નવી દિલ્હીઃ સર્વોચ્ચ અદાલતના ઐતિહાસિક ચુકાદાએ દસકાઓ પુરાણા રામ જન્મભૂમિ વિવાદનો અંત આણવાની સાથે જ તે સ્થળે મંદિર નિર્માણનો માર્ગ મોકળો કર્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વ હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે સર્વાનુમતે ચુકાદો આપતાં વિવાદના કેન્દ્રસ્થાને રહેલી જમીન પર બાબરી મસ્જિદ હોવાના દાવો ફગાવતાં કહ્યું છે કે અયોધ્યાના આ સ્થળે અગાઉ મંદિર હતું. આ સાથે જ કોર્ટે મસ્જિદના ગુંબજની જગ્યા હિંદુ પક્ષને આપવા જ્યારે મુસ્લિમ પક્ષને મસ્જિદ બાંધવા માટે અયોધ્યામાં અન્ય સ્થળે પાંચ એકર જમીન ફાળવવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે જ રામ મંદિરનું નિર્માણકાર્ય શરૂ કરવાના ચક્રો ગતિમાન થઇ ગયા છે. સંત સમાજે મંદિરના શિલાન્યાસ માટે બે તારીખ સૂચવી છે. અખિલ ભારતીય સંત સમિતિએ સર્વસંમતિથી કહ્યું છે કે મંદિરનું નિર્માણ હિન્દુ નૂતન વર્ષ અથવા તો ભગવાન રામના જન્મદિન - રામનવમીથી શરૂ કરાય. પંચાંગ અનુસાર હિન્દુ નૂતન વર્ષ ચૈત્ર માસના શુક્લ પક્ષના પડવાથી શરૂ થાય છે. એ ૨૫ માર્ચ ૨૦૨૦થી શરૂ થશે. રામનવમી બીજી એપ્રિલે છે. આ બે તારીખો અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ સંમત છે. સંઘ પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર સંત સમાજની સંમતિથી જ આગળની રૂપરેખા નક્કી કરાશે.
પહેલાં મંદિર નિર્માણની જવાબદારી વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) પાસે હતી, પણ હવે સુપ્રીમ કોર્ટે સરકારને મંદિર નિર્માણ માટે ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવવા કહ્યું છે. આથી સંત સમાજ અને સંઘની ભૂમિકા મહત્વની થઈ ગઈ છે. જોકે વિહિપ નેતાઓનું કહેવું છે કે રામ મંદિર નિર્માણની શરૂઆત કરવા સંતો દ્વારા સુચવેલી બે તારીખથી વધુ સારી કોઈ તારીખ હોઈ શકે નહીં. હવે સરકાર પર પણ દબાણ આવશે કે તે જલદી ટ્રસ્ટ બનાવે અને તેમાં સંતોના અગ્રણી જૂથોને સામેલ કરે.
ત્રણ મહિનામાં ટ્રસ્ટ રચવા આદેશ
ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કોઈ પક્ષકારોને વિવાદિત જમીનના એક્સક્લુસિવ અધિકારો આપ્યાં નથી. કોઈ પણ પક્ષના ટાઇટલ ક્લેઇમની તરફેણ કરવાના બદલે સુપ્રીમ કોર્ટે ૨.૭૭ એકરની વિવાદાસ્પદ તેમજ તેની આસપાસની ૬૭ એકર જમીન સંપાદિત કરનાર ભારત સરકારને રામ મંદિરના નિર્માણ અને સંપત્તિના મેનેજમેન્ટ માટે ૩ મહિનામાં સ્કીમ તૈયાર કરવા આદેશ આપ્યો છે. સરકાર નવા રચાયેલા ટ્રસ્ટને આ સંપત્તિની સોંપણી ન કરે ત્યાં સુધી તેનો કબજો સરકાર પાસે રહેશે.
મસ્જિદ માટે પાંચ એકર જમીન
કોર્ટે જણાવ્યું હતું કે ટ્રસ્ટને જમીન ટ્રાન્સફર કરવાની સાથે સાથે સરકારે યોગ્ય અને સારી જગ્યાએ સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદના નિર્માણની સ્વતંત્રતા સાથે પાંચ એકર જમીન આપવાની રહેશે. કોર્ટે જણાવ્યું છે કે, ૧૯૩૪ના રમખાણો, ૨૨-૨૩ ડિસેમ્બર ૧૯૪૯ની રાત અને છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના રોજ મસ્જિદ તોડી પાડીને મુસ્લિમોને ૧૫૦૦ ચોરસ વારની મસ્જિદમાંથી બહાર હાંકી કઢાયા હતાં. સુપ્રીમ કોર્ટ બંધારણના આર્ટિકલ ૧૪૨માં તેને મળેલા અધિકાર અંતર્ગત જે ખોટું કરાયું છે તેને સુધારવા પ્રતિબદ્ધ છે. ચીફ જસ્ટિસે ચુકાદો વાંચી સાંભળતા જણાવ્યું હતું કે કાયદાના શાસનને પ્રતિબદ્ધ એવા બિનસાંપ્રદાયિક દેશમાં મસ્જિદથી વિમુખ કરી દેવાયેલા મુસ્લિમોના અધિકારની અવગણા ન્યાય નહીં ગણાય.
