નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે કહેર વર્તાવ્યો છે ત્યારે ભારતમાં આ મામલે ગયા સપ્તાહ સુધી પરિસ્થિતિ કંઇક અંશે નિયંત્રણમાં જોવા મળતી હતી. જોકે વીતેલા સપ્તાહે દિલ્હીમાં તબલીગી જમાતનું મરકઝ પ્રકરણ બહાર આવ્યા બાદ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યાથી માંડીને મૃત્યુઆંકમાં રોકેટઝડપે વધારો નોંધાયો છે. મંગળવાર સાંજ સુધીમાં ભારતમાં કોરોનાગ્રસ્ત દર્દીનો કુલ મૃત્યુઆંક ૧૨૪ થયો છે જ્યારે કુલ કેસોની સંખ્યા ૪૮૦૦ નજીક પહોંચી ગઇ છે. આમાંથી ૩૦ ટકા જેટલા દર્દીઓ તબલીગી જમાત સાથે સંકળાયેલા છે.
સરકારે ભારપૂર્વક કહે છે કે લોકોએ ગભરાવાની જરૂર નથી. અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના વાઇરસના પ્રસારનું પ્રમાણ ધીમું છે. તો સ્વાસ્થ્ય મંત્રાલય કહે છે કે આ ભૂલો કાઢવાનો નહીં, પરંતુ પગલાં લેવાનો સમય છે. જોકે હકીકત અને પુરાવા સ્પષ્ટ કરે છે કે તબલીગી જમાતે દાખવેલી ગુનાહિત બેદરકારીએ ભારતમાં આ રોગના ફેલાવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. આ ધાર્મિક મેળાવડાની અસર દેશના અન્ય રાજ્યોમાં જોવા મળી છે. અનેક રાજયો આમાં હાજર રહેલા લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
એક સાથે ૬૦૦થી વધુ કોરોના પોઝિટિવ
તબલીગ જમાત એ ૧૯૨૬માં ઊભી કરાયેલી એક ઇસ્લામિક મિશનરી ચળવળ છે. આમાં વિશ્વભરમાંથી સભ્યો જોડાયેલા છે. આમાં દેશ-વિદેશથી ઉપદેશકો હાજરી આપે છે અને ઉપદેશ આપે છે. રાજધાનીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલી મરકઝમાં ૧૩થી ૧૫ માર્ચ જમાતનો ધાર્મિક મેળાવડો ઇજતેમા યોજાયો હતો, જેમાં દેશ-વિદેશના ૮૦૦૦થી વધુ ધર્મપ્રચારકોએ હાજરી આપી હતી. આ મેળાવડો પૂરો થયે મોટા ભાગના લોકો પોતપોતાના રાજ્યોમાં પરત જતા રહ્યા હતા, પરંતુ ૨૩૦૦થી વધુ લોકો અહીં જ રોકાઇ ગયા હતા. આ જાણકારી મળતાં જ વહીવટી તંત્રે તમામને બહાર કાઢીને તબીબી તપાસ હાથ ધરતાં અધિકારીઓની ઊંઘ ઉડી ગઇ હતી. આમાંથી ૬૧૭ વ્યક્તિ કોરોના સંક્રમિત જણાતા તેમને હોસ્પિટલે ખસેડાયા હતા જ્યારે ૧૭૪૪ને ક્વોરેન્ટાઇન કરીને મરકઝને સીલ મારી દીધું હતું.
આશંકા સાચી ઠરી
જોકે તંત્રની ચિંતા અહીં પૂરી નહોતી થતી. અધિકારીઓને આશંકા હતી કે મેળાવડામાં હાજરી આપીને પોતપોતાના વતન પહોંચી ગયેલાઓમાં પણ અનેક કોરોનાગ્રસ્ત હોઇ શકે છે. હવે તેમની આશંકા સાચી ઠરી રહી છે. એક જ સપ્તાહમાં દેશના વિવિધ ભાગોમાં કોરોનાગ્રસ્ત દર્દીની સંખ્યા અને મૃત્યુઆંકમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે અને તેના છેડા મરકઝ સુધી પહોંચે છે.
૧૭ રાજ્યોમાં પ્રસાર
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશના ૧૭ રાજ્યોમાં તબલીગી જમાત સાથે સંકળાયેલા ૧૦૨૩ કેસો જાણવા મળ્યા છે, અને હજુ તપાસ ચાલુ છે. અત્યાર સુધીમાં કોરોના વાઇરસ મામલે દેશભરમાં નોંધાયેલા કુલ કેસોમાંથી ૩૦ ટકા કેસ તબલીગી જમાત સાથે સંકળાયેલા છે. સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે તબલીગી જમાત સાથે સંકળાયેલા કેસ તામિલનાડુ, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, કાશ્મીર, કર્ણાટક, અંદામાન-નિકોબાર, ઉત્તરાખંડ, હિમાચલ, ઝારખંડ સહિતના રાજ્યોમાં છે.
હાલ બધા જ રાજ્યોની સરકારો યુદ્ધના ધોરણે કામ કરી રહી છે અને આ મેળાવડામાં હાજરી આપનારાઓને ટ્રેસ કરીને ક્વોરેન્ટાઇન કરી રહી છે. સાથોસાથ આ લોકોના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરેન્ટાઇન કરાઇ રહ્યા છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જમાતમાં સામેલ લોકોના સંપર્કમાં આવેલા ૨૨ હજારને ક્વોરેન્ટાઇન કરાયા છે.
