પોર્ટ બ્લેરઃ આંદામાન-નિકોબારના જંગલોમાં આદિવાસીઓએ અમેરિકી પ્રવાસીને તીર વડે હુમલો કરી મારી નાંખ્યો હતો. નિકોબારના સેન્ટીનલ ટાપુમાં પ્રવેશ પર પ્રતિબંધ છે, પરંતુ ૨૭ વર્ષનો જોન એલન ચાઉ માછીમારોની મદદથી ત્યાં પહોંચી ગયો હતો. આદિવાસીઓએ તેના પર તીરથી હુમલો કર્યો હતો. પોલીસે ચાઉને પ્રતિબંધિત ટાપુ પર પહોંચવામાં મદદ કરનાર સાત માછીમારની ધરપકડ કરી છે. અહેવાલ અનુસાર, ચાઉ ખ્રિસ્તી ધર્મપ્રચારક હતો, અને તે આ આદિવાસીઓને ખ્રિસ્તી બનાવવાના ઇરાદે ટાપુ પર પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે સેન્ટિનેલિસ જનજાતિ સદીઓથી આ ટાપુ પર વસવાટ કરે છે અને સમગ્ર વિશ્વથી વિખૂટા રહીને જીવન જીવી રહી છે.
ઈજાગ્રસ્ત સ્થિતિમાં પરત
પોલીસે અટકાયતમાં લીધેલા સાત માછીમારોમાંથી એકે જણાવ્યું હતું કે, ચાઉ ૧૪ નવેમ્બરે ટાપુ ઉપર ગયો હતો. તેને તીર વાગ્યું છતાં તે ત્યાં લટાર મારતો હતો. તેને પીડા થતાં તે પરત હોડી ઉપર આવી ગયો હતો. તેણે કહ્યું કે ત્યાં કેટલાંક વિચિત્ર લોકો રહે છે. મારે તેમને ધર્મનું જ્ઞાન આપવાનું છે. તે એક દિવસ બાદ ૧૬મીએ ફરીથી ત્યાં ગયો હતો. આદિવાસીઓએ તેને મારી નાખ્યો. અમે જ્યારે જોયું તો તેઓ તેના મૃતદેહને દરિયાકિનારે ઢસડી લાવ્યા અને સળગાવી દીધો.’
ચાઉના સાથીએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું. બીજી તરફ તેણે તેના જીવતા હોવાની આશા વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, હજી સુધી ચાઉનો મૃતદેહ મળ્યો નથી. બીજી તરફ ચાઉના પરિવારે ભારતીય સરકારને વિનંતી કરી હતી કે, ચાઉ પોતાની જાતે આ ટાપુ ઉપર ગયો હતો અને તેના માટે અન્ય લોકોને જવાબદાર ગણી શકાય નહીં. તેને સજા ન થવી જોઈએ.
અંતિમ જર્નલમાં વર્ણન
ચાઉએ આંદામાનની યાત્રા દરમિયાન પોતાની જર્નલ લખી હતી, તેમાં તેણે અંતિમ લેખમાં જણાવ્યું હતું કે, ‘હું નાનકડી હોડીમાં ત્યાં ગયો હતો. તેઓ નાનકડી ઝૂંપડીઓ બનાવીને રહે છે. તેઓ ચહેરા ઉપર પીળો લેપ લગાવે છે. મેં તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેઓ ગુસ્સે થઈ ગયા અને કંઈક વિચિત્ર રીતે ગાવા લાગ્યા.’
‘હું મરવા નથી માગતો’
સેન્ટિનલ ટાપુ ઉપર આદિવાસીઓના હાથે માર્યા ગયેલા જોન એલન ચાઉની અંતિમ નોંધ ઉપરથી કેટલાક ખુલાસા થયા છે. તેણે ૧૬ નવેમ્બરે પોતાના પરિવારને સંદેશો મોકલ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, ઈશ્વર મને ખબર છે કે હું ક્યાં જઈ રહ્યો છું. હું મરવા નથી માગતો. તેણે પોતાના પરિવારને વિનંતી કરી હતી કે મારું મોત થાય તો તેઓ ગુસ્સે ન થાય કે આક્રોશ પણ વ્યક્ત ન કરે... તે નાનકડી બોટ લઈને સેન્ટિનલ ટાપુ ઉપર ગયો હતો. તે ભેટસોગાદ અને માછલીઓ આપીને આદિવાસીઓને ખ્રિસ્તી બનાવવા માગતો હતો. તેણે અંતિમ સમયે પણ લખ્યું હતું કે, ઈશ્વર હું મરવા નથી માગતો.’
વિશ્વથી વિખૂટા પડીને જીવન વીતાવે છે ૧૦ પરિવારો
આંદોમાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરથી થોડા અંતરે આવેલા નોર્થ સેન્ટિનલ ટાપુમાં વસતી સેન્ટિનેલિસ જનજાતિ દુનિયાદારીથી એકલીઅટૂલી વસવાટ કરવા માટે જાણીતી છે. તેઓ બહારની કોઈ વ્યક્તિને ટાપુ પર ફરકવા દેતાં નથી. ૧૯૭૦ અને ૧૯૯૦માં પણ તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ ૨૦૦૬માં આ ટાપુ પર રાતવાસો કરનાર બે માછીમારોની હત્યા કરી નંખાઇ હતી.
ક્યારથી રહે છે? આ ટાપુ પર સદીઓથી મુઠ્ઠીભર લોકો રહેતા આવ્યાં છે અને અંગ્રેજોના જમાનામાં પણ તેમની સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ થયો હતો. જોકે ત્યારે પણ સેન્ટિનેલિસે તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ૧૩મી સદીના શોધક માર્કો પોલોએ સેન્ટિનેલિસ વિશે એવું લખ્યું કે સેન્ટિનેલિસ સૌથી વધારે હિંસક, ઘાતકી લોકો છે અને જે કંઈ પણ તેમના હાથમાં આવે છે તેને ખાઈ જાય છે.
કેટલા લોકો છે? ૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર, નોર્થ સેન્ટિનેલિસમાં ૧૦ પરિવારો રહે છે, જેમાં ૧૨ પરુષો અને ૩ મહિલાઓ છે. પરંતુ આ તો એક ધારણા માત્ર છે. ત્યાં ખરેખર કેટલા લોકો વસે છે એ તો ઇશ્વર જાણે.
કાનૂની રક્ષણ: આંદામાન અને નિકોબાર ટાપુ નિયમન ૧૯૫૬ના કાયદા હેઠળ સેન્ટિનેલિસ સમુદાય સાથે સંપર્ક સાધવો કે દરિયાકિનારાથી પાંચ કિલોમીટરની અંદર પ્રવેશવું ગેરકાયદે છે. સેન્ટિનેલિસ સમુદાય માનવજાતથી અળગા રહીને વર્ષોથી એકલોઅટૂલો રહેતો હોવાને કારણે સામાન્ય માણસો જેવી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા નથી.