મુસ્લિમ પક્ષ પુરાવા આપી નથી શક્યો
કોર્ટે તેના ચુકાદામાં નોંધ્યું હતું કે, ૧૬મી સદીમાં બાબરી મસ્જિદનું નિર્માણ થયું ત્યારથી ૧૮૫૭ સુધી વિવાદિત સ્થળના આંતરિક પરિસર પર પોતાનો કબજો હતો તેવું પુરવાર કરતો કોઈ પુરાવો મુસ્લિમો રજૂ કરી શક્યા નથી. બીજી તરફ, બાબરી મસ્જિદનું નિર્માણ કરાયું હતું તે જ રામ જન્મસ્થાન છે તેવી આસ્થાને સમર્થન આપતાં દસ્તાવેજી અને મૌખિક પુરાવા રજૂ કરાયાં છે. આસ્થાને ઉચિત ગણવી કે કેમ તે કોર્ટના દાયરાની બહારની વસ્તુ છે. જજો ધર્મશાસ્ત્રોમાં ઊંડા ઉતરવા માગતા નથી, પરંતુ પોતાને પુરાવા તથા સંભાવનાઓના સંતુલન પુરતા મર્યાદિત રાખવા માગે છે.
૬૯ વર્ષ જૂના રિપોર્ટનો સંદર્ભ
સુપ્રીમ કોર્ટે અયોધ્યા ચુકાદામાં કમિશનરના એ રિપોર્ટને સ્થાન આપ્યું, જેના કારણે હિંદુઓને બીજી વાર મૂળ સ્થાને પૂજાપાઠની મંજૂરી મળી છે. હકીકતમાં ૧૯૪૯માં મુસલમાનોને નમાજ પઢતા જ નહોતા રોકાયા, પરંતુ હિંદુઓના પૂજાપાઠ પણ બંધ કરાયા હતા. જ્યારે ગોપાલસિંહ વિશારદે ૧૯૫૦માં વિવાદિત સ્થળે પૂજાપાઠ માટે મૂર્તિઓ નહીં હટાવવાની માંગ કરી હતી. આથી ફૈઝાબાદ કોર્ટે એક કમિશનર નિયુક્ત કર્યો. એ વખતે કોર્ટ કમિશનરે હિંદુ - મુસ્લિમ બંને પક્ષની હાજરીમાં વિવાદિત સ્થળનો એક રિપોર્ટ બનાવ્યો હતો. તેના આધારે કોર્ટને આ વિવાદ સમજવામાં મદદ મળી હતી.
સૌના મનમાં વસ્યા રામ
અયોધ્યા વિવાદ અંગે શનિવારે સુપ્રીમનો ચુકાદો આવ્યો. દેશભરમાં શાંતિ રહી. જોકે મોટા ભાગના શહેરોમાં સન્નાટો જોવા મળ્યો અને સુરક્ષા દળ તહેનાત રહ્યા. ૧૯૯૨માં હિંસામાં સપડાયેલી દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ શાંતિ રહી. મુંબઇના બાંદ્રામાં રહેતાં ખાતુન શેખ કહે છે કે ૨૭ વર્ષ થઈ ગયા આ ઝઘડાને, હવે થાકી ગયા છીએ. હવે ઝઘડો નથી જોઈતો. છેલ્લી બે જુમ્માની નમાજ દરમિયાન મુંબઈમાં તમામ મુસ્લિમ ધર્મગુરુઓએ મસ્જિદમાં એલાન કર્યું હતું કે ચુકાદો કોઇ પણ આવે એક પણ મુસલમાન રિએક્ટ નહીં કરે કે કોઈ પ્રતિક્રિયા નહીં આપે.
બીજી તરફ ઉત્તર પ્રદેશના બરેલીમાં હિન્દુ-મુસ્લિમ લોકોએ એકબીજાને ગુલાબના ફૂલ આપ્યા હતા. ઇટાવામાં બડી મસ્જિદમાં શાંતિનો સંદેશ અપાયો હતો. ચુકાદો આવતાં પહેલાં અલીગઢ, મુઝફ્ફનગર, કાનપુરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ હતી. જોકે મધ્ય પ્રદેશના ખરગોનમાં આતશબાજી કરી રહેલા બે યુવકોની પોલીસે ધરપકડ કરી હતી.
જનભાગીદારીથી ભંડોળ એકત્ર કરો
ચુકાદા પછી અયોધ્યા હવે મેકઓવર માટે તૈયાર છે. ૬૭ એકર જમીન પર રામ મંદિરની સાથે શું બનશે, ૧૦ કિમીના દાયરામાં અયોધ્યા કેવી રીતે બદલાશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સંતો-મહંતોએ અયોધ્યાને દુનિયાના સૌથી ઉત્તમ ધાર્મિક સ્થળના રૂપમાં વિકસિત કરવા અને સૌથી ભવ્ય રામ મંદિર બનાવવાની માંગ કરી છે.
અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું કે, હવે અહીં કંબોડિયામાં આવેલા વિશ્વના સૌથી મોટા વિષ્ણુ મંદિરની તર્જ પર રામમંદિર બનવું જોઈએ. જેથી દુનિયા ભારતના સ્થાપત્ય અને સમૃદ્ધ વારસાને નવા રૂપમાં જુએ. મંદિર માટે પ્રસ્તાવિત ટ્રસ્ટે જનભાગીદારીથી ભંડોળ ભેગું કરવું જોઈએ. સોમનાથ ટ્રસ્ટની તર્જ પર તે અસ્તિત્વમાં આવ્યા પછી ઓનલાઈન એકાઉન્ટ બનાવીને ભંડોળ ભેગું કરે. દિગંબર અખાડાના મહંત સુરેશ દાસે કહ્યું કે, રામજન્મભૂમિ પર દુનિયાનું સૌથી મોટું મંદિર બનાવવું જોઈએ. સુરેશ દાસ, રામચંદ્ર પરમહંસના ઉત્તરાધિકારી છે. મહંત અવધેશ દાસ કહે છે કે, પ્રસ્તાવિત ટ્રસ્ટને વિશાળ રામમંદિરની સાથે સમગ્ર અયોધ્યાનું નિર્માણ કરવું જોઈએ.