વોશિંગ્ટન: મિનિયાપોલીસમાં અશ્વેત જ્યોર્જ ફ્લોયડનું પોલીસ દમનમાં મૃત્યુ નીપજ્યા બાદ અમેરિકાભરમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. વિરોધની એક ચિનગારીએ સમગ્ર દેશને હિંસાના દાવાનળમાં ધકેલી દીધું છે. ૧૯૬૮માં ડો. માર્ટિન લ્યૂથર કિંગની હત્યા બાદ પહેલી વાર અમેરિકામાં આટલા વ્યાપક સ્તરે આક્રોશ જોવા મળ્યો છે. એક તબક્કે તો અમેરિકી પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ નજીક સ્થિતિ એટલી સ્ફોટક બની હતી કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારને બંકરમાં આશરો લેવો પડ્યો હતો. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સેનાની ટુકડીઓને તૈયાર રહેવાના આદેશ આપ્યા છે.
અમેરિકામાં ૧૯૯૨ પછી પહેલી વાર આર્મીને એલર્ટ રહેવાનાં આદેશો અપાયા છે. આ અગાઉ ૧૯૯૨માં લોસ એન્જલસમાં તોફાનો બેકાબુ બનતા તત્કાલિન સરકાર દ્વારા આર્મીને એલર્ટ કરાઇ હતી. વોશિંગ્ટન, ન્યૂયો ર્ક, કેલિફોર્નિયા, શિકાગો, લોસ એન્જલસ, મેમ્ફિસ, ફિનિક્સ, ડેનવર, લાસ વેગાસ, હ્યુસ્ટન, એટલાન્ટા સહિત અનેક શહેરોમાં હિંસા ફાટી નીકળી છે. હજારો દેખાવકારો રસ્તા પર ઉતરી પડ્યા છે.
હિંસક દેખાવકારોએ વ્હાઈટ હાઉસની સામે જ આવેલા ૨૦૦ જૂના ઐતિહાસિક સેન્ટ જોન ચર્ચને સળગાવી નાંખ્યું છે. પ્રદર્શનકારીઓએ કેટલીય ઇમારતોના કાચ તોડી નાંખ્યા છે તો કેટલીક કારને આગ ચાંપી દીધી હતી. વોશિંગ્ટન મોન્યુમેન્ટ નજીક પણ આગચંપીની ઘટના બનતાં ચોમેર ધુમાડાના ગોટેગોટા છવાઇ ગયા હતા. દેખાવકારોએ અમેરિકી રાષ્ટ્રધ્વજને આગ ચાંપતાં પોલીસને અશ્રવાયુ અને બળપ્રયોગ કરીને તેમને વિખેરવાની ફરજ પડી હતી.
અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડની પોલીસ દ્વારા હત્યાના વિરોધમાં વીતેલા છ દિવસથી અમેરિકાના ૧૪૦ શહેરોમાં હિંસક દેખાવો અને લૂંટફાટનો દોર ચાલે છે. રમખાણો અને હિંસાને કારણે અમેરિકાના ૪૦ જેટલા શહેરોમાં કરફ્યૂ લદાયો છે. આ શહેરોમાં આગજની અને લૂંટની ઘટનાએ માઝા મૂકી છે. પોલીસે ૪,૦૦૦થી વધુ લોકોની ધરપકડ કરી છે.
રવિવારે વહેલી સવારે ૧૧ રાજ્યો અને ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયામાં નેશનલ ગાર્ડ તહેનાત કરાયાં હતા. જેમાં કેલિફોર્નિયા, જ્યોર્જિયા, મિનેસોટા, નેવાડા, ઓહિયો, વોશિંગ્ટન, ટેનેસી, ટેક્સાસ, ઉટાહ સામેલ છે.
હાલ ૪૦ શહેરોમાં કરફ્યૂ લદાયો છે. જેમાં એટલાન્ટા, સાન ફ્રાન્સિસ્કો, લૂઇસ વિલે, લોસ એન્જલસ, પોર્ટલેન્ડ, કોલંબિયા, સાઉથ કેરોલિના, સિનસિનાટી, ક્લીવલેન્ડ, સિએટલ, શિકાગો વગેરેનો સમાવેશ થાય છે.
