાર એલર્ટ
આ વીડિયો જોઇને સરકાર સચેત થઈ ગઈ છે. આ સંગઠનના નેતા તરીકે પાકિસ્તાનસ્થિત આતંકવાદી અસિમ ઉમરને પસંદગી થઇ છે, જેનાથી ભારત અને પાકિસ્તાનના સંબંધો હજુ વધારે વણસી જશે એ વાતમાં કોઈ શંકા નથી. આ સંગઠનના એલાન પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે. અલ કાયદાનો વીડિયો અસલી હોવાનું માલુમ પડતા જ ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકારોને એલર્ટ રહેવાના આદેશ આપ્યા હતા. ભારતીય વાયુદળના વડા અરુપ રાહાએ જણાવ્યું કે અલ કાયદાના પડકારને પહોંચવા માટે ભારતીય વાયુદળ સંપૂર્ણપણે તૈયાર છે. આવા સંગઠનો સુરક્ષા માટે જોખમી છે, છતાં દેશ તેનો સામનો કરે છે.
ગામમાં અલ-કાયદાના પોસ્ટર
ઝારખંડના રાંચી નજીક રાતુ કસબામાં અલ-કાયદાના નામે બે પોસ્ટર લગાવી અશાંતિ અને દહેશત ઊભા કરવાનો પ્રયાસ કરાયો છે. આ પોસ્ટરોમાં એવી ધમકી આપવામાં આવી છે કે જો એક મહિનામાં હિન્દુઓ ગામ છોડીને નહીં જાય તો તેમની હાલત ખરાબ કરાશે. પોસ્ટરોમાં આદિવાસીઓને માત્ર ૧૫ દિવસનો જ સમય આપવામાં આવ્યો હોવાનું પણ લખ્યું છે. આ વિવાદિત પોસ્ટરોમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જેઓ ગામ છોડીને નહીં જાય તેમને ગોળી મારીને અથવા માથું કાપીને ખતમ કરી દેવાશે. પોસ્ટરમાં એવું પણ લખ્યું છે કે, આદિવાસીઓ અને હિન્દુ છોકરીઓને લવ જેહાદ માટે ધર્માંતરણ કરીને મુસ્લિમ બનાવાશે. પોલીસે આ મામલાની તપાસ હાથ ધરી છે. તાજેતરમાં અલ-કાયદાએ ભારતમાં હુમલાઓની ધમકી આપ્યા બાદ લગાવવામાં આવેલા આ પોસ્ટરોએ અહીં ભારે ચર્ચા જગાવી છે.
મોદીને ઇસ્લામના દુશ્મન બનાવવા માગે છે
અલ-કાયદા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઇસ્લામનો દુશ્મન કરીને રજૂ દર્શાવવા માંગે છે. તેથી ભારતે તેની ધમકીને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ. આ દાવો અમેરિકાના જાણીતા આતંકવાદ વિરોધી નિષ્ણાત બ્રુસ રીડેલે કર્યો છે. બ્રુસ અમેરિકી ગુપ્તચર સંસ્થા સીઆઇએના નિષ્ણાત રહી ચૂક્યા છે. રીડેલે જણાવ્યું હતું કે, આ વર્ષે અલ-કાયદાના વડા અયમાન જલ જવાહિરીનો આ પ્રથમ વિડીયો છે. જેમાં ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદાનું એકમ ખોલવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનમાં બેઝ અને લશ્કરે તોઇબા સાથે સાંઠગાંઠને કારણે અલ-કાયદા ભારત માટે ખતરો છે.
અમેરિકાને કોઈ જોખમ નથી
અમેરિકન સરકારે જણાવ્યું કે અલ કાયદાની ભારતીય ઉપમહાદ્વીપની શાખાથી તેને કોઈ ગંભીર ખતરો નથી. અમેરિકી વિદેશ વિભાગની પ્રવક્તા મેરી હર્ફે જણાવ્યું કે, ‘અમે અલ કાયદાની આ જાહેરાતને તેની નવી ક્ષમતા તરીકે જોતા નથી અને તે ક્યાંય પણ હોય અમે કોઈ જોખમ નથી.’
ભારત શા માટે નિશાન?
• ઓસામા બિન લાદેનની ઉપસ્થિતિમાં અયમાન અલ ઝવાહિરી, અબુ બક્ર અલ બગદાદી અને મૌલાના ઉમર અલ કાયદાના બે મુખ્ય કમાન્ડરો હતા. જે પૈકી મૌલાના ઉમર અમેરિકાના ડ્રોન હુમલામાં મૃત્યુ પામ્યો હોવાનું કહેવાય છે. • લાદેને અલ કાયદાને ત્રણ વિભાગમાં વહેંચ્યું હતું. અલ કાયદા તાલિબાન, અલ કાયદા પાકિસ્તાન (તહેરિકે તાલિબાન) અને અલ કાયદા ઈરાક. અલ કાયદા તાલિબાનનો વડો ઝવાહિરી હતો જ્યારે અલ કાયદા ઈરાકનું સુકાન અલ બગદાદીના હાથમાં હતું. • લાદેનના મોત પછી ઝવાહિરીની પકડ ઢીલી પડતી ગઈ જ્યારે અલ બગદાદીએ નવેસરથી આતંકનું સંગઠન કરીને સિરિયા, ઈરાકમાં ભારે દહેશત ફેલાવવામાં સફળતા મેળવી. પરિણામે ઈસ્લામિક વિશ્વમાં તેનું માન વધી ગયું. • પરિણામે નબળા પડેલા અલ ઝવાહિરીએ હવે ભારતને નિશાન બનાવવાની જાહેરાત કરીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો છે. • ભારતીય ઉપખંડના સંગઠનનું સુકાન જેને સોંપાયું છે એ અસિમ ઉમર જૈશ એ મહંમદનો કમાન્ડર હતો અને ગુજરાત સહિત ભારતની પશ્ચિમી સરહદ પર વ્યાપક પ્રમાણમાં સ્લિપર સેલ ધરાવતો હોવાનું કહેવાય છે.