મૌલાના સાદ લાપતા
મરકઝમાં નિયમોનો ભંગ કરીને ભીડ એકત્ર કરનાર કાર્યક્રમનો મુખ્ય આયોજક મૌલાના સાદ હાલ ક્યાં છે તે કોઇ જાણતું નથી. દિલ્હી પોલીસે તેને નોટિસ પાઠવીને મરકઝમાં મેદની એકત્ર કરવા સંદર્ભે કેટલાક સવાલો કર્યા તો જવાબમાં મૌલાના સાદે શનિવારે માત્ર એટલો જવાબ આપ્યો હતો કે ‘હાલ હું સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં છું, બાકીના સવાલોના જવાબ પછી આપીશ.’ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મૌલાના સાદને ૨૬ સવાલ પૂછ્યા છે. તેણે કહ્યું હતું કે હાલ મરકઝ બંધ છે તેથી મરકઝ ખુલશે ત્યારે બાકીના સવાલોના જવાબ આપીશ. મરકઝમાં એકત્ર થયેલી ભીડના કારણે દેશભરમાં કોરોના વાઇરસ ફેલાતા મૌલાના સાદ સહિત ૬ લોકો વિરુદ્ધ પોલીસે કેસ નોંધ્યો છે.
ફરાર મૌલાના સાદે જણાવ્યું છે કે, તબલીગી જમાતના સભ્યો સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરે અને મોટી સંખ્યામાં એકઠાં થવાનું ટાળે. વિશ્વમાં જે બની રહ્યું છે તે માનવજાતના અપરાધોના કારણે છે. આપણે ડોક્ટરોની સલાહ માનીને સરકારને સહકાર આપવો જોઇએ. તબલીગી જમાતના સભ્યો સરકારના આદેશોનું પાલન કરે.
૯૬૦ વિદેશી બ્લેકલિસ્ટ
કેન્દ્રના ગૃહ મંત્રાલયે દિલ્હીના નિઝામુદ્દીન ખાતે તબલીગી પ્રવૃત્તિમાં ભાગ લેનારા ૯૬૦ વિદેશીઓને બ્લેકલિસ્ટ કર્યા છે. તેઓ ટુરિસ્ટ વિઝા પર ભારતમાં પ્રવેશીને તબલીગી પ્રવૃત્તિઓમાં સામેલ થયા હોવાથી બ્લેકલિસ્ટ કરાયા છે અને તેમના ભારતીય વિઝા પણ રદ કરાયા છે. ગૃહ મંત્રાલયે ટ્વીટ કર્યું હતું કે આ તમામનાં ભારતીય વિઝા રદ કરાય છે અને તે તમામ સામે કાનૂની પગલાં લેવામાં આવ્યા છે. તેમને તેમના દેશમાં પરત મોકલી દેવાશે. તેમના માટે હવે ભારતના દરવાજા કાયમ બંધ થઈ જશે.
જમાતીઓનું બેહૂદુ વર્તન
તબલીગી જમાતના મુખ્ય મથક મરકઝ ખાતે યોજાયેલા ધાર્મિક મેળાવડા ઇજતેમામાં ભાગ લઇને પરત ફરેલા ૧૫૬ તબલીગીઓને કોરોનાના સંક્રમણની શંકાના પગલે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની ૩ હોસ્પિટલોમાં ક્વોરન્ટાઇન કરાયા હતા. જોકે અહીં તેમણે નર્સો સામે અત્યંત શરમજનક અને બેહૂદુ વર્તન કર્યું હતું. ગાઝિયાબાદની હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરે પોલીસ ફરિયાદ કરી છે કે જમાતીઓ હોસ્પિટલમાં આઇસોલેશનના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરે છે. સોશિયલ ડિસ્ટન્સિંગના બદલે એક બેડ પર ટોળે વળે છે. જો તેમને અટકાવાય તો નર્સો સાથે બદતમીઝી કરે છે. જમાતીઓ વોર્ડમાં પેન્ટ ઉતારીને ફરે છે. વોર્ડમાં અશ્લીલ ગીતો વગાડે છે. મહિલા કર્મચારીને અશ્લીલ ઇશારા કરી રહ્યા છે. નર્સ પાસે બીડી-સિગારેટ માગે છે.
કેમ્પનો હવાલો આર્મીને
મરકઝમાં હાજર લોકો માટે બનેલા આઈસોલેશન કેમ્પમાં હવે મદદ માટે ભારતીય સૈન્યની એક મેડિકલ ટીમ પહોંચી છે. જમાતી ડોક્ટરો-નર્સ સાથે દુર્વ્યવહાર કરતો હોવાના સમાચારો વચ્ચે સૈન્યે સારવારની કમાન સંભાળી છે. જમાતીઓ ભાગી જતા હોવાથી આઈસોલેશન કેમ્પની બહાર સલામતી માટે બીએસએફ જવાનો નિયુક્ત કરાયા છે.
મરકઝ તોડી પડાશે
દક્ષિણ દિલ્હી સ્થિત નિઝામુદ્દિનમાં આવેલું તબલીગી જમાતના મરકઝનું બાંધકામ નિયમોને બાજુ પર મૂકીને કરાયું છે. જે જમીન પર મરકઝ બન્યું છે તેના માલિકીહક્ક સંબંધિત દસ્તાવેજો પણ દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે નથી. સ્થાનિકોએ આ ઈમારતનું બાંધકામ ગેરકાયદે હોવા અંગે ફરિયાદો કરી હોવા છતાં તંત્રે કોઈ પગલાં લીધા નહોતા. હવે વિવાદોમાં ઘેરાયેલી આ ઈમારત લોકડાઉન દરમિયાન તોડી પાડવા માટે કવાયત હાથ ધરાઇ છે.