હિંસાને અટકાવવા વિવિધ શહેરોમાં નેશનલ ગાર્ડ્સની તૈનાતી અને કરફ્યુ છતાં સ્થિતિમાં કોઇ સુધારો જોઇ શકાયો નહોતો. મોટી સંખ્યામાં પોલીસનાં વાહનો સળગાવી દેવાયાં હતા અને સ્ટોર્સમાં લૂંટફાટ કરાઇ હતી. હિંસાના એપી સેન્ટર મિનિયાપોલિસમાં હિંસક ટોળાંને વિખેરવા પોલીસને ટિયરગેસના શેલ છોડવા પડ્યા હતા.
ટ્રમ્પ પરિવાર બંકરમાં!
આ પૂર્વે શુક્રવારે મોડી રાતે વ્હાઈટ હાઉસ બહાર સર્જાયેલી ગંભીર સ્થિતિના અહેવાલો હવે બહાર આવી રહ્યા છે. તે દિવસે વ્હાઈટ હાઉસ બહાર જ હિંસક વિરોધ સાથે આગચંપી કરી રહેલા લોકો અને સુરક્ષા દળો વચ્ચે સર્જાયેલી અથડામણમાં સિક્રેટ સર્વિસના ૫૦ એજન્ટને ઈજા પહોંચી હતી. સ્થિતિ એટલી સ્ફોટક બની હતી કે સિક્રેટ સર્વિસને અમેરિકી પ્રમુખને સુરક્ષા માટે તૈયાર થયેલા વિશેષ બંકરમાં ખસેડવા ફરજ પડી હતી. તે સમયે સેંકડો દેખાવકારો એક્ઝિક્યુટિવ મેન્શન બહાર જ એકઠા થઈ ગયા હતા. પોલીસ બેરિકેડને તોડવા પ્રયાસ કરતા તેઓ ભારે પથ્થરમારો કરી રહ્યા હતા. સિક્રેટ સર્વિસના એજન્ટ તે સમયે પ્રમુખ ટ્રમ્પની સુરક્ષા માટે તેમને બંકરમાં લઈ ગયા હતા. મોટો ત્રાસવાદી હુમલો થાય તો પ્રમુખનો બચાવ થઈ શકે તે હેતુસર આ બંકર બનાવેલું છે. અમેરિકી પ્રમુખે બંકરમાં એક કલાક પસાર કર્યો હતો.
અરાજકતા માટે ડાબેરી જવાબદારઃ ટ્રમ્પ
પ્રમુખ ટ્રમ્પે અમેરિકામાં હિંસા માટે ડાબેરી જૂથોને જવાબદાર ઠેરવ્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ‘હિંસાખોરોએ સામાન્ય લોકોને ડરાવી દીધા છે. તેઓ ઉદ્યોગગૃહોની સંપત્તિને સતત નુકસાન પહોંચાડી રહ્યા છે. આગચંપી કરીને દેશની સંપત્તિને નુકસાન કરી રહ્યા છે. જ્યોર્જ ફ્લોયડની યાદોને ઉપદ્રવીઓ અને લૂંટારુઓએ બદનામ કરી છે.’
પ્રમુખ ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે, વ્હાઇટ હાઉસની ફેન્સ પર હુમલો કરનારા ટોળા પર શિકારી કૂતરા છોડી દેવાની અને તેમનું અત્યંત ઘાતક હથિયારોથી સ્વાગત કરવાની જરૂર હતી. ટ્રમ્પે તેમના સમર્થકોને વ્હાઇટ હાઉસ ખાતે એકઠાં થઇ ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ માટે દેખાવો કરવાનું આહવાન કર્યું હતું.
દરમિયાન વ્હાઈટ હાઉસે પોતાના કર્મચારીઓને એક મેઈલ કરીને કહ્યું છે કે, તમારા એન્ટ્રી પાસ છુપાવીને રાખજો, તમે ક્યાંક દેખાવકારોઓના શિકાર ના બની જાઓ અને કોઈ પાસ છીનવી ના લે.
