નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત અમેરિકન મેગેઝિન ‘ટાઇમ’ના કવર પેજ પર ચમક્યા છે, પરંતુ આ વખતની કવર સ્ટોરીએ ભારતીય રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. એક સમયે મોદીને ભારતની આશા ગણાવનાર ટાઇમ મેગેઝિને લોકસભા ચૂંટણી અંતિમ તબક્કામાં પહોંચી છે ત્યારે જ પ્રસિદ્ધ કરેલી કવર સ્ટોરીના એક લેખમાં મોદીને ભાગલાવાદી અને આર્થિક સુધારામાં નિષ્ફળ નેતા ગણાવ્યા છે તો આ જ અંકના બીજા લેખમાં સુધારાવાદી ગણાવ્યા છે.
‘ઇન્ડિયાસ ડિવાઇડર ઇન ચીફ’ નામના ટાઇટલ સાથે પ્રકાશિત આ કવર સ્ટોરીમાં પત્રકાર આતિશ તાસીરે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ‘શું વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર મોદી સરકારના વધુ પાંચ વર્ષના શાસન સામે ટકી શકશે?’ જ્યારે ઇયાન બ્રેમર નામના પત્રકારે મોદીને આર્થિક સુધારાવાદી ગણાવતા પ્રશંસાના પુષ્પો વરસાવ્યા છે.
‘ટાઇમ’ મેગેઝિને આગામી ૨૦ મેના રોજ પ્રસિદ્ધ થનારા અંકના કવર પેજ પર નરેન્દ્ર મોદીના રંગીન રેખાંકન સાથે ‘ઇન્ડિયાસ ડિવાઇડર ઇન ચીફ’ ટાઇટલ મૂક્યું છે. આ ટાઇટલનો સીધો સંબંધ અંકમાં પ્રકાશિત આતીશ તાસીરના લેખ સાથે છે. જેનું શીર્ષક છેઃ ‘શું વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર નરેન્દ્ર મોદી સરકારનાં બીજા પાંચ વર્ષ વેઠી શકશે?’ ૧૯ મેનાં રોજ લોકસભા ચૂંટણીના અંતિમ - સાતમા તબક્કામાં આઠ રાજ્યોમાં ૫૯ બેઠકો માટે મતદાન થવાનું છે અને ૨૩ મેના રોજ પરિણામ જાહેર થવાના છે.
શું લખ્યું છે કવર સ્ટોરીમાં?
‘ટાઇમ’ દ્વારા પ્રકાશિત થયેલી કવર સ્ટોરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતના મુખ્ય પ્રધાનથી દેશના વડા પ્રધાન બનવાની વાત કરવામાં આવી છે. ૨૦૧૪માં થયેલા તેમના શાનદાર વિજયને છેલ્લા ત્રણ દસકામાં થયેલો સૌથી મોટો વિજય ગણાવામાં આવ્યો છે અને ત્યારબાદ તેનાં પાંચ વર્ષના કાર્યકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાની મૂળના પત્રકાર આતિશ તાસીરે આ અહેવાલમાં નેહરુના સમાજવાદ અને ભારતની વર્તમાન સામાજિક સ્થિતિની પણ સરખામણી કરી છે. તેમણે કહ્યું છે કે મોદીના પાંચ વર્ષના શાસનમાં પ્રત્યેક સ્તર પર ઉદારવાદની જગ્યાએ ધાર્મિક કટ્ટરવાદ, મુસલમાનો વિરુદ્ધ ભાવના અને જાતિગત કટ્ટરવાદ કર્યો છે.
મોદીએ ૨૦૧૪માં આપેલા આર્થિક વચનો અંગે પણ પ્રશ્ન ઉઠાવતા તાસીરે કહ્યું છે, ‘મોદીના આર્થિક ચમત્કારો નિષ્ફળ જ નથી ગયા, પરંતુ તેમણે દેશમાં ઝેરી ધાર્મિક રાષ્ટ્રવાદનું વાતાવરણ સર્જ્યું છે.’ આ લેખમાં તેમણે ૧૯૮૪ના શીખ રમખાણો અને ૨૦૦૨માં ગુજરાતના કોમી રમખાણોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તાસીર એમ પણ લખે છે કે ૨૦૧૪માં મોદીએ નાગરિકોના આક્રોશનો લાભ ખાટવા માટે આર્થિક વચનો આપીને તેમને પોતાના વશમાં કરી લીધા હતા. તેમણે નોકરી અને વિકાસની વાતો કરી હતી, પણ હવે એવું માનવું મુશ્કેલ લાગે છે કે તે ખરેખર વાસ્તવિક આશાઓ જગાવતી ચૂંટણી હતી. આ વચનો અને આશા ઠગારા નીવડ્યા છે. આર્થિક ચમત્કાર લાવવાના મોદીએ કરેલા વાયદા નિષ્ફળ ગયા છે. ખરેખર તો મોદીએ સત્તા પર આવીને ધાર્મિક રાષ્ટ્રવાદનું વાતાવરણ સર્જી ઝેર જ ફેલાવ્યું છે.