૧૫ શહેરોમાં નેશનલ ગાર્ડ તૈનાત
સમગ્ર અમેરિકામાં લૂંટ અને આગચંપીની ઘટનાઓ સતત વધી રહી છે. વર્ષ ૨૦૦૧ના ત્રાસવાદી હુમલા પછી પહેલી જ વાર વ્હાઇટ હાઉસ ખાતે સુરક્ષા માટે સર્વોચ્ચ સ્તરનું હાઇ એલર્ટ અપાયું હતું. આ સંજોગોમાં સ્થિતિને અંકુશમાં લેવા વોશિંગ્ટન સહિત ૧૫ શહેરોમાં ૫,૦૦૦ નેશનલ ગાર્ડ્સ તૈનાત કરાયા છે. આ ઉપરાંત ૧૩,૦૦૦ નેશનલ ગાર્ડને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. હાલમાં કોલંબિયા, કેલિફોર્નિયા, જ્યોર્જિયા, મિનેસોટા, મિસુરી, નેવાડા, ઓહિયો, ટેનેસ્સી, ટેકસાસ, ઉટાહ, વોશિંગ્ટન સહિતના શહેરોમાં નેશનલ ગાર્ડ તૈનાત કરાયા છે.
પોલીસે જાહેરમાં માફી માગી, લોકો રડી પડયા
અમેરિકામાં વણસેલા તોફાનો અને હિંસાને અટકાવવા માટે એક તરફ બળપ્રયોગ કરાઇ રહ્યો છે તો બીજી તરફ કેટલાક શહેરોમાં પોલીસ દ્વારા લોકોના વિરોધને સમર્થન અપાઇ રહ્યું છે. લોકોમાં ભારે રોષની લાગણી છે તેનો પોલીસ સ્વીકાર કરી રહી છે. જ્યોર્જની હત્યા થવા અંગે માફી પણ માગી છે. ન્યૂ યોર્ક, મિયામી, સેન્ટા ક્રૂઝ, ઓકલાહોમા, જેવા મોટા શહેરોમાં પોલીસે ઘુંટણીયે બેસીને પોતાના સાથીની ભુલની માફી માગી હતી. આ ઉપરાંત ઘણા સ્થળે લોકોને પોલીસે શાંત રાખવા અને સ્થિતિ થાળે પાડવા સમજાવટનો રસ્તો અપનાવ્યો હતો. પોલીસે કેટલાક સ્થળે વિરોધ કરનારા લોકોને ભેટીને પોતાના સાથીના કાર્યની માફી માગી હતી. લોકો પોલીસની આ લાગણી જોઈને ગળગળા થઈ ગયા હતા અને પોલીસને ભેટીને રડવા પણ લાગ્યા હતા.
અનેક શહેરોમાં હિંસાનું તાંડવ
ન્યૂ યોર્કમાં પોલીસના સંખ્યાબંધ વાહનોમાં તોડફોડ કરાઇ હતી અને બિગ એપલ સ્ટોરને આગ ચાંપી દેવાઇ હતી. ડલ્લાસમાં એક સ્ટોરને લૂંટતા ટોળાને અટકાવવા જતી વ્યક્તિ પર હુમલો કરાતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. એટલાન્ટામાં ટોળાએ હુમલો કરતાં પોલીસના એક જવાનને ગંભીર ઇજા પહોંચી હતી. શિકાગોમાં એક તોફાની પોલીસના ઘોડાને છીનવીને નાસી છૂટયો હતો. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરીને વાહનોમાં ભારે તોડફોડ કરી હતી.
લોસ એન્જલસમાં ૧૯૯૨નાં રમખાણો બાદ પહેલી વાર નેશનલ ગાર્ડની ટુકડીઓ તહેનાત કરાઇ હતી. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમે એલએ કાઉન્ટીમાં ઇમર્જન્સી જાહેર કરી હતી. વોશિંગ્ટનમાં ટોળા વ્હાઇટ હાઉસ પર હુમલો ન કરે તે માટે નેશનલ ગાર્ડ્સની ટુકડીઓ અને સિક્રેટ સર્વિસના એજન્ટને તહેનાત કરાયા છે. લાસ વેગાસ, પોર્ટલેન્ડ, સોલ્ટ લેક સિટી, સિનસિનાટી, નેશવિલે, ન્યૂયોર્ક, ક્લીવલેન્ડ સહિતનાં શહેરોમાં મોટા પાયે હિંસા આચરાઇ હતી.
પોલીસે દેખાવકારો પર વાહનો ચડાવી દીધાં
ન્યૂ યોર્ક નજીક આવેલા પરા વિસ્તાર બ્રુકલિનમાં દેખાવો કરી રહેલા લોકો પર ન્યૂ યોર્ક પોલીસના અધિકારીઓએ બે વાહનો ચડાવી દીધાં હતાં. દેખાવકારો ફ્લોયડની હત્યાનો વિરોધ કરી રહ્યાં હતાં અને પોલીસના વાહનને બેરિકેડ દ્વારા રોકી રહ્યાં હતાં ત્યારે પોલીસના બે વાહનના ચાલકોએ દેખાવકારોને વિખેરવા તેમના પર વાહનો ચડાવી દેવાનો પ્રયાસ કરતા આક્રોશ ફેલાયો હતો.
‘મને શ્વાસ લેવામાં તકલીફ થાય છેઃ ફ્લોયડના છેલ્લા શબ્દો
મિનિયાપોલિસ પોલીસ દ્વારા ૨૬ મેનાં રોજ જ્યોર્જ ફ્લોયડની ૨૦ ડોલરની નકલી નોટ વડે ખરીદી કરવા બદલ છેતરપિંડીનાં આરોપસર ધરપકડ કરાઈ હતી. આ પહેલા પોલીસે તેને અટકાયતમાં લેતી વખતે રસ્તા પર પાડી દઇને દબાવી દીધો હતો અને તેને હાથકડી પહેરાવી હતી. આ સમયે ડેરેક ચોવિયન નામના પોલીસ અધિકારીએ ૮ મિનિટ સુધી તેની ગરદન પર પગ મૂકી રાખ્યો હતો. આ સમયે જ્યોર્જે કહ્યું હતું કે મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, પગ હટાવી લ્યો, પરંતુ પોલીસે તેની કોઇ વાત કાને ધરી નહોતી.
બાદમાં જ્યોર્જને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાનો વીડિયો વાઈરલ થતાં લોકો વિફર્યા હતા અને વિરોધ પ્રદર્શનો કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. ફ્લોયડ સાથે બળપ્રયોગ કરનાર અધિકારી ચોવિયન સામે થર્ડ ડિગ્રી હત્યાનો આરોપ લગાવીને ધરપકડ કરાઇ છે. હાલ અટકાયતમાં રહેલા આરોપી પોલીસ અધિકારીને અમેરિકાની સૌથી સુરક્ષિત જેલમાંની એક ઓક પાર્ક હાઈટ્સમાં રાખવામાં આવ્યો છે.
ટ્રમ્પે બળતામાં ઘી હોમ્યું
દરમિયાન પ્રમુખ ટ્રમ્પે એક તબકકે એવું ટ્વિટ કર્યું હતું કે અમે લૂંટારાઓ પર ગોળી ચલાવતા ખચકાશું નહીં... તેમની આ ટ્વિટે બળતામાં ઘી હોમ્યું હતું. ટ્રમ્પે લખ્યું હતું કે જો મેયર જેકબ કાર્યવાહી નહીં કરે તો હું નેશનલ ગાર્ડ્સને મોકલીશ. અમેરિકાનું ઐતિહાસિક શહેર મિનિયાપોલીસને તબાહ નહીં થવા દઉં. શહેર નિયંત્રણમાં નહીં આવે તો હું આ લૂંટારાઓ સામે આકરી કાર્યવાહીનો આદેશ આપીશ. જો પ્રદર્શનકારીઓ લૂંટ શરૂ કરશે તો હું ગોળીબાર શરૂ કરાવીશ.