જોકે ‘ટાઇમ’ની આ જ આવૃત્તિમાં અન્ય એક પત્રકાર ઇયાન બ્રેમરે નરેન્દ્ર મોદીને આર્થિક સુધારાવાદી ગણાવ્યા છે. તેમણે પાંચ વર્ષમાં મોદીએ હાથ ધરેલા આર્થિક સુધારાઓ અંગે લખ્યું છે અને લેખના અંતે નોંધ્યું છે કે મોદીનો ટ્રેક રેકોર્ડ ખૂબ જ સારો છે અન ભારતને વિકાસ માટે તાત્કાલિક જે આર્થિક સુધારાની જરૂર છે તે મોદી જ કરી શકે તેમ છે.
એક લેખમાં ટીકા, બીજામાં પ્રશંસા
‘ટાઈમ’ના જે આગામી અંકમાં મોદીની ‘ઇન્ડિયાસ ડિવાઇડર ઇન ચીફ’ શીર્ષક હેઠળ કવર સ્ટોરી છે તે જ અંકમાં એક બીજો લેખ પણ છે જેનું હેડિંગ ‘મોદી ઇઝ ઇંડિયાસ બેસ્ટ હોપ ફોર ઇકોનોમિક રિફોર્મ’ છે. આ લેખમાં ઇયાન બ્રેમર નામના લેખક પત્રકારે મોદીની આર્થિક નીતિઓની જોરદાર પ્રસંશા કરી છે. બ્રેમર લખે છે કે નરેન્દ્ર મોદી જ એક એવા વ્યક્તિ છે કે જે ભારતને કંઈક આપી શકે છે. ભારતે મોદીના નેતૃત્વમાં ચીન, અમેરિકા, જાપાન જોડેના તેના સંબંધો તો સુધાર્યા જ છે, પણ તેના દેશની આંતરિક નીતિઓમાં પણ બદલાવ લાવીને કરોડો નાગરિકોની જિંદગીમાં સુધારો લાવવામાં સફળતા મેળવી છે.
મોદીએ જટિલ કરવેરાના માળખાને સરળ બનાવતા જીએસટીને લાગુ કર્યો જે સરાહનીય પગલું ગણી શકાય. નવા માર્ગોનું નિર્માણ, હાઈ-વે, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને એરપોર્ટના નવિનીકરણથી આર્થિક વિકાસની સંભાવનાઓમાં આશાનો સંચાર થયો છે તેમ બ્રેમરે લખ્યું છે. ૭૦ વર્ષોથી જ્યાં અંધારું હતું ત્યાં મોદી સરકારે વીજળી પહોંચાડી છે. આમ ‘ટાઈમ’માં મોદી પરના બે વિરોધાભાસી લેખથી એવું પણ લાગે કે તેણે દૂધ અને દહીં બંનેમાં પગ રાખવાનો પ્રયાસ કર્યો છે.
કોણ છે આતિશ તાસીર?
૩૯ વર્ષના આતિશ તાસીર બ્રિટનમાં જન્મેલા લેખક-પત્રકાર છે. ‘ટાઇમ’ કવર સ્ટોરી બાદ દેશવિદેશના ભારતીયોમાં ચર્ચાસ્પદ નામ બની ગયેલા આતિશ ભારતીય પત્રકાર તવલીન સિંહ અને પાકિસ્તાની રાજકારણી તથા ઉદ્યોગપતિ સલમાન તાસીરના પુત્ર છે. એક જમાનામાં ભારતનાં સુપ્રસિદ્ધ પત્રકાર તવલીન સિંહ પાકિસ્તાનના અગ્રણી સલમાન તાસીરની મુલાકાત લેવા ગયા હતા અને પહેલી નજરે જ તેમના પ્રેમમાં પડી ગયા હતા અને બે દિવસ તેમના મહેમાન તરીકે હોટેલમાં રોકાયા. તેમના સંબંધનું પરિણામ એટલે આતિશ તાસીર. જોકે હાલમાં તવલીન સિંહ ભારતના ઉદ્યોગપતિ અજીત ગુલાબચંદ સાથે લગ્ન વગર મુંબઇમાં રહે છે. આતિશે ફ્રેન્ચ અને પોલિટિકલ સાયન્સમાં બી.એ. કર્યું છે. આતિશ હમેશા કહેતા કે તેના પિતા હમેશા ભારતને ધિક્કારતા હતા. ૨૦૧૧માં પાકિસ્તાનમાં ધાર્મિક કટ્ટરવાદીઓએ તેની હત્યા કરી હતી.
સોશિયલ મીડિયામાં વિરોધ-તરફેણ
‘ટાઇમ’ મેગેઝિને જે પ્રકારે કવર પેજ પર મોદીને ‘ઇન્ડિયાસ ડિવાઇડર ઇન ચીફ’ તરીકે રજૂ કર્યા છે તેના પર વિવાદ થઈ ગયો છે અને આ કવર પેજ ભારતમાં ટ્રેન્ડ થવા લાગ્યું છે. કેટલાંક લોકોનું કહેવું છે કે ‘ટાઇમ’ મેગેઝિન એક વિદેશી મેગેઝિન છે તેમને આપણા વડા પ્રધાન વિશે કશું કહેવાનો હક નથી. તો કેટલાક લોકો એવાં પણ છે કે જેમણે ‘ટાઇમ’ મેગેઝિનનું સમર્થન પણ કર્યું છે. એક વર્ગનું કહેવું છે કે મેગેઝિને સાચી વાત લખી છે તો કેટલાક લોકો તેને મોદીની લોકપ્રિયતા સાથે જોડીને પણ લખે છે.
ઠાકુર અમીશા સિંહ લખે છે કે એક મોદી પર સમગ્ર દુનિયા હાથ ધોઈને પાછળ પડી છે. મતલબ સાફ છે કે વ્યક્તિમાં દમ જ નહીં, પરંતુ સમગ્ર દુનિયાને પોતાની પાછળ નચાવવાની તાકાત પણ છે. તો અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે નરેન્દ્ર મોદીના કારણે તો વિપક્ષ એકસાથે આવી ગયો છે, તમે તેને વિભાજન કરનારા શા માટે કહો છો?
ત્રણ કવર સ્ટોરી, ત્રણેયમાં અલગ વિચાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ‘ટાઇમ’ મેગેઝિને ત્રણ વખત કવર સ્ટોરી કરી છે. અને દરેક વખત તેમાં અલગ અલગ વિચાર જોવા મળે છે.
• મોદીને વર્ષ ૨૦૧૨માં વડા પ્રધાન પદના દાવેદાર જાહેર કરાયા હતા. તે સમયે ‘ટાઇમ’ના કવર પેજ પર સૌપ્રથમ વખત મોદી ચમક્યા હતા અને તેનું ટાઇટલ હતું ‘મોદી મીન્સ બિઝનેસ’, પરંતુ શું તેઓ ભારતનું નેતૃત્વ કરી શકશે? તેવો સવાલ પણ કરાયો હતો.
• મોદી વડા પ્રધાન બન્યા પછી ૨૦૧૫માં તેનું ટાઇટલ હતું ‘વ્હાય મોદી મેટર્સ’ આ સમયે પણ ‘ટાઇમ’એ સવાલ ઉઠાવ્યો હતો કે વિશ્વ માટે ભારત ગ્લોબલ પાવર બને તે જરૂરી છે ત્યારે એક વર્ષમાં શું વડા પ્રધાન મોદી તે કરી બતાવશે?
• આ વખતે ‘ટાઇમ’ મેગેઝિને કોઇ સવાલ કરવાના બદલે નરેન્દ્ર મોદીને સીધા જ ભારતના ‘ચીફ ડિવાઇડર’ ગણાવ્યા છે. જોકે આ સાથે અન્ય એક લેખમાં મોદીને રિફોર્મર એટલે કે સુધારાવાદી પણ ગણાવ્યા છે.
આ ઉપરાંત ૨૦૧૬માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રીડર્સ પોલ દ્વારા પર્સન ઓફ ધ યર ૨૦૧૬ તરીકે પસંદ કર્યા હતા. યાદીમાં ૧૮ ટકા સાથે મોદી પ્રથમ સ્થાને હતા. તેમના પછીના ક્રમે તે સમયના અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું નામ